ડાયાલિસીસ માટે આવતી વિદ્યાર્થીનીનો મોબાઇલ નંબર રજિસ્ટરમાંથી મેળવી મેસેજ કરી હેરાન કરતો હતો: યુવતી અને તેની માતા સાથે શારીરિક અડપલા કર્યાનો પણ આક્ષેપ
સુરેન્દ્રનગર શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલ ખાતે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં એક કર્મચારી દ્વારા હોસ્પીટલનાં રજીસ્ટરમાંથી ડાયાલીસીસ અર્થે આવતી એક વિદ્યાર્થીનીનો મોબાઈલ નંબર લઈ તેને મેસેજ કરી હેરાન પરેશાન કરવામાં આવતી હોવાનું ભોગ બનનાર વિદ્યાર્થીનીના ભાઈને જાણ થતાં આ અંગે જિલ્લા એનએસયુઆઈની ટીમને જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને મેસેજ કરનાર કર્મચારીએ પોતાની ભુલ સ્વીકારી રાજીનામું આપ્યું હતું.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરની મુખ્ય સરકારી ગાંધી હોસ્પીટલ ખાતે એક વિદ્યાર્થીની નિયમીત ડાયાલીસીસ કરાવવા જતી હતી. ત્યારે આ વિભાગમાં ફરજ બજાવતાં કર્મચારી દેવરાજભાઈ જાદવ દ્વારા હોસ્પીટલના રજીસ્ટરમાંથી વિદ્યાર્થીનીનો મોબાઈલ નંબર લઈ તેને મેસેજ કરી હેરાન પરેશાન કરી માનસીક ત્રાસ આપતો હતો.
તેમજ ડાયાલીસીસ કરવા આવતી વિદ્યાર્થીની અને માતા સાથે શારીરીક અડપલા કરતો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે અંગેની જાણ ભોગ બનનાર વિદ્યાર્થીનીએ તેના ભાઈને કરતાં આ અંગે જિલ્લા એનએસયુઆઈનો સંપર્ક કર્યો હતો આથી ભોગ બનનાર વિદ્યાર્થીનીના ભાઈને સાથે રાખી આ અંગે હોસ્પીટલના સીડીએમઓ સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી.
જેના ભાગરૃપે મેસેજ કરનાર કર્મચારી દેવરાજભાઈ જાદવ અને સાથે ફરજ બજાવી રહેલ પત્નીએ પોતાની ભુલ સ્વીકારી સ્વૈચ્છિક રાજીનામું આપ્યું હતું જે હોસ્પીટલના મુખ્ય જિલ્લા અધિકારીએ સ્વીકાર્યું હતું.