સામાન્ય તાવના 39, શરદી-ઉધરસના 253 અને ઝાડા-ઉલ્ટીના 57 કેસો નોંધાતા આરોગ્ય શાખામાં દોડધામ
કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આજે રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂના નવા 16 કેસ અને ચીકન ગુનિયાના બે કેસ મળી આવ્યા છે. મચ્છરોની ઉત્પતિ સબબ 492 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ગત સપ્તાહે ડેન્ગ્યૂના 16 કેસો નોંધાયા છે. આ સાથે ચાલુ વર્ષે ડેન્ગ્યૂના કુલ 198 કેસ નોંધાયા છે. જ્યારે ચીકન ગુનિયાના પણ નવા બે કેસ નોંધાતા વર્ષ દરમિયાન 21 કેસો થયા છે. જ્યારે શરદી-ઉધરસના 253 કેસો, સામાન્ય તાવના 39 કેસો અને ઝાડા-ઉલ્ટીના 57 કેસો નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે 65,413 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી છે.
1729 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત 574 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તારોમાં મચ્છરોની ઉત્પતિ જણાતા 492 આસામીઓને નોટિસ આપવામાં આવી છે.