ગઇકાલની સ્થિતિએ કુલ 784 ફોર્મ મળ્યા, એક્સ ચોકઠાના 16 પ્લોટ માટે 15 ફોર્મ, સંસ્થા માટેના 13 પ્લોટ માટે 9 ફોર્મ આવ્યા, જ્યારે ફૂડ કોર્નર અને ટી કોર્નર માટે એકેય ફોર્મ જ ન આવ્યું : આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓના માનીતા એવા લોકમેળામાં દર વર્ષની સાપેક્ષે આ વખતે સ્ટોલ-પ્લોટને ધીમો પ્રતિસાદ મળ્યો છે. ગઇકાલની સ્થિતિએ કુલ 784 ફોર્મ મળ્યા, એક્સ ચોકઠાના 16 પ્લોટ માટે 15 ફોર્મ જ આવ્યા, સંસ્થા માટેના 13 પ્લોટ માટે પણ 9 ફોર્મ જ આવ્યા છે. જ્યારે ફૂડ કોર્નર અને ટી કોર્નર માટે એકેય ફોર્મ જ આવ્યું નથી. બીજી તરફ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય, આજે મોટી સંખ્યામાં ફોર્મ મળવાની આશા છે.
રાજકોટના રેસકોર્ષ ખાતે તા.5થી 9 સપ્ટેમ્બર સુધી લોકમેળો રસરંગ યોજાનાર છે. આ લોકમેળાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. આ વખતે લોકમેળામાં સ્ટોર પ્લોટ લેવા માટે ધંધાર્થીઓમાં નીરસ્તા જોવા મળી રહી છે જેને ધ્યાને અગાઉ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા ફોર્મ ભરવાની મુદતમાં ત્રણ દિવસનો વધારો કરવામાં આવ્યો હતો તેમ છતાં ગઈકાલની સ્થિતિએ કુલ 16 કેટેગરીના સ્ટોલ -પ્લોટમાંથી 4 કેટેગરીમાં અપૂરતા ફોર્મ મળ્યા છે કુલ સ્ટોલ અને પ્લોટની સંખ્યા 355 છે જેની સામે ભરાઈને આવેલા ફોર્મ ની સંખ્યા 784 છે જોકે કુલ 1186 ફોર્મ ઉપડ્યા હતા તેમાંથી મોટી સંખ્યામાં ધંધાર્થીઓ એવા પણ હતા કે જેને ફોર્મ ભરીને સબમિટ કરાવ્યા નથી.
બીજી તરફ ફોર્મ ઉપાડના આકડા જોઈએ તો તા.3ના રોહ 27 ફોર્મ, તા.4ના રોજ 55 ફોર્મ, તા. 5ના રોજ 27 ફોર્મ, તા.6ના રોજ 36 ફોર્મ, તા.7ના રોજ 56 ફોર્મ, તા.10ના રોજ 68 ફોર્મ, તા.11ના રોજ 81 રોજ તા.12ના રોજ 185 ફોર્મ, તા.13ના રોજ 205 ફોર્મ, તા.14ના રોજ 188 ફોર્મ, તા.15ના રોજ 34 ફોર્મ, તા.17ના રોજ 49 ફોર્મ અને તા.18ના રોજ 175 ફોર્મ મળી ગઇકાલની સ્થિતિમાં 1186 ફોર્મ ઉપડ્યા છે. જેને કારણે લોકમેળા સમિતિને રૂ.2.37 લાખની આવક થઈ છે.