મચ્છરોની ઉત્પતિ સબબ 413 આસામીઓને નોટિસ ફટકારતું કોર્પોરેશન
શહેરમાં પાણીજન્ય રોગચાળાએ વધુ એક વખત માથુ ઉંચક્યું છે. જો કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુ કે ચિકનગુનિયાનો એકપણ નવો કેસ ન નોંધાતા શહેરીજનોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. મચ્છરોની ઉત્પતિ સબબ 413 લોકોને નોટિસ ફટકારવામાં આવી છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં શરદી, ઉધરસના 199 કેસ, સામાન્ય તાવના 81 કેસ અને ઝાડા-ઉલ્ટીના 101 કેસ નોંધાયા છે. ગત સપ્તાહે ડેન્ગ્યુ અને મેલેરીયાનો નવો એકપણ કેસ નોંધાયો નથી. રોગચાળાને વકરતો અટકાવવા માટે 18297 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને 156 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું હતું. બાંધકામ સાઈટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટલ,ઈન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પલેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલપંપ અને સરકારી કચેરી સહિત 394 બિન રહેણાંક પ્રિમાઈસીસમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ મળી આવતા 413 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.