શિવાજીને નિંદરૂ ના’વે, માતા જીજાબાઈ ઝુલાવે

“હાલરડાં” બાળક ઘોડીયામાં સુતું હોય ત્યારે તેની હિંચકો નાખતી “ર્માં” ગાય છે. હા…..હા……નો આરોહ-અવરોહ અને સંગીત ગીતનો તાલ, લય બાળકને મીઠી નિંદર પોઢાડે છે. હિંચકાનું આવન-જાવન એજ આરોહ-અવરોહ છે. સાવ નાનકડું બાળક રડે ત્યારે હિંચકામાં પોઢાડીને “ર્માં” હાલરડાં ગાય છે. આ હાલરડાંની રચના તો અનેક કવિઓ કરી છે પણ પ્રાચિનકાળથી જોઇએ તો મૂળ કૃષ્ણની બાળલીલાનાં પદોમાં છે. સૂરદાસજીએ સૌથી વધુ બાલ્યપદોની રચના કરી છે. પ્રાચિનયુગથી શરૂ કરીને આજે અર્વાચીન યુગમાં હાલરડાં અકબંધ છે પણ હા રાગ-શબ્દો સાથે ઘણું બધુ બદલાય ગયું છે. આજે ઘણા મમ્મીઓ ફિલ્મી ગીત પણ ગાય છે.

ઘોડીયામાં હિંચકતા બાળકને પોઢાડતા માતાનો સ્વર, લય, તાલ, આરોહ-અવરોહ સાથે પ્રેમ, હૂંફ, લાગણી સીધા બાળકના માનસપટ ઉપર અસર કરે છે. મધ્યકાલીન યુગ કે આપણી ભારતીય સંસ્કૃતિમાં હાલરડાંનું વિશેષ મહત્વ છે જો કે અત્યારના યુગમાં આપણી આ વિરાસત લુપ્ત થતી જોવા મળે છે. ‘શિવાજીનું હાલરડું’ નામ સાંભળતા જીજાબાઇની વાતો યાદ આવે જ છે. હાલરડાંના ગીતો-શબ્દો સાથે બાળકને ઘણા બધા ગુણોનું સિંચન પણ થઇ જાય છે. માતા યશોદાના કંઠેથી છલકતા હાલરડાંથી કૃષ્ણ પણ મધુર હાસ્ય કરે છે. હાલરડાંમાં વાત્સલ્યભાવ સિવાય બીજુ કશુ જ ન આવડે તો પણ ચાલે એજ એની તાકાત છે. એ જમાનાના રૂપકડા પારણામાં ઝુમ્મર-ઘુંઘરા લટકતા હોયને બાળક જોઇને હસતો હોય.

ચાર હજાર વર્ષ પહેલા હડ્ડપ્પીય સંસ્કૃતિના અવશેષોમાં પણ પંચતંત્રની બાળવાર્તા અને જોડકણાના પૂરાવા મળ્યા છે: હાલરડાં અને બાળગીતો બાળકના માનસિક વિકાસને વેગવંતો બનાવે છે

mother and baby rabaris of thunda wadh in kutch district gujarat india EXMR14Untitled 1 392

હાલરડાંમાં વિર રસ છલકે અને પરીઓના દેશોની કલ્પનાઓ, ઘોડે બેસેલ રાજકુમાર જેવા વિવિધ અવિસ્મરણીય હાલરડાં આપણી ધરોહર છે. 19 કે 20મી સદીમાં હિંચકા, ઘોડીયામાં બદલાવ આવ્યાને આજે તો સ્ટીલનાને સ્વયં સંચાલિત પણ આવી ગયા છે. ગ્રામિણ સંસ્કૃતિમાં એનો રંગ અનેરો હતા. મા, માસી, નાની, દાદી, ફઇ, ભાભી જેવા તમામ પરિવારજનો ઉમળકાભેર ઉત્સાહ સાથે મીઠડા હાલરડાં ગાઇને ટબૂકડા બાળકને પોઢાડતા હતા. સંયુક્ત કુટુંબમાં બાળક ક્યારે મોટુ થઇ જતું ખબર જ ના પડે જ્યારે આજે વિભક્ત કુટુંબને કારણે અડધી રાત્રે માતા-પિતા જાગેને રડતા બાળકને શાંત કરે છે. અગાઉ તો બેની વિરાને પારણે ઝુલાવતી પોંઢાડતી હતી.

ભાઇને હિંચકા નાંખતી હાલરડાં ગાતી બેન તેના વિરા માટે કેવી કેવી વાત કરે છે તે તો આપણે હાલરડાં સાંભળી ત્યારે જ ખબર પડે છે. હાલરડાંના શાસ્ત્રોમાં સીતા, સતી, રાધા, સરસ્વતી વિગેરે સંબોધનો આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં હાલરડાંમાં દેવીઓની ભેટ આપણને મળી છે.

માતાએ સંસારની સૌથી મોટી ગુરૂ છે, તેની મમતા, પ્રેમ બાળક પ્રત્યેની લાગણી જ્યારે બાળકને હાલરડાં ગાઇને સુવડાવે છે ત્યારે એ બાળકના ભાગ્યની ઇર્ષા દેવો પણ કરે છે. માતા ભાવથી, સ્પર્શથી, તેની ગોદનું અને કંઠપાનથી હાલરડાંઓ સાંભળવવાનું સૌભાગ્ય સૌને પ્રાપ્ત થતું નથી, “બાલુડાને માત હીંચોળે ઘણ ઘણ ડુંગરા બોલે” હાલરડાંના શબ્દોની તાકાત અદ્ભૂત હતી.

સોજા રાજકુમારી સોજા, ધીરે સે આજા રે અખિયન મેં નિંદીયા, મેં ગાઉ તુમ સો જાવો, ચંદન કા પલના રેશમ કી ડોરી જેવા ફિલ્મી લોરી આજે પણ સાંભળો ત્યારે બાળકને પારણે ઝુલાવતી માતાનું દ્રશ્ય ખડું થઇ જાય છે

Untitled 1 394

પ્રાચિનકાળમાં આર્ય માતાઓ પારણામાં ઝૂલતા બાળકને આર્યત્વના સંસ્કાર રેડતી હતી. આપણા સમાજના પેઢી દર પેઢીથી હાલરડાં ગવાતા આવ્યા છીએ. 2020માં કોરોના મહામારીના લોકડાઉનમાં પપ્પાએ પણ પોતાના બાળકને હિંચકો નાંખતા તેને આવડે તેવું હાલરડું ગાયું જ હશે. આપણા સમાજમાં હાલરડાં સ્ત્રી જ ગાય એવું નથી. 1940માં ફિલ્મમાં કે.એલ.સાયગલે “સોજા રાજકુમારી સોજા” હાલરડું ગાયું હતું. આજે 80 વર્ષે પણ હજી લોકો ગાય છે, યાદ કરે છે.

1940 પછીના દશકા બે દશકાની કે હાલની ઘણી ફિલ્મોમાં હાલરડાં આવ્યા જ છે. 70 વર્ષ પહેલા આવેલી ‘અલબેલા’ ફિલ્મમાં “ધીરે સે આજા રે અખિયન મેં…..નિંદિયા આજારે આજા” આજે પણ એટલું જ કર્ણપ્રીય લાગે છે. ફિલ્મોમાં કરૂણ, સુખ-દુ:ખ એ બે પાર્ટમાં પણ સ્ત્રી-પુરૂષના અવાજમાં હાલરડાં ગવાયા છે. 1956માં આવેલી શબાબ ફિલ્મમાં હાલરડું “ચંદન કા પલના રેશમ કી ડોરી” બરફી જેવું મીઠું લાગે છે. ફિલ્મમાં પુરૂષોએ ગાયેલા હાલરડાં ખૂબ જ પ્રચલિત થયા છે. બ્રહ્મચારી ફિલ્મમાં “મે ગાઉં તુમ સો જાવો” એ જમાનામાં સમગ્ર દેશભરમાં પ્રચલિત થયું હતું.

ભારતના અલગ-અલગ રાજ્યોમાં તેની ભાષામાં હાલરડાં છે. પણ સૌથી મીઠડાં હાલરડાં ગુજરાતીના છે. આમ જોઇએ તો પણ બાળક પ્રારંભે તેની માતૃભાષાના શબ્દો, ગીતો સાથે ર્માંનો સ્પર્શ અને અવાજ પ્રથમ જ સાંભળે છે. વિધવા માતાનું નાનકડું બાળકને માતા જ્યારે સુવડાવતી હોય ત્યારે તેના સ્વરમાં દર્દની સાથે પોતાના સંતાન પ્રત્યેનો પ્રેમને મારૂ સંતાન કાલ મોટું થઇ જશે એવી આશા પણ દેખાય છે. એટલે જ કદાચ બાળક રડે તો માતા પણ રડે છે, ગમે તેવા અવાજ વચ્ચે પણ બાળકનો અવાજ માતાને જ સંભળાય જાય છે. ફિલ્મ “એક દિલ સો અફસાને” “દૂર કે ઓ ચંદા” હાલરડાંમાં પ્રથમ વખત 1963માં વેસ્ટર્ન મ્યુઝિકનો ઉપયોગ કરાયો હતો. હાલરડાં ક્યારેય આજના ફિલ્મ ગીત જેવા ઘોંઘાટીયા ન હોય. શાંતિ, મીઠડાને અર્થસભર જ હાલરડાં હોય છે ને એ જ આદીકાળથી ગવાતા આવ્યા છે.

ઘોડીયામાં હિંચકતા બાળકને પોઢાડતા માતાનો સ્વર, લય, તાલ, આરોહ, અવરોહ સાથે પ્રેમ, હુંફ, લાગણી સીધા બાળકના માનસપટ ઉપર અસર કરે છે

આજે તો ‘હાલરડાં’ સાવ લુપ્ત થઇ ગયા છે. ગત વર્ષે રાજકોટમાં એક આ અંગેનો સેમિનાર સાથે હાલરડાં ગાવાની સ્પર્ધા યોજીને તેને જીવંત રાખવા સાથે લોકોને જાગૃત કરવા પ્રયાસ કરાયો હતો. બાકી તો યુ ટ્યુબ કે ગુગલમાં સર્ચ કરીને બાળક માટે સ્લીપીંગ સોંગ પણ મમ્મીઓ શોધતી જોવા મળે છે. ઘરમાં એટલે જ વડિલોનું હોવું જરૂરી છે. દાદા-દાદી, કાકા-કાકી, નાના-નાની, મામા-મામી, માસી-ફઇબા જેવા પરિવારનાં સભ્યોના સાનિધ્યમાં બાળક ઉછરી જાય છે. બાળકને પાયાનું શિક્ષણ ઘરનાં વાતાવરણમાંથી જ મળે છે.

આજના મમ્મીએ બાળકની માતા બનીને હાલરડાં શીખવા જ પડશે. આપણે ખુબ પ્રગતિ કરી પણ આપણી જ સંસ્કૃતિ વિસરી ગયા. હાલરડાં આપણી ધરોહર હતી અને આજે પણ છે જ પણ વિસરી ગયા. આપણે બધા જ હાલરડાં સાંભળીને જ મોટા થયા છીએ પણ આવનારી પેઢી સંભળાવવાની જવાબદારી આજે આપણી છે. આ માટે સંયુક્ત કુટુંબ પ્રથા જ બેસ્ટ હતી.

આજે તો અંગ્રેજી હાલરડાં “ટ્વીન્કલ…..ટ્વીન્કલ લીટલ સ્ટાર” ગવાય છે. ગુજરાતી જેવા હાલરડાં થઇ જ ના શકે, અંગ્રેજી હાલરડાંમાં પ્રેમ, હૂંફ, લાગણી વગરના કહેવાય. જો તમારા ઘરમાં ઘોડિયામાં હિંચકતું નાન બાળક છે તો નશીબદાર છો કે તમને “હાલરડાં” ગાવાનો 2020માં મોકો મળ્યો છે.

બાળ મનોવિજ્ઞાન પણ કહે છે કે હાલરડાં અને બાળ ગીતો બાળકનાં માનસિક વિકાસને વેગવંતો બનાવે છે. ચાર હજાર વર્ષ પૂર્વે હડ્ડપ્પીય સંસ્કૃતિના અવશેષેમાં પણ પંચતંત્રની વાર્તા-જોડકણાનાં પુરાવા મળ્યા છે.

હાલરડાંમાં એક પ્રકારની કશીશ હોય !!

માતા જ્યારે હાલરડું ગાતી હોય ત્યારે તેના હાલરડાંમાં એક પ્રકારનો અહેસાસ છલકતો હોય છે, માતાનો પ્રેમ અને મમતા છલકતી હોય છે. બાળકનાં બેચેન મનને મધુર અવાજથી ગવાયેલ હાલરડું જ શાંત કરે છે. હાલરડાંમાં એક પ્રકારની કશીશ હોય જે બાળક પર જાદુની જેમ કામ કરે છે.

ફિલ્મી હાલરડાં જે આજે પણ લોકો ગાય છે

– સો જા રાજકુમારી સો જા……(સાયગલ)

– ધીરે સે આજા રે અખિયન મેં નીંદીયા આજા રે આજા…. (અલબેલા)

– આ જા રી આ નીંદીયા તુ આ….. (દો બીઘા જમીન)

– ટીમ ટીમ કરતે તારે યે કહતે હે સારે……(ચિરાગ કર્હાં-રોશની કર્હાં)

– રામ કરે ઐસા હો જાયે મેરી નીંદીયા તો મીલ જાયે……(મિલન)

– મેં ગાઉ….તુમ સો જાવો…..(બ્રહ્મચારી)

– ચંદન કા પલના રેશમ કી ડોરી……(શબાબ)

– આજ કલ મેં ઢલ ગયા……(બેટી બેટે)

– તારોં કી નગરી સે…..(વારીશ)

– આ રી નીંદીયા કી પરી…..(રિશ્તે-નાતે)

– દૂર કે ઓ ચંદા…..(એક દિલ સો અફસાને)

– ચંદા ઢલે…..પંખ જલે…..(પ્યાર કી પ્યાસ

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.