હિન્દુધર્મમાં વેદો પુરાણોની સાથે શિવપુત્ર કાર્તિકેયનું વાહન અને ભગવાન શ્રી કૃષ્ણના મુટગમા ‘મોર પીંછ’ને સ્થાન અપાયું છે તે વિવિધ ૧૧ પ્રકારના અવાજો કાઢી શકે છે,ભારતમાં ગુજરાત, હરિયાણા, તામિલનાડુ અને રાજસ્થાનમાં સૌથી વધુ મોર જોવા મળે છે
મેહુલીયો ગાજે ને મેઘ ઝરમર વરસે,
ત્યારે મોર ઘેલો બની નૃત્યમાં પાગલ બને
મોર બાળથી મોટેરા સૌને ગમતું અને આપણી આસપાસ રહેતું પક્ષી છે. વર્ષાઋતુંનું આગમન સાથે તે જોડાયેલું પક્ષી છે. નર મોરનાં રંગબેરંગી પીછા વાળી પૂંછડી માટે આ પક્ષી જાણીતું છે. તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. અફાટ કુદરતી સૌદર્ય સોળે કલાએ ખીલી ઉઠે છે ત્યારે સૌ પ્રથમ મોર નો ‘મે… આઉ…. મે…. આઉ’ અવાજ જ માનવ અને કુદરતને જોડી દે છે.
કાળા ડિંબાગ વાદળો ગડગડાટ કરતાં હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે નર મોર તેના પીંછા ફેલાવી, કળા કરીને નૃત્ય કરતાં કરતાં ગોળ ગોળ ફરવા લાગે છે. પીંછાને ઝડપથી ધ્રુંજાવે છે. જેને આપણે ‘કળા ’ કરી એમ કહીએ છીએ વાસ્તવમાં તે ઢેલ (માદા મોર) ને આકર્ષવા માટે આવું કરે છે જે બહુ ઓછા લોકો જાણે છે.
મોરનું અપણાં હિંદુ ધર્મમાં અનેરૂ સ્થાન છે. શાસ્ત્રો- વેદો – પૂરાણો સાથે શ્રીકૃષ્ણના મુગટમાં બાળપણથી જ કાયમ મોર પીચ્છ ધારણ કરતાં, માતા સરસ્વતી પણ તે ધારણ કરતાં હતા. શિવજીના પુત્ર કાર્તિકેયનુ: વાહન મોર હોવાનું આપણાં ગ્રંથોમાં ઉલ્લેખ જોવા મળે છે. આપણાં ધર્મમાં ગમે તે દેવી-દેવીતાની તસ્વીર, ચિત્રમાં મોર સુશોભન માટે એક વિશિષ્ટ સ્થાન જોવા મળે છે. આજે પણ મંદિરોમાં સવાર-સાંજની આરતી સમયે મોરના પીંછામાઁથી બનેલ પંખાથી પવન નાખવામાં આવે છે.
મોર તેના ખોરાકની શોધમાં વહેલી સવારે અને સંઘ્યા ટાળે જોવા મળે છે. બપોરના સમયે ઘટાદાર વૃક્ષની ડાળીએ આરામ કરતાં જોવા મળે છે. સામાન્ય રીતે મોર ચાર પાંચના નાના ગ્રુપમાં રહે તો જોવા મળે છે. વન વગડાને ખેતરમાં વધુ જોવા મળતાં મોર ખોરાકમાં અનાજના દાણા, જીવડાં અને નાના સરિસૃપ ખાય છે.
મોરની શારિરીક દેહ રચના અત્યંત આકર્ષક હોય છે. તેના પીંછા વિવિધ રંગો માથા પર કલગી વિગેરેને કારણે તે ખુબ જ રૂપકડું પક્ષી છે. માથાથી પેટ સુધી ચમકદાર લદાયેલ પૂંછડી દોડ મીટર લાંબી હોય છે. તેનુ વજન ૪ થી ૬ કિલો વચ્ચે હોય છે. માથા પર મોર ઢેલ બન્નેને સુંદર કલગી હોય છે. ભરાવદાર શરીરની સાથે લાંબા પાતળા પગ ખુબ જ તાકાતવર હોય છે. એને ભય લાગે ત્યારે ઉડવા કરતાં દોડવાનું વધુ પસંદ કરે છે. પક્ષીઓમાં સૌથી ઓછું ઉડી શકતું હોય તો તે મોર છે. આપણાં દેશમાં અને વિદેશોમાં સફેદ મોર પણ જોવા મળે છે.
મોરને અંગ્રેજીમાં ‘પિકોક’, ઢેલને ‘પિહેન’ તેના તેના બચ્ચાને ‘પિચીક’ કહેવાય છે. પૂંછડીમાં વિશિષ્ટ મોર પીંછ ધરાવતો મોર લોકપ્રિય અને સુંદર પક્ષી છે. પીંછા ફેલાવીને કળા કરતો મોર જયારે નૃત્ય કરતો હોય ત્યારે ધરતી પર સ્વર્ગ જેવું લાગે છે. મૃખ્યત્વે ભૂરા, લીલા, જાંબલી, સફેદ રંગમાં મોર જોવા મળે છે. પણ આજે તો દુનિયામાં વિવિધ રંગોના કલર ફૂલ મોર પણ દેખાય રહ્યા છે. તે વિવિધ ૧૧ થી વધુ જાતના અવાજો કાઢી શકે છે. તેનું આયુષ્ય એવરેજ રપ થી ૩૦ વર્ષ જેટલું હોય છે. સૌથી ચકિત કરી દે તે બાબત તેની મોર પીંછના તાંતણામાં નાના ક્રિસ્ટલને કારણે જાુદી જાુદી દિશામાંથી જોવો તો અલગ રંગ તમને દેખાય છે.
ઢેલ ત્રણથી ચાર ઇંડા મુકે છે અને ર૮ દિવસ પછી તેમાંથી બચ્ચા જન્મે છે. જન્મ સમયે બચ્ચાનું વજન ૧૦૦ ગ્રામ જ હોય છે. ખુબીની વાત તો એ છે કે બચ્ચા એક જ દિવસમાં ચાલવા લાગે છે. અને પોતાનો ખોરાક જાતે ખાવા લાગે છે. ઢેલનું શરીર મર્યા પછી પણ સડતું નથી, તેવી પ્રાચીન ઇજિપ્તમાં માન્યતા હતી ત્યારનાં લોકો તેને અમર હોવાનું પ્રતિક ગણતા હતા. સિંકદર પણ ભારતમાંથી એક મોર યુનાન દેશમાં ઇલ ગયો હતો. મોર્ય સામ્રાજયમાં મોર રાષ્ટ્રીય પ્રતિક હતું ને તેના ચલણી સિકકામાં પણ મોરનું ચિત્ર હતું.
આજે તેમની વસ્તી પણ ઘટવા લાગી છે. મોર પીંછનો વિદેશોમાં વેપાર સાથે તેમાંથી પંખા અને બીજી કેટલીક વસ્તુઓ બનાવવામાં આવે છે. ઢેલ ગમે તેવું જોખમ આવે છતાં પોતાનાં બચ્ચાને છોડીને કયારેય જતી નથી. બચ્ચા આઠ મહિનાનાં થઇ જાય એટલે પોતાની સંભાળ જાતે રાખતા શીખી જઇને મા-બાપને છોડીને જતાં રહે છે.
પ્રાચીન ગ્રીસ -રોમ અને ભારતનાં બાગોમાં મોર છુટથી ફરતાં હતા. એનાથી બાગની શોભા વધતી, રાજા રજવાડામાં હજારો વર્ષો સુધી જોવા મળતા, તેમના મહેલોમાં ચિત્રો દોરેલા અને કોતરેલા આજે પણ જોવા મળે છે, દુનિયાનું સૌથી સુંદર પક્ષી મોર છે, આ મોર સંપૂર્ણપણે સફેદ કલરમાં હોય તેવી દુર્લભ મોરની પ્રજાતિ ભારત અને ઓસ્ટ્રેલીયામાં જ જોવા મળે છે.
ઘણાં રંગોમાં જોવા મળતા મોરનો મુખ્યત્વે વાદળી રંગ હોય છે. આ રંગના મોર મોટો ભાગે ભાર-નેપાળ અને શ્રીલંકામાં જોવા મળે છે. લીલો મોર મ્યાનમા, ઇન્ડોનેશિયામાં જોવા મળે છે. ભારતમાં સૌથી વધુ મોર હરિયાણા, ગુજરાત, તામિલનાડુ અને રાજસ્થાનમાં જોવા મળે છે. કવિ કાલિદાસે મોરને ખુબ જ ઉંચો દરજજો આપ્યો છે. ચંદ્રગુપ્તના સિકકા પર મોરાની કૃતિ કરી. રાજા-મહારાજાના સિંહાસનો પર પાછળ મોરના આકારની પાંખો હતી. શાહજહાંનું સિંહાસન મયુર પંખ હતું. રાજાઓને પવન પણ મોરનાં પીંછા વાળા આકારના પંખાથી નખાતો.
આપણાં દેશમાં ર૬મી જાન્યુઆરી ૧૯૬૩ના રોજ મોરને રાષ્ટ્રીય પક્ષીનો દરજજો અપાયો હતો. આપણાં સિવાય શ્રીલંકા, મ્યાનમાર દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. ઓગસ્ટ મહિનામાં તેના પીંછા સંપૂર્ણ રીતે ખરી જાય છે. ઢેલ જાન્યુઆરીથી ઓકટોબર દરમ્યાન જ ઇંડા મુકે છે. ૧૪૮૬ના એક પેઇન્ટીંગમાં પણ મોર બેઠેલો દર્શાવાયો હતો. એક માન્યતા મુજબ મોરના પીંછા ઘરમાં રાખવાથી શુભ ફળ મળે અને ચોપડીમાં રાખવાથી વિદ્યા આવે એવી પણ છે. વાસ્તુશાસ્ત્રની અંદર મોર પીંછને શુભ માનવામાં આવે છે.
રાષ્ટ્રીય પક્ષી મોર વિશે જાણવા જેવું
* મોર સફેદ, જાંબલી, લીલા, ભૂરા વિગેરે રંગમાં જોવા મળે છે.
* પ્રાચીન ભારતમાં મોર્ય વંશમાં મોર રાષ્ટ્રીય પ્રતિક હતું, ચલણી સિકકામાં પણ તેનું ચિત્ર હતું.
* સિકંદર ભારત દેશમાંથી મોર લઇને યુનાન ગયેલો તે સમયે મોર સૌથી કિંમતી ચીજ ગણાતી
* દર વર્ષે મોર પૂંછડીના પીંછા કાઢીને નવા ધારણ કરે છે. ૧પ૦ થી ર૦૦ જેટલા પીંછા હોય છે.
* જંગલમાં મોર ર૦ વર્ષથી વધુ જીવે છે. આપણાં દેશમાં તેના શિકાર પર પ્રતિબંધ છે, ગુનો બને છે.
* મોર પાણીમાં તરી શકતો નથી.
* મોર જાુદી જાુદી જાતના ૧૧ જેટલા અવાજ કાઢે છે. તેનો ટહુકો (ગહેંક) ખુબ જ કર્ણપ્રિય હોય છે.
* આપણા દેશનું લીલો મોર રાષ્ટ્રીય પક્ષી છે, જયારે ભૂખરા રંગનો મોર મ્યાનમાર દેશનું રાષ્ટ્રીય પક્ષી છે.
* મોર કદાવર હોવાથી બહુ ઉંચાઇએ ઉડી શકતો નથી. તે ૧૬ કી.મી. ની ઝડપે દોડી શકે છે.
* મોરની પૂંછડી છ ફુટ લાંબી હોય છે. તેનાં શરીર કરતાં પૂંછડીનો ભાગ ૬૦ ટકા કરતાં વધુ જોવા મળે છે.
* મોર વનસ્પતિ અને જીવજંતુ બંને ખાય છે એટલે કે તે સર્વાહારી છે.
* મોરના જન્મ પછી ત્રણ વર્ષે પૂંછડીમાં પીંછા આવે છે ઢેલને પીંછા હોતા નથી.