ગુજરાત સ્થાપના દિનથી સમગ્ર રાજયમાં સુજલામ-સુફલામ યોજના હેઠળ જળસંચય અભિયાન શરૂ કરનાર રાજય સરકાર દ્વારા આ અભિયાનમાં મોટી નદીઓને બાકાત રાખતા આશ્ર્ચર્ય સર્જાયું છે. જોકે ગુજરાત સરકારે આગામી વર્ષનાં જળસંચય અભિયાનમાં મોટી નદીઓને સાંકળી લેવામાં આવશે તેવું સ્પષ્ટ કર્યું છે.
રાજય સરકાર દ્વારા સુજલામ-સુફલામ યોજના અંતર્ગત સમગ્ર રાજયમાં ચેકડેમો-તળાવો ઉંડા ઉતારવા ૧લીમેથી ૩૧ મે સુધી અભિયાન જળ સંચય કાર્યક્રમ શરૂ કર્યો છે પરંતુ આ અભિયાન અંતર્ગત રાજયની મોટી નદીઓની બાદબાકી કરી દઈ ૩૩ જિલ્લાની ૩૫ નદીઓને જ આ અભિયાન અન્વયે પ્રદુષિત થતી રોકવા અને તળાવ ઉંડા ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મુદ્દે રાજય સરકારે જણાવ્યું હતું કે, આગામી વર્ષમાં સુજલામ-સુફલામ કાર્યક્રમમાં મોટી નદીઓને જોડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજયના પાંચ મહાનગરોની મોટી નદીઓના કાંઠા વિસ્તારમાં બેફામ દબાણો ઉભા થઈ જવાની સાથે આ મહાકાય નદીઓમાં ઝેરી કેમિકલયુકત પાણી છોડવાની સાથે ગટરના ગંદા પાણી ખુલ્લેઆમ છોડવામાં આવી રહ્યા છે તો દુર-દુર જતી મોટી નદીઓમાં ગેરકાયદે ખનીજ ચોરીનું દુષણ પણ ફુલ્યું ફાલ્યું છે ત્યારે જો ચાલુ વર્ષમાં જળ સંચય અભિયાનમાં આવી મહાનદીઓને શુદ્ધિકરણ કરી ગેરકાયદે દબાણો દુર કરવા પગલા લેવામાં આવ્યા હોત તો પરિણામો સારા મળી શકત. રાજય સરકારના જળ સંચય અભિયાન માટેની જવાબદારી લેનાર ગ્રામ વિકાસ વિભાગનાં કમિશનર મોના અંધારે જણાવ્યું હતું કે, સુજલામ-સુફલામ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે ૪૦૫ કિમી જેટલો વિસ્તાર આવરી લેવાયો છે. જેમાં નદીઓ, ઝરણા અને જળાશયો સુકાવા જેવા મુદાને અગ્રતામાં લેવાયા છે અને ભુગર્ભ જળ ઉંચા લાવવાના આ ભગીરથ પ્રયાસમાં આ વર્ષે નદી કાંઠાના દબાણો હટાવવાનો મુદો લક્ષય પર લેવાયો નથી.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, આ અભિયાન હેઠળ સરકાર કૃત્રિમ ટેકનીક થકી ભુગર્ભ જળને રીચાર્જ કરી પાણીના પ્રવાહને જીવંત બનાવવા પ્રયત્નશીલ છે અને જમીનનું ધોવાણ રોકવાનો મુદો મુખ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com