ઉત્તર અમેરિકા ખંડના બે મુખ્ય દેશો કેનેડા અને અમેરિકા તેની કાતિલ ઠંડી માટે જાણીતા છે. ત્યાં ગરમીને કારણે પાંચ દિવસમાં 230 મોત નોંધાયા છે. આ મોત કેનેડાના એકલા બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં શુક્રવારથી આજ સુધીમાં નોંધાયા છે. વિશ્વ આખાને ક્લાઈમેટ ચેન્જની ભયજનકતાનો ભરડામાં લીધો હોય તેમ ઠંડા પ્રદેશોમાં ગરમીનો પ્રકોપ જ્યારે રણપ્રદેશો ટાઢપોર જોવા મળી રહ્યા છે. હવામાનને કારણે કેનેડામાં થનારા મોતમાં આ સૌથી મોટો આંકડો છે.
વિશ્વ આખાને ક્લાઈમેટ ચેન્જની ભયજનકતાનો ભરડો
કેનેડામાં ગરમીના તમામ રેકોર્ડ તૂટ્યા: ચાર દિવસમાં 233ના મોત
ગરમીનું મૂળ કારણ હિટ ડોમ: મૃત્યુઆંક વધવાની શક્યતા
બ્રિટિશ કોલંબિયાના લીટોન નગરમાં તો તાપમાન 49.5 ડીગ્રીથી વધારે નોંધાયુ હતુ. કેનેડાના ઈતિહાસમાં આ સૌથી ઊંચુ તાપમાન છે. કેનેડાના કોઈ પણ સ્થળે અગાઉ ક્યારેય પણ આવુ તાપમાન નોંધાયુ નથી. અનેક શહેરોમાં તાપમાન સામાન્ય રીતે હોય એના કરતા 8-9 ડીગ્રી વધારે નોંધાઈ રહ્યું છે. ઠંડા પ્રદેશોમાં સામેલ કેનેડા હાલમાં આકરી ગરમીમાં શેકાઈ રહ્યું છે. ગરમીએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.
ગરમીના કારણે લોકો મરી રહ્યા છે. કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં ચાર દિવસમાં 230થી વધુ લોકોના મોત થયા છે. દેશમાં ગરમીએ સળંગ ત્રીજા દિવસે રેકોર્ડ તોડ્યો છે. મંગળવારે લેટનમાં તાપમાન 121 ફેરનહીટ પહોંચ્યું હતું. રવિવાર અગાઉ કેનેડામાં તાપમાન ક્યારેય 113 ફેરનહીટથી વધ્યું ન હતું. છેલ્લે 1937માં કેનેડામાં 113 ફેરનહીટ તાપમાન નોંધાયું હતું.સોમવારે બ્રિટિશ કોલમ્બિયાના લિટનમાં 117.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે કેનેડામાં નોંધાયેલું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. જ્યારે મંગળવારે 121 ડિગ્રી પહોંચ્યું હતું.
સીએનએનના અહેવાલ પ્રમાણે વેનકુંવરમાં શનિવારે 98.6 ડિગ્રી જ્યારે રવિવારે 99.5 અને સોમવારે 101.5 ડિગ્રી નોંધાયું હતું કેનેડાના વેધર સર્વિસે જણાવ્યું હતું કે, આકરી ગરમીનું વર્ણન કરવા માટે શબ્દો નથી અને બ્રિટિશ કોલમ્બિયામાં નોંધાયેલું રેકોર્ડ તાપમાન લાસ વેગાસમાં નોંધાયેલા સર્વકાલીન રેકોર્ડથી પણ વધી ગયું છે. 10,000 વર્ષોમાં એક વખત ઊભી થતી આવી પરિસ્થિતિ હીટ ડોમના કારણે થાય છે. જેનો મતલબ છે કે વાતાવરણમાં ગરમી અત્યંત વધી જાય છે અને તે દબાણ ઊભું કરે છે અને પવનની પેટર્નને પણ અસર કરે છે.
આ હીટ ડોમના કારણે યુએસના વેસ્ટ કોસ્ટને પણ અસર પડી છે. પોર્ટલેન્ડ અને સીઆટેલમાં તાપમાનમાં ઘણો વધારો નોંધાયો છે. એન્વાયરમેન્ટ કેનેડાના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તેની તુલનામાં દુબઈ પણ ઠંડુ હશે.
લોકોને રાહત માટે કૂલિંગ સ્ટેશનો ઉભા કરાયા
ગરમીના પ્રકોપમાંથી રાહત આપવા માટે અમેરિકા અને કેનેડામાં પોર્ટલેન્ડ જેવા શહેરોમાં કૂલિંગ સ્ટેશનો ઉભા કરવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે આ પ્રકારના કૂલિંગ સ્ટેશનોનો સહારો લઈ રહ્યા છે. આ ઉપરાંત લોકો સ્વિમિંગ પૂલ, દરિયામાં અને જળાશયોમાં ડૂબકી લગાવી ગરમીથી બચી રહ્યાં છે.