- ગુરુઓએ જે જ્ઞાન આપ્યું છે તેને ફક્ત પોતાના લાભ માટે ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ એ તમામને આપવું જોઈએ, તમારું જ્ઞાન તમામ માટે કલ્યાણકારી બનવું જોઈએ
- ગુજરાતની ધરતી પર જ્ઞાન, સમજ અને સહકારની સરવાણી વહે છે, એટલે જ સમગ્ર દેશમાં અગ્રેસર છે: એમ. વેંકૈયા નાયડુ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને અને પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ તથા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટીનો 73મો દીક્ષાંત સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના 73 મા દીક્ષાંત સમારોહમાં મહાનુભાવોના હસ્તે 46,131 વિદ્યાર્થીઓને પદવી અને 148 વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા હતા. આ તકે રાજયપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, તમે જીવનમાં કંઈ પણ બનો, ડૉક્ટર, એન્જિનિયર, પ્રોફેસર કંઈ પણ બનો, પરંતુ માનવ બની રહેજો. માનવતા ક્યારેય ન છોડતા, એવી માનવતા જે બીજાના દુઃખોને સમજે, બીજાના ઘાવને પોતાના હૃદયરૂપી મલમથી સાજો કરી શકે. જો આ ભાવના તમારામાં નથી તો તમે મેળવેલા અક્ષરજ્ઞાનનું કોઈ મહત્વ નથી.
ગુજરાત યુનિવર્સિટીના 73મા દીક્ષાંત સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિવિધ વિદ્યાશાખાના કુલ 46,131 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. જેમાં આર્ટસના 9775, સાયન્સના 5089, ઇજનેરીના 03, લૉ ના 2728, મેડિકલના 1282, કોમર્સના 23,927, ડેન્ટલના 60, એજ્યુકેશનના 3266, ફાર્મસીના 01 મળી કુલ 46,131 વિદ્યાર્થીઓને ડિગ્રી તથા 148 વિદ્યાર્થીઓને 260 મેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજયપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતમાં ગુરુઓ બાળકને એક વાત કહેતા હતા કે, જે મનમાં છે તે જ વાણીમાં આવે અને જે વાણીમાં છે તે જ કર્મોમાં હોય એવું સાત્વિક જીવન જીવશો, તો દુનિયામાં હંમેશાં સન્માન મળશે અને એક સારા સમાજની રચના થશે. જીવનમાં એવા ગુરુ ધારણ કરવા કે, જેના સંપર્કમાં રહીને તમે સુખી થાઓ અને તમારા સંપર્કમાં આવનાર પણ સુખી થાય. જેમ ખેડૂત ખેતરમાં ન જાય તો ખેતી બરબાદ થઈ જાય છે, તેમ અભ્યાસ વિનાની વિદ્યા લુપ્ત થતી જાય છે. જીવનમાં જે વિષયને તમે પસંદ કર્યો અને જે વિષયની ડીગ્રી પ્રાપ્ત કરી છે, તેને હંમેશાં શીખતાં રહેવું જોઈએ. વિદ્યાને વધારતા રહેવું જોઈએ. આજીવન વિદ્યાર્થી રહેવું જોઈએ, ત્યારે તમે પોતાનું અને બીજાનું ભલું કરી શકશો. જે જ્ઞાન લીધું તેને પોતાના સુધી સીમિત ન રાખવું જોઈએ. ગુરુઓએ જે જ્ઞાન આપ્યું છે તેનો ફક્ત પોતાના લાભ માટે ઉપયોગ ન કરવો જોઈએ, પરંતુ એ તમામને આપવું જોઈએ, તમારું જ્ઞાન તમામ માટે કલ્યાણકારી બનવું જોઈએ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ઉમેર્યું કે, તમારા માતા-પિતા ગુરુ જેમણે અહીં સુધી તમને પહોંચાડ્યા તેમના પ્રત્યે હંમેશાં આદર અને સન્માન ભાવ રાખવો જોઈએ. તેઓ સ્વયં અભાવમાં રહ્યા અને તમને કંઈ અભાવ ન થવા દીધો પોતે સારા કપડાં ન પહેર્યા અને તમને સારા કપડાં પહેરાવ્યાં. પોતે એટલું ભણી ન શક્યા પરંતુ તમને આ ઐતિહાસિક સંસ્થામાં ભણવા મોકલ્યા તેમના પ્રત્યે સન્માન અને આદરભાવ ક્યારેય ઓછો થવો ન જોઈએ.
રાજયપાલએ જણાવ્યું કે, એવું ભણતર કે જે, માનવતા માટે હાનિકારક હોય તે ક્યારેય નજીક ન આવવું જોઈએ. જેમ પૂજ્ય બાપુ કહેતા કે, ‘મારું જીવન જ મારો સંદેશ છે’, આ વિચાર માનવના જીવનમાં હશે તો ભણેલી વિદ્યા આપણા કામની થશે, નહીંતર, ફક્ત અક્ષરજ્ઞાન માણસને મહાન બનાવી દે તે સંભવ નથી. સંસ્કાર, જીવનશૈલી, સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા અને રાષ્ટ્ર તેમજ સમાજ પ્રત્યે આપણી જવાબદારી એ જીવનનો આધાર છે. દુનિયામાં સારપ જ શાશ્વત છે. સત્ય અને અહિંસાનો સિદ્ધાંત જ ટકાઉ છે. આ વિચાર ભણેલા-ગણેલા લોકોમાં હોય અને આ વિચાર લઈને સમાજમાં જે પડકારો છે તેનો સામનો કરીએ તો એક સારા સમાજનું નિર્માણ કરી શકીએ.
રાજયપાલએ ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓને અપીલ કરી કે, આપણે પર્યાવરણ, પાણી, પ્રકૃતિને બચાવવાનાં છે અને આવનારી પેઢી માટે કંઈક કરવાનું છે. આ બધામાં આપણે સહયોગ આપીશું તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરી શકીશું. રાજ્યપાલએ તમામ વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા અને ગુરુજનોને શુભકામનાઓ પાઠવી હતી.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પોતાના ઉદ્બોધનના પ્રારંભે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં શુભેચ્છાઓ પાઠવીને માતૃભાષાનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે માતા-પિતા, માતૃભૂમિ (વતન), દેશ, ગુરુની સાથે સાથે માતૃભાષાનું ગૌરવ કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, દરેક ભાષા શીખવી અને બોલવી જોઈએ, પરંતુ માતૃભાષા ભૂલવી જોઈએ નહીં. માતૃભાષા હૃદયથી નીકળતી હોય છે એટલે પરિવારજનો સાથે હંમેશાં માતૃભાષામાં જ વાતચીત કરવી જોઈએ. માતૃભાષા આપણી આંખો છે, બાકીની ભાષાઓ તો ચશ્માનું કામ કરતી હોય છે. આપણી માતૃભાષાનું આપણને ગૌરવ હોવું જોઈએ,
વેંકૈયા નાયડુએ ગુજરાતની ભૂમિને વિશિષ્ટ ભૂમિ ગણાવીને જણાવ્યું હતું કે, આ ધરતી પર જ્ઞાન, સમજ અને સહકારની સરવાણી વહે છે, જે આ રાજ્યને સમગ્ર દેશમાં અગ્રેસર રાખે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, અહીં શિક્ષણના ધારાધોરણ એવા ઊંચા છે કે, વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાન અપાતું નથી, પરંતુ તેમના ચારિત્ર્યના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે અને એટલે જ ડૉ. કસ્તુરીરંગન, ડૉ. વિક્રમ સારાભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહાનુભાવો દેશને મળ્યા છે.
નાયડુએ વિદ્યાર્થીઓને ચાર ‘સી’નો મંત્ર આપ્યો હતોઃ કેરેક્ટર, કેલિબર, કેપેસિટી અને કન્ડક્ટ પર ફોકસ રાખવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને નેશન માટે પેશન રાખવાની અને મેળવેલા શિક્ષણનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણમાં કરવાની સલાહ આપી હતી. મોબાઇલ ફોનના વધતાં ઉપયોગ અંગે ચેતવણી આપતાં તેમણે સેલફોન આપણા માટે હેલ ફોન ન બની જાય, એની કાળજી લેવા જણાવ્યું હતું. જ્યાં પીસ હોય ત્યાં જ પ્રોગ્રેસ સંભવી શકે છે, એવું જણાવીને નાયડુએ વિદ્યાર્થીઓને નેચર વચ્ચે સમય વિતાવવા તેમજ યોગને અપનાવવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે સૌ વિદ્યાર્થીમિત્રોને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ ‘વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત’ના નિર્માણમાં આપ સૌની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ગુજરાત યુનિવર્સિટીની સાફલ્યગાથા વર્ણવતા મંત્રીએ કહ્યું હતું કે, આ યુનિવર્સિટીએ અનેક ક્ષેત્રે ખ્યાતનામ મહાનુભાવોનું નિર્માણ કર્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ગુલામીની માનસિકતા દૂર કરીને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ પ્રસ્થાપિત કરનાર કસ્તુરીરંગન, દેશની વૈશ્વિક સ્તરે નામના કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને 370 કલમની નાબૂદી જેવા મક્કમ નિર્ણયો લેનાર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આ જ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે, એનું ગૌરવ છે.
મંત્રીએ કહ્યું કે, 21મી સદી ક્રિએટિવિટીની સદી છે, માટે યુવાનોએ સમય સાથે તાલમેલ રાખી આગળ વધી સમાજ અને દેશના ઉત્થાન માટે કાર્યરત રહેવું પડશે. આજના વિકસતા ઝડપી યુગમાં એઆઈ અને રોબોટિક્સ હકીકત બની ગયાં છે ત્યારે આપણા વેદ અને પુરાણમાં જે વિજ્ઞાન હતું, તે દુનિયા સમક્ષ ઉજાગર કરવાનો સમય છે. શરૂઆતમાં ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નિરજા ગુપ્તાએ સૌનું સ્વાગત કરીને આવકાર્યા હતા અને તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ દીક્ષાંત સમારોહમાં ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો.પિયુષ પટેલ, યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો, એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યો, વિવિધ વિભાગોના ડીન, આચાર્યઓ, અધ્યાપકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.