વોર્ડ નં.૩ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ (ટીકુભાઈ) પૃથ્વીસિંહ જાડેજા, બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી અને અલ્પાબેન દવે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
વોર્ડ નં.૩માં તાજેતરમાં ભળેલા નવા વિસ્તારોને લાઈટ, પાણી, રોડ રસ્તા અને ભૂગર્ભ ગટરની જેવી સુવિધા મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. આ વોર્ડમાં ગત ટર્મમાં કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા હોવા છતાં ભાજપના સંગઠનના હોદ્દેદારોએ અહીં વિકાસના કામોની હારમાળા સર્જી દીધી છે. આ વખતે વોર્ડવાસીઓ પરિવર્તન ઈચ્છી રહ્યાં હોય અહીં કોંગ્રેસને જાકારો મળશે અને ભાજપને જાજરમાન જીત થશે તે નિશ્ર્ચિત છે તેવો વિશ્ર્વાસ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા વોર્ડ નં.૩ના ભાજપના ઉમેદવાર નરેન્દ્રસિંહ (ટીકુભાઈ) પૃથ્વીસિંહ (ઘોઘુભા) જાડેજા, બાબુભાઈ ઉધરેજા, કુસુમબેન ટેકવાણી અને અલ્પાબેન દવેએ વ્યકત કર્યો હતો.
તેઓએ ઉમેર્યું હતું કે, ભાજપે અમને ઉમેદવાર બનાવી જે જવાબદારી સોંપી છે તે અમે નિષ્ઠાપૂર્વક નિભાવીશું. વોર્ડમાંથી ચારેય કમળો કોર્પોરેશનમાં જાય તેવો અમારો પ્રયત્ન રહેશે. તાજેતરમાં રાજકોટ મહાનગરપાલિકાની હદમાં નવા ગામો ભળ્યા છે. જેમાં વોર્ડ નં.૩માં જે નવા વિસ્તારો ભળ્યા છે ત્યાં પ્રાથમિક સુવિધા પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેશું. એકપણ ઘર નળ વિનાનું ન રહે તેવા પ્રયાસો હાથ ધરીશું. પેઈજ પ્રમુખ અમારી મુખ્ય તાકાત છે અને આ તાકાતથી અમે તોતીંગ લીડ સાથે વિજેતા બનીશું.
નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ વોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર હોવા છતાં સંગઠનની ભાજપની ટીમે ખુબ કામ કર્યા છે અને વોર્ડ લીડમાં ૧ થી ૩ નંબરમાં રહે તેવું દેખાઈ રહ્યું છે. બાબુભાઈ ઉધરેજાએ જણાવ્યું હતું કે, એક પણ વ્યક્તિ પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે તે માટે અમે પ્રયત્નશીલ રહેશું. કુસુમબેન ટેકવાણીએ જણાવ્યું હતું કે, સિંધી સમાજમાંથી પ્રથમ વખત કોઈ લેડીઝને ચૂંટણીમાં ટિકિટ મળી હોય સમગ્ર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડના અન્ય ઉમેદવાર અલ્પાબેન દિપકભાઈ દવેએ જણાવ્યું કે, રાજકીય વારસો મારી નસ-નસમાં વહી રહ્યો છે. મારા સસરા મુરલીભાઈ દવે ભૂતપૂર્વ કોર્પોરેટર હતા અને તેઓના સેવાનો વારસો હું આગળ ધપાવીશ. આજે વોર્ડ નં.૩ના ભાજપના ઉમેદવારો ‘અબતક’ દૈનિકની શુભેચ્છા મુલાકાતે આવ્યા ત્યારે વોર્ડ નં.૩ના વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર અને વોર્ડ પ્રભારી મનુભાઈ વઘાસીયા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપના ઉમેદવારોને ક્રમાંક આપી દેવામાં આવ્યા છે. જેમાં નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજાનો ક્રમાંક નં.૧૨, બાબુભાઈ ઉધરેજાનો ક્રમાંક નં.૧૩, કુસુમબેન ટેકવાણીનો નં.૫ અને અલ્પાબેન દવેનો ક્રમાંક નં.૨ છે.