મોરબી કોંગ્રેસ ભગવાકરણ તરફ
જયંતિ પટેલને ટિકીટ આપવામાં આવતા કોંગ્રેસમાં ઉકળતો ચરૂ :પાલિકા પ્રમુખ પણ ભાજપમાં જોડાય તેવી વહેતી થયેલી વાત
મોરબી કોંગ્રેસમાં ભંગાણ થયું હોવાનું સામે આવ્યું છે. ટિકિટની ફાળવણીને લઈને નારાજ થયેલા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ ફરી ભાજપ મોરબીને પોતાનો ગઢ બનાવવા તરફ પ્રયાણ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
મોરબી- માળિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બન્ને મુખ્ય પક્ષો માટે નુકસાનકારક સાબિત થઈ છે. પ્રથમ ભાજપે આયાતી ઉમેદવાર બ્રિજેશ મેરજાનું ઉમેદવાર તરીકે નામ ફાઇનલ કરતા પક્ષના જુના અને કર્મનિષ્ઠ ગણાતા એવા અગ્રણી કાંતિલાલ અમૃતિયામાં અંદરખાને નારાજગી જોવા મળી હતી. ત્યારબાદ કોંગ્રેસે જયંતિ પટેલનું નામ જાહેર કરતા ઉમેદવારીની રેસમાં રહેલા કિશોરભાઈ ચીખલીયામાં નારાજગી જોવા મળી છે. કિશોર ચીખલીયાએ જાહેરમાં નારાજગી વ્યક્ત કરીને આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આજે ભાજપ અગ્રણીઓની હાજરીમાં જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.
ઉપરાંત મળતી માહિતી મુજબ હજુ પણ કોંગ્રેસમાં ભંગાણ પડે તેવી માહિતી મળી રહી છે. નગરપાલિકાના કોંગી પ્રમુખ કેતન વિલપરા પણ ભાજપમાં જોડાઈ તેવી વાતો મળી રહી છે. જો કે આ વાતનો તેઓએ ઇનકાર કરી દીધો છે. પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેઓ ભાજપમાં જોડાઇ તેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા વર્ષોથી જ મોરબી જિલ્લામાં કોંગ્રેસનો દબદબો બન્યો છે. અગાઉ મોરબી જિલ્લો ભાજપનો ગઢ હતો. બસ પાટીદાર અનામત ફેક્ટર નડી જતા કોંગ્રેસે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વિધાનસભા અને નગરપાલિકા પોતાના હસ્તક કરી હતી. જો કે હવે પાટીદાર અનામત ફેક્ટર અસરકર્તા ન હોય ભાજપ ફરી કમબેક કરી રહ્યું છે.