બંદરમાં ૮૦૦ ફિશિંગ બોટની ક્ષમતા સામે ૩૦૦૦થી વધુ બોટ લાંગરવામાં આવતી હોવાથી વિવાદ: કોસ્ટગાર્ડના કેટલાક કર્મચારીઓ દ્વારા જડ વલણ: ભવિષ્યમાં અત્યાચારની ઘટના ફરી નહીં બને તેવી ધરપત આપતા સ્થાનિક અધિકારીઓ

વેરાવળ બંદરે કોસ્ટગાર્ડના કેટલાક કર્મચારીઓ દ્વારા માછીમારો ઉપર અત્યાચાર થતો હોવાનાં આક્ષેપ સામે માછીમારોએ રેલી રોષપૂર્ણ રેલી કાઢી હતી. આ રજૂઆત બાદ ભવિષ્યમાં અત્યાચારની ઘટના ફરી નહી બને તેવી ધરપત સ્થાનિક અધિકારીઓ દ્વારા અપાઈ હતી.

અત્રે નોંધનીય છે કે, વેરાવળ બંદર પર સુરક્ષા વિભાગ અને માછીમારો વચ્ચેનાં વિવાદના મૂળમાં બંદરમાં બોટ પાર્કીંગ કરવાની ઓછી ક્ષમતા કારણભૂત હોવાનું માનવામાં આવે છે. જે અંગે યુવા માછીમાર ભરત આગીયાએ જણાવેલ કે, વેરાવળ બંદર ૮૦૦ ફિશિંગ બોટની ક્ષમતા ધરાવે છે. જેની સામે બંદરમાં ૩૦૦૦થી વધુ બોટો લાંગરવામાં આવે છે. માછીમારોની પણ મજબૂરી છે તો બીજી તરફ કોસ્ટગાર્ડ દ્વારા જડ વલણ અપનાવવું યોગ્ય નથી. તો માછીમાર યુવાનોની રજૂઆત અંગે કોસ્ટગાર્ડ સ્ટેશનના સ્થાનિક અધિકારીએ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની સાથે ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તેવું જણાવ્યું હતુ.

વેરાવળ બંદરમાં કોસ્ટગાર્ડના અમુક કર્મચારીઓ દ્વારા વારંવાર થતા અત્યાચારના કારણે માછીમારોમાં ઉગ્ર રોષ વ્યાપેલો હતો. જેના વિરોધમાં સેંકડો માછીમાર યુવાનો બંદરથી સ્વયંભૂ રેલી સ્વરૂપે વેરાવળ ચોપાટી પર આવેલ કોસ્ટગાર્ડ સ્ટેશન પર પહોચી સ્થાનિક અધિકારીને લેખીત રજૂઆત કરી હતી. આ તકે માછીમાર શૈલેષ કુહાડાએ આક્ષેપ કરતા જણાવેલ કે, વેરાવળ બંદરમાં કોસ્ટગાર્ડના અમુક કર્મચારીઓ દ્વારા માછીમારોને કોઈ કારણ વગર મારમારવામાં આવે છે. અને અપશબ્દો ભાંડી ગેરવર્તન કરવામાં આવે છે. કોસ્ટગાર્ડ વિભાગ સાથે અમને કોઈ વાંધો નથી. પરંતુ અમુક કર્મચારીઓ અને અધિકરીઓ માછીમારો સાથે ગેરવર્તન કરે છે. તે યોગ્ય નથી. આવી અત્યાચારની ઘટના બંધ થવી જોઈએ.

આવા જ અત્યાચારની એક ઘટનાનો વિડિયો સોશીયલ મીડીયામાં વાયરસ થયો છે. જેમાં એક ફિશિંગ બોટ પરનાં માછીમારોને બોટ ઉપરથી બળજબરીથી ઉતારી મારમારતો હોવાનું જોવા મળ છે. આ અત્યાચારનો ભોગ બનેલ નરેશ રાઠોડ નામના માછીમારીએ જણાવેલ કે, કોઈ કારણ વિના તેને મારમારવામાંઆવેલ અને આવું વારંવાર બને છે. વેરાવળ બંદરમાં કોસ્ટગાર્ડનાં અમુક કર્મચારીઓ માછીમારો પર કથિત અત્યાચાર કરતા હોવાને લઈ માછીમારોમાં ઉગ્ર રોષ પ્રવર્તેલ હતો. આજે બપોરે અચાનક સ્વયંભુ માછીમાર સમાજના સેંકડો યુવાનોએ રેલી કાઢી કોસ્ટગાર્ડ સ્ટેશને પહોચી જઈ સ્થાનિક અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા ભવિષ્યમાં આવું ફરી વખત નહી બને તેમ જણાવી મામલો થાળે પાડયો હતો. જોકે, આ રેલીની જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટાફ કોસ્ટગાર્ડ સ્ટેશને દોડી જઈ યુવકોને શાંતિપૂર્વક રજૂઆત કરવા સમજાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.