આપણી સવા અબજ જેટલી પ્રજાને એ ઝેર ઝેવો કડવો લાગે તો નવાઈ નહીં
સ્વતંત્રતાએ આ દેશની ગરીબ પ્રજાનો શું દી’ વાળી દીધો, એવો સવાલ અત્યારથી ઉઠે છે ? ૭૩ વર્ષ એળે ગયા એવું કહેનારાઓની સંખ્યા અહી ઓછી નથી… કરોડો લોકો એમને સ્વાધીનતાનાં ફળની એકાદ ચીર પણ ચાખવા નહિ મળ્યાનો અજંપો છે.. આનાથી વધુ અમંગળ એંધાણ બીજા કયા હોઈ શકે?
સ્વાધીનતા દિન ભલે ઉજવાય, પણ એનું મુખ્ય લક્ષ્ય એની રક્ષા કરવાનું અને એને જગતના ચોકમાં બેઆબરૂ થતા અટકાવવાનું જ હોવું ઘટે અને સવા અબજની વસતિનો મહાન સંસ્કૃતિ ધરાવતો દેશ વિદ્રોહ-વિપ્લવની કે વર્ગ વિગ્રહની ‘અગનજાળ’માં ધકેલાતો અને ભડભડ બળતો અટકે !આમ ન જ થવા દેવું હોયતો આખા દેશે એક અને અતૂટ થયા વિના નહિ ચાલે !
એક જમાનામાં આપણે અસુરો સામે લડતા હતા કમનશીબે આવા અસુરોની જમાત અત્યારે પણ આપણી ભારતમાતાની ધરતી ઉપર ચડી બેઠી છે. એમના પાપાચાર અને જુલ્મો આ દેશની ૬૫ ટકા વસ્તી ગરીબીના પહેરણ પહેરીને તથા ઓઢણાં ઓઢીને મરવાનાં વાંક, અપમાનનાં ચાબખાં ઉપર ચાબખાં વેઠી જીવે છે !
અહી મુઠ્ઠીભર લોકો અબજો રૂપીયાની કમાણી કરે છે, ને મહેલાતોમાં એશઆરામી કરે છે. વસ્તીના ૬૫% લોકોને પેટપૂરતું ખાવાનું મળતું નથી, ને આબરૂ ઢંકાય એટલાય લુગડા મળતા નથી…
હિન્દુસ્તાનને આઝાદી મળી એ સંસ્મરણ આખા દેશનું સૌથી મનમધુરૂ સંસ્મરણ હતુ. આપણા દેશે ગલીએ ગલીએ એનાં ઉત્સવ ઉજવ્યાં કરોડો લોકો ગરીબો કે તવંગરો સામુહિક રીતે નાચ્યા અને આનંદ ઉમંગની રંગોળીઓ પૂરી એ સંસ્મરણ પર આ દેશનું અકે મનમધુરૂ સંસ્મરણ હતુ આ દેશમાં રામરાજય સર્જાશે એ વાતનું સંસ્મરણ, સ્વરાજય પછી સુરાજય સ્થપાશે એ વાત હવે દેશમાં દુધદહીની નદીઓ વહેશે એ વાત આ દેશ ફરી નંદનવન બનશે એ ત, મીઠા મધુર સંસ્મરણો બનીને હજુયે નજર સામે છે.
સોમનાથ મંદિરનો ર્જીણોધ્ધાર થયો. લાલ કિલ્લા પર ત્રિરંગી ધ્વજ લહેરાયો, આપણો દેશ પ્રજાસતાક બન્યો એ બનાવો પણ સુગંધી સંસ્મરણો અને સોનેરી સંસ્મરણોથી કમ નથી. હવે આ દેશ કેવો બન્યો છે. એનું વર્ણન કરવા જેવું નથી. આદેશ ઉપર અત્યારે દેણાનો ડુંગર છે. આ દેશમાં વિદેશી મૂડીનો ધોધ વહાવવાની મથામણો થાય છે. આઝાદી મેળવવા મહાત્મા ગાંધીએ અહી વિદેશી માલનીહોળીઓ કરાવી હતી આઝાદી પછી અહી વિદેશી માલ અને વિદેશી ચીજ વસ્તુઓ રીતસર ઉભરાય છે. આઝાદી પૂર્વેનાં અને તે પછીનાં સંસ્મરણ અને આજની સ્થિતિ વચ્ચે કેટલો જબરો વિરોધાભાસ છે !
સંસ્મરણોમાં કેળવણીકારો હિન્દી અને સંસ્કૃતનો મહિમા ગાતા હતા. આજે અંગ્રેજી ભાષા કડકડાટ શિખવવાનું જાહેર કીને કેળવણી પ્રધાન ગૌરવ અનુભવે છે. સંસ્મરણોમાં સાડી સ્ત્રીનો શણગાર હતો. લજજા અને ર્માદા નારીનાં આભુષણ હતા કપાળ પર બિન્દી અને સેંથીમાં કુમકમુ એમની આગવી ઓળખાણ હતી. આજે જીન્સ અને ટોપ એનું સ્થાન લઈ ચૂકયા છે. બિન્દી જતી રહેવાના આરે છે.સેંથીમાં કુમકમુને તિલાંજલી અપાઈ છે.
સંસ્મરણોમાં ખેતરો જીવંત હતા. આજે ખેતરોમાં ઉદ્યોગોનાં વાવેતર થયા છે. સંસ્મરણોમાં ત્રાસવાદનું નામનિશાન નહોતું અને ભ્રષ્ટાચાર આજની જેમ બેકાબુ અને નગ્ન નહોતો.
સંસ્મરણોમાં રાજકારણ બનાવટી નહોતું ધર્મ કર્મ બનાવટી નહોતા મંદિરોમાં નિર્મળતા ખોઈ નહોતી ધર્માચાર્યોને પ્રસિધ્ધી અને શ્રીમંતાઈનો મોહ નહોતો. પ્રસાદીનાં પેકેટ આપીને વાહવાહ કરાવવાની પ્રથા નહોતી.
સંસ્મરણોમાં વૈષ્ણોદેવી, અમરનાથની યાત્રાઓ ઉપર ખતરો હોવાના ઢોલ પીટાતા નહોતા નદીઓ મેલી નહોતી દેશમાં કયાંય ચારિત્ર્યહીનતાની બદબૂ નહોતી. આજે દેશ વિકાસ સાધી રહ્યો છે. અબજો રૂપીયા ખર્ચી ચૂકયો છે.
અહીં શહેરોને વિશુધ્ધ કરવાની વાતો ચાલે છે. નદીઓને નિર્મળ કરવાની ઝુંબેશો ચાલે છે. શહેરોનાં અને રાજયોનાં નામો બદલવાની કામગીરીઓ થાય છે. બળાત્કારો રોકવાની વાતો થાય છે. ત્રાસવાદીઓને સાફ કરી નાખવાના હાકલા પડકારા થાય છે. આર્થિક મહાસત્તા તથા લશ્કરી મહાસત્તા બનવાની વાતો પણ થાય છે.
આઝાદીના આટલા વર્ષો પછી હજુ આ દેશમાં જાણે કે સ્વર્ગ અને નંદનવનના પ્રયોગો જ થયા કરે છે. મોંઘવારી ભડકે બળે છે. અને પેટ ઉપર પાટા તથા શરીરે થીંગડા મારીમારીને નગ્નતાને ઢાંકવાની લાચારી દૂર થઈ નથી.
આ દેશ બનાવટ છોડે, દંભ ત્યાગે, કપટ રહિત બને અને તોરલે જેસલને કહ્યું તેમ ધરમને સંભાળી લે તો સંસ્મરણોમાં જે દેખાય છે તે સાકરબની શકશે ! સંસ્મરણોના આધારે સાચી દિશા પકડવામાં જ ડહાપણ છે !
કોઈએ કહ્યું છે કે, મંડપની નીચે લથેળીમાંથી કંકુ ફૂટે તે હસ્તમેળાપનો અવસર મનડું લાલમલાલ ઘરચોળું પહેરી લે કે આખો દેહ જ ઘરચોળું થઈ જાય તે લગ્નનો અવસર…
આવા અવસરનાં સંસ્મણો વૈધવ્યને અને વૃધ્ધાવસ્થાને રંજિત કરે છે. અને હૃદય પરિવર્તનની તક આપે છે. સમયસરનું સંસ્મરણ મોક્ષ બની દે છે. સંસ્મરણોદેશને નવા નેતા આપી શકે છે, ને ક્રાંતિની કેડી કંડારી આપી શકે છે. આ દેશને એવો નવનિર્મિત કરીએ કે એનાં સંસ્મરણો ઈતિહાસભીના બની રહે !