- પછેડી જેવડી જ સોડ તણાય
- શોખ અને દેખાદેખીને કારણે પોતાનું આયોજન વીખી નાખીને ગજા બહારના ખર્ચા ક્યારેક
- વિનાશ નોતરે છે : આર્થિક ભીંસને વ્યાજના ચકરડાને કારણે ઘણા આપઘાત પણ કરી લે છે
સંયુક્ત પરિવાર કરતાં વિભક્ત કુટુંબને વધુ મુશ્કેલી પડતી જોવા મળે છે : જુના લોકોમાં આયોજન અને લાંબી દ્રષ્ટિ હોવાથી ખોટા ખર્ચા ક્યારેય ન કરતા હોવાથી તેમનું જીવન સુખી હતું લોનનું ઉંચુ વ્યાજ અને ક્રેડિટ કાર્ડથી આડેધડ ખરીદી પારિવારિક મુશ્કેલીઓ પેદા કરે છે
વર્ષો ચાલી આવતી આપણી મૂળભૂત જરૂરિયાતમાં રોટી-કપડાં અને મકાન હતી, જે છે અને રહેશે જ. પણ નવી પેઢીની પ્રવર્તમાન લાઇફ સ્ટાઇલને કારણે આજે બધા ખેંચ અનુભવે છે. વર્ષો પહેલા બીજા ખર્ચા લોકો બહુ ઓછો કરતાંને, પૈસાનું મૂલ્ય સમજતા હતા, સાથે થોડી બચત પણ કરતા હતાં. આજે સાવ ઉંધુ થયું છે આવે તેટલું ઉડાડવું જેના કારણે પરિવાર ખૂબ જ મુશ્કેલીમાં મૂકાય છે. ખોટા મોજ-શોખને દેખાદેખીને કારણે પોતાનું આયોજન વીંખી નાખીને ગજાબહારના
ખર્ચા ક્યારેક વિનાશ નોંતરે છે. આર્થિક ભીંસ અને વ્યાજના ચકરડાને કારણે ઘણા આપઘાત પણ કરી લે છે.
પહેલા એક કહેવત હતી કે પછેડી જેવડી જ સોડ- તણાય તમારી માસિક આવક સામે જાવક ક્યારેય વધવી ના જોઇએ. નાનકડી બચત પણ અણીના સમયે કામ આવે છે. આજનો યુવાવર્ગ કમાય તેનાથી ડબલ ખર્ચા કરે છે. ક્રેડીટ કાર્ડથી ગજાબહારની ખરીદીને કારણે આર્થિક ભીંસમાં ફસાય જાય છે. ઘણા તો આવી મુશ્કેલીમાંથી નીકળવા શોર્ટકટથી પૈસા કમાવવા કે આડે-અવળે માર્ગે પણ ચડી જાય છે. આપણા મા-બાપે જીવનમાં થોડું-થોડું ભેગુ કરીને તમને ભણાવ્યા-ગણાવ્યા, લગ્ન વિગેરે તમામ પ્રસંગો પાર પાડ્યા તેમાં ક્યારેય લોનનાં ચકરડા નોતા ફેરવ્યા. જૂના લોકોમાં આયોજન હતું , જે લાંબી દ્રષ્ટિથી જોતાને ખોટા ખર્ચા ક્યારેય કરતાં ન હતાં.
છેલ્લા દોઢ દાયકાથી માતા-પિતાથી જુદા રહેતા પરિવાર ઓછી આવકને કારણે ઘણી યાતના ભોગવતા નજરે પડે છે, તે સૌ જાણે છે. વિભક્ત કુટુંબોના ગેરફાયદા ઘણાં છે, તો સામે સંયુક્ત પરિવારમાં ઘણા ફાયદા છે. એકાદ નબળો ભાઇ પણ સબળા ભેગો તરી જાય છે. સંયુક્ત પરિવારમાં સંપ-સહયોગ સાથે પ્રેમ-હુંફ-લાગણી હતી. આવા વાતાવરણમાં માત્ર પત્નીના કહેવાથી જુદા થઇને હાથે કરીને દુ:ખી થયા. આર્થિક સ્થિતિ બગડવાના ઘણા કારણો હોય છે, જેમાં મુખ્યત્વે જરૂરીયાત ન હોયને કરાતા ખર્ચા તથા આજની દેખાદેખીની લાઇફ સ્ટાઇલ મુખ્ય છે. જો આ બાબત આજનો માનવી ધ્યાન રાખે તો ક્યારેય મુશ્કેલી ના આવી શકે.
આજના યુગમાં ઘરનાં જેટલા સદસ્યો હોય તેટલાને સ્માર્ટ ફોન જોઇએ છીએ અને તેના રીચાર્જ વિગેરેનો હિસાબ લગાવો તો વર્ષે એકાદ લાખ રૂપિયા તો આરામથી ચાલ્યા જાય છે. સોશ્યલ મીડીયા સાથે બધાને જોડાવું જરૂરી જ છે, તેથી વ્યક્તિને ફોન તો જોઇએ જ ને. આવા નાનકડા બીનજરૂરી ખર્ચને કારણે પણ પરિવારમાં આર્થિક તંગી આવેને સ્ત્રીઓને તો ઘણી મુશ્કેલી આવે છે. દરરોજ બે ટાણા જમાડવુંને દૂધ, બાળકોની ફી, શાકભાજી જેવા વિવિધ ખર્ચાઓ પતિ તરફથી ના મળે એટલે ઘરમાં કંકાસ થાય છે. આર્થિક મુશ્કેલીને કારણે છૂટાછેડાના કેસો પણ વધવા લાગ્યા છે. દેખાદેખીને કારણે મોટી મોટી વાતોથી અંજાઇને લગ્ન થઇ જાય પછી બધી ખબર પડતા પરિવારો વચ્ચે મનદુ:ખ પેદા થતાં જોવા મળે છે.
માસિક આવક સાથે બાર મહિનાની વાર્ષિક આવકમાં પરિવારનાં વિવિધ ખર્ચા, ઘર ખર્ચ વિગેરેનું આયોજન ન કરો તો તમે જીવનમાંથી ફેંકાય જાવ. તમે દરરોજ ખોટા ખર્ચા કરો છો તેનો માસિક કે વાર્ષિક હિસાબ કરજો ત્યારે ખબર પડશે કે આવું તો કેટલા દી ચાલે. 21 મી સદીની બદલાતી લાઇફ-સ્ટાઇલ મુજબ જ બધાને રહેવું, હરવું, ફરવું છે, મહેનત નથી કરવી આ પ્રકારેના જીવન લાંબુ ટકી ના શકે તેથી સૌએ બચત કરવી હિતાવહ છે.
આજે બધાને હરવા-ફરવાનો બહુ ટ્રેન્ડ છે, જેમાં દેખાદેખી મહત્વનો ભાગ ભજવે છે. ઘણા લોકો બાઇકથી ચાલતું હોય તો પણ સ્ટેટ્સને કારણે કાર લેવાનો આજે ટ્રેન્ડ છે, તેથી લોન લઇને પણ આ હાથી બાંધે છે, પછી હપ્તા ન ભરો એટલે ગાડી ખેંચાય જાયને હતા ત્યાંને ત્યાં આવી જાય છે. દર રવિવારે બહાર જવાના ટ્રેન્ડ પણ પરિવારનું માસિક આયોજન વિખેરી નાંખે છે. પહેલા તો આવુ હતું જ નહીં તેવી વડીલો આજે પણ પુત્ર-વહુંને સલાહ આપતાં જોવા મળે છે. વડિલોએ દુનિયા જોઇ હોવાથી તેને આવાનારૂં સંકટ દેખાતું હોય છે. આજકાલનાં ગુગલ યુવાનને તો કંઇ પડી જ નથી હોતી તેથી પિતા-પુત્ર વચ્ચે જગડાઓ પણ આજે જોવા મળે છે. આજ કારણે આજનો માનવી તણાવવાળી જીંદગી જીવી રહ્યો છે.
આજે ઘરમાં બ્યૂટી પાર્લર, સલૂન કે બ્રાન્ડેડ કપડાના વળગણે પણ પરિવારોને લોન લેતા કરી દીધા છે. આજે તો ભાગ્યેજ કોઇ પરિવારને લોન ચાલુ ન હોય એવું બને.
આજે ઘરનાં તમામ સભ્યોના જન્મદિવસ, મેરેજ ડેઇટ જેવી ઉજવણીમાં પૈસાનો ખોટો અને વધુ પડતો ધૂમાડો વિનાશ નોંતરે છે. તમારી આવક હોય તેટલી જ જાવક હોય ત્યાં લગી કદાચ બધુ ચાલે પણ આવકની સામે જાવક વધી જાય એ દિવસથી મુશ્કેલી આવી પડે છે. સગાઇ, લગ્નના ભભકામાં માણસો લાખોના દેણા કરીને ગામને બતાવવા માંગે છે, પછી જીંદગીભર બેંકનાં વ્યાજના ચકરડા ચાલ્યા જ કરે છે. સરકારી શાળામાં બધે મફ્ત ભણાવે છે, છતાં લાખો રૂપિયાની ફિ ભરીને પાડોશીનો છોકરો જાય છે એટલે મારે પણ ત્યાં ભણવાની ઘેલછા જ તેને દેણામાં ડુબાડે છે.
ખોટી લાઇફ સ્ટાઇલના કારણે મેડીકલ ખર્ચા પણ આજરોજ વધુ જોવા મળે છે. લોનના ઉંચું વ્યાજ અને ક્રેડિટ કાર્ડને કારણે સૌની આડેધડ ખરીદી પારિવારિક મુશ્કેલીઓ પેદા કરે છે, માટે ખોટા ખર્ચાઓથી હવે બધા લોકોએ ચેતવાની જરૂર છે. આવનારી પેઢીને સમજાવો નહિંતર બધુ જ વેંચાય જશેને રોડ ઉપર આવતા વાર નહીં લાગે. પતિ-પત્નિ સમજું હોય તે એકબીજા વિચારો રજૂ કરીને બધા થોડી-થોડી મહેનત કરીને પરિવારને સ્વર્ગ બનાવી શકે પણ, આજે તો સહનશીલતા કોઇના માં છે જ નહીં તેથી રોજ ઝગડા જ ઘરને પાયમાલ કરી દે છે.
આજે મોટાભાગના ઘરોમાં આર્થિક ખેંચને કારણે જ અશાંતિ જોવા મળી રહી છે. જરૂરીયાત વગરના ખર્ચાઓ બંધ કરો તો પણ કંઇ બે પાંદડે થવાના ચાન્સ રહે છે. આજે તો વ્યસન પાછળ માણસો તમામ કમાણી ઉડાડી મુકે છે. આજકાલના મોજ-શોખે કેટલાય પરિવારોને છિન્નભિન્ન કરી નાખ્યા છે. આર્થિક સ્થિતિ બગાડવાના મુખ્ય કારણોમાં આપણો જ વાંક હોય છે. જો વ્યક્તિ પોતે ધ્યાન રાખે તો ક્યારેય મુશ્કેલી પડતી નથી. પહેલા બધા વરસમાં એકવાર દિવાળી ઉપર જ કપડાં લેતા, આજે દર મહિને લે છે, બાકી બધા આજના ખર્ચાઓ, આમાં ક્યાંથી પુરૂં થાય તે તમે જ વિચારોને.
સુખી ભવિષ્ય માટે ‘બચત’ સૌથી શ્રેષ્ઠ
આજના લોકોની ખર્ચાળ જીવન પધ્ધતિ અને ઠાઠમાઠ થોડો સમય આકર્ષિત લાગે પણ તે સુખી ભવિષ્ય માટે યોગ્ય નથી, તેના માટે તો બચત જ શ્રેષ્ઠ ઉપાય છે. તમારા સંતાનોમાં પણ નાનપણથી જ બચતની ટેવ પાડો. ખોટા ખર્ચા પર કાબૂ રાખવો આજના યુગની વિશેષ જરૂરીયાત છે. આકસ્મિક ખર્ચ, લગ્ન કે મૃત્યુ જેવી મુશ્કેલી વખતે આપણી બચત જ આપણને કામ આવે છે. આજે તો બાળકોનાં શિક્ષણ માટે પણ પહેલેથી જ પ્લાનીંગ કરવું પડે છે. બહારનો ખોરાક ન ખાયને હેલ્થ ન બગડે તેવું આયોજન મેડીકલ ક્ષેત્રે થતાં ખર્ચની બચત જ છે. જરૂરીયાત જેટલી ઓછી તેટલો ખર્ચ ઓછો આ સાદુ લોજીક કોઇ સમજતા નથી તેથી ઘણી વસ્તુઓની જરૂરીયાત ન હોવા છતાં ખરીદી કરીને માસિક આયોજન બગાડે છે. વ્યવસ્થિત આર્થિક યોજના જ તમારી અને તમારા ફેમીલીના સુખમય ભવિષ્યનો પાયો હોય છે. આજે મોલ ખરીદીમાં માનવી વણજોતી ઘણી ખરીદી કરીને ઘરે આવે છે. પહેલા કરતાં આજના જીવનધોરણમાં ઘણા ખર્ચા વધી ગયા હોવાથી હવે આર્થિક આયોજન ખૂબ જ જરૂરી બન્યું છે.