સરદારધામ-કેળવણીધામ સંચાલિત સિવિલ સર્વિસ કેન્દ્ર ખાતે યુ.પી.એસ.સી./ જી.પી.એસ.સી. વિદ્યાર્થીઓનો સત્ર પ્રારંભ સમારોહ-ઉત્તીર્ણ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, સમાજથી સેવા-કલ્યાણ-સુખાકારીની ભાવના જ આપણાં દેશની અસલી વિરાસત છે. આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ છે. યુવા શક્તિના સામર્થ્ય અને તેના ઈનોવેશનના નવા વિચારો નવા જોમ સાથે રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ કર્યો છે. યુવા શક્તિ સિવિલ સર્વિસમાં જોડાઈને રાજય હિત-રાષ્ટ્ર હિત સાથે સમાજ સેવાનું દાયિત્વ નિભાવે તે આજની માંગ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ આજે અમદાવાદ ખાતે સરદારધામ કેળવણી મંડળ દ્વારા યુ.પી.એસ.સી./ જી. પી. એસ. સી. સત્રના પ્રારંભ સમારંભ અને સિવિલ સર્વિસ કેન્દ્રમાં ઉત્તીર્ણ થયેલાં વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં જણાવ્યું હતું કે, સરકારી સેવામાં પણ અમારી સરકાર વધુને વધુ યુવાનોને સમાવી રહી છે. રાજયના ઓજસ્વી યુવાનોને રોજગારનો અવસર પૂરો પાડ્યો છે ત્યારે આવી સંસ્થાઓ રાજ્ય સરકારના સામર્થ્યને વધુ બળવત્તર બનાવશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સિવિલ સર્વિસના માળખાગત બંધારણમાં સરદાર સાહેબનો રોલ હતો ત્યારે પાટીદાર સમાજે દેશ-દુનિયાને નવી દિશા બતાવી છે. રાજયની પ્રગતિમાં પાટીદાર સમાજનો પણ મોટો ફાળો છે. પાટીદાર અગ્રણીઓએ પણ મોટા મનથી દાન આપીને સંસ્થાને નાણાંકીય સમર્થન પુરૂ પાડ્યું છે. તેના પાયામાં સંસ્થા તરફથી મોટો ભરોસો છે. આ ભરોસો જ રાજ્ય-રાષ્ટ્રને મુઠ્ઠી ઉચેરો બનાવશે એમ તેમણે ઉમેર્યું હતું.
સંસ્થા દ્વારા રાજનીતિજ્ઞ કેન્દ્ર શરૂ કરાયાનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ સારા ધ્યેય સાથે શરૂ કરાયેલું કેન્દ્ર અનુકરણીય છે. સમાજમાંથી યુવાનો રાષ્ટ્રભાવ અને સામાજસેવા સાથે રાજનીતિમાં આવે તે સમયની માંગ છે. ભૂતકાળમાં કોંગ્રેસ સરકારે રાજનીતિમાં મસલ્સ પાવરને અપનાવ્યો હતો અને તેના પગલે દેશમાં હતાશાનું વાતાવરણ ઉભું થયુ હતું જો કે, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ અપનાવીને દેશ અને દુનિયાને દિશા નિર્દેશ આપ્યાં છે. જે તાજેતરના ચૂંટણી પરિણામોએ પૂરવાર કર્યું છે. લોકોએ રાષ્ટ્રભાવને આવકારીને હકારાત્મક મતદાન કર્યું હતું. નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ દેશ આખાએ સ્વીકાર્યું છે. આજે શરૂ કરાયેલું કેન્દ્ર પણ આ અભિગમને સાકાર કરશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ નિ:સ્વાર્થ ભાવે સમાજ માટે કાર્ય કરે છે તેના માટે રાજય સરકારનું મન ખુલ્લું છે. એટલું જ નહિં પરંતુ આવી સંસ્થાઓને સરકાર મદદરૂપ થાય છે. સરદારધામ-કેળવણીધામ સંસ્થા દ્વારા યુવાનોને માર્ગદર્શન-પ્રોત્સાહન પુરૂ પાડવાની પ્રવૃત્તિ સરાહનીય છે. રાજય સરકારના યુવા ઉત્કર્ષ અને તેના માધ્યમથી વિકાસના ધ્યેયને પ્રાપ્ત કરવામાં આવી સંસ્થા પીઠબળ પુરૂ પાડે છે તે અનુકરણીય અને પ્રશંસનીય છે એમ તેમણે ઉમેર્યું હતું.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સમાજના યુવાનોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તિર્ણ થઈને સમાજને ઉજળો બનાવ્યો છે. યુવાનો સરકારી સેવામાં જોડાઈને સમાજ સેવાનો ધ્યેય અવિરત રાખે અને તેના પગલે રાષ્ટ્ર નિર્માણનો પથ ઉજળો બનાવે તે સમયની માંગ છે. રાજય સરકારે પારદર્શક પદ્ધતિથી ભરતી કરી છે અને તેમાં સમાજના યુવાનો માત્ર તેમના મેરીટ પર જ નિમણૂક પામ્યા છે તે આપણા સૌ માટે ગૌરવની વાત છે એમ તેમણે ઉમેર્યું હતું.
સરદારધામ કેળવણી સંગઠનના પ્રમુખ ગગજીભાઈ સુતરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં સમાજના ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહીને ભણે છે ત્યારે સમાજે વિદ્યાર્થીઓ માટે સુવિધા ઉભી કરી છે અને હજુ વધુ સુવિધાઓ ઉભી થશે, કેળવણીધામ પાંચ લક્ષ્ય બિંદુઓ સાથે કામ કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદના મેયર બિજલબેન પટેલ, સાંસદ એચ. એસ. તપટેલ, ધારાસભ્ય વલ્લભભાઈ કાકડિયા, બાબુભાઈ જે. પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ, સમાજના શ્રેષ્ઠી ધરમશીભાઈ મોરડિયા, સમાજના અગ્રણીઓ-વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા.