ઉતારી લેવા નોટીસો આપવા છતા કોઈ પગલા ભરાયા નથી
અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરમાં આવેલી 200 જર્જરીત ઈમારતો પૈકી 79 જેટલી બિલ્ડીંગને ભયજનક હોવાથી તેને ઉતારી લેવા માટે નોટિસો ફટકારવામાં આવી હોવા છતાં આજ સુધી કોઈ પણ પ્રકારના પગલા ભરવામાં આવ્યા નથી. તેના કારણે આ બિલ્ડીંગો પડુ પડુ થતી હાલતમાં મોતનાં માંચડા બનીને ઉભી છે. ગમે ત્યારે દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.? તેવો સવાલ લોકોમાંથી ચર્ચાઇ રહ્યો છે. શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં જુની અને જર્જરીત થઈ ગયેલી આશરે 200થી વધુ બિલ્ડીંગો આવેલી છે. રહેણાંક અને કોમર્શિયલ ઉપયોગમાં લેવાતી હતી. તાજેતરમાં શહેરનાં વાડીલાલ ચોકમાં આવેલી જ્યોતિ ચેમ્બર્સ નામની જર્જરીત બિલ્ડીંગમાંથી પોપડુ પડતા એક વ્યક્તિને ઈજા થઈ હતી.
ભુતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે. એક અંદાજ મુજબ સુરેન્દ્રનગર શહેરમાં જર્જરીત ઈમારતોની સંખ્યા 200 છે. દર વર્ષે ચોમાસા પહેલા આવી જર્જરીત ઈમારતો ઉતારી લેવાની માંગણી કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર નોટિસો આપી ફરજ બજાવી લેવી હોવાનો સંતોષ માની બેસી જાય છે.
પાલિકા અને મામલતદાર તંત્ર વચ્ચે ગજગ્રાહ
બીજી તરફ આ 79 બિલ્ડીંગો મામલે નગરપાલિકાતંત્ર અને સિટી મામલતદાર તંત્ર દ્વારા જવાબદારી ફેંકાફેકી થતી હોવાનું અને બન્ને સરકારી તંત્રના ગ્રજગ્રાહને કારણે ભયજનક ઈમારતો ઉતારવાનાં પગલા લેવાતા ન હોવાનું ચર્ચાય છે.
મામલતદાર એ પગલા લેવા જોઈએ: ચીફ ઓફિસર
સુરેન્દ્રનગર શહેરની જર્જરીત ઈમારતો પૈકી 79 ભયજનક ઈમારતોને નોટિસો અપાયા પછી પગલા લેવાતા નથી, ત્યારે નગરપાલિકાનાં ચીફ ઓફિસર કહે છેકે, અમે ડિઝાસ્ટર તંત્ર અને મામલતદાર કચેરીને જાણ કરી દીધી છે. મામલતદાર કહે છેકે, અમે મામલતદાર એક્ટમાં ચકાસણી કરીને યોગ્ય કાર્યવાહી કરીશું. તંત્રવાહકોનાં આ ગજગ્રાહ વચ્ચે કોઈ દુર્ઘટના સર્જાશે અને જાનહાનિ થશે તો જવાબદાર કોણ.? તેવો સવાલ લોકોમાંથી ઉઠી રહ્યા છે.