કોરોનાના ધમપછાડામાંથી બહાર આવવા મથે છે ત્યારેય રાજકીય લાભાલાભની છીછરી ખેંચતાણમાં ગળાડૂબ આપણા રાજકીય પક્ષો અને નેતાઓ; ચોમાસામાંય દેશભકિતનો કારમો દુકાળ ! આપણી રાજસત્તાને ધર્મસત્તાએ આ અંગે ખામોશી ખંખેર્યા વિના બેશક નહિ ચાલે: ગામડાઓને ખાલી ખેતીના ખોટના વેપલાની બહાર કાઢ્યા વિના અર્થતંત્ર મજબૂત નહિ બની શકે! ચુનંદા અર્થશાસ્ત્રીઓની તાકીદની બેઠખ યોજવાની સલાહ અપાયતો નવાઈ નહિ !
આપણો દેશ અત્યારે એક કાંઠે ગામડાં, બીજા કાંઠે શહેરો અને ચોમાસાની આઘીપાછી થતી રહેલી કપરી સ્થિતિના ત્રિભેટે ઉભો હોવાનો સ્પષ્ટ ખ્યાલ ઉપસે છે.
આ બધામાં સૌથી વધુ ધ્યાન ખેંચે અને ચિંતા કરાવે એવું જે છે તે ગામડાઓ છે અને કૃષિને સાંકળતી સ્થિતિ છે. એટલે જ આપણી ગ્રામ્ય પ્રજા હમણા હમણા ચોમાસા પ્રત્યે અને મેઘ-વરસાદ પ્રત્યે કાગડોળે મીટ માંડીને બેઠી છે. જો કે, શહેરોમાં પણ વરસાદ, પાણીની આવક તથા પાણીની જરૂરત સંબંધમાં ગણતરીઓ થતી જ રહે છે.
આ તબકકે આપણી પ્રજા પરમેશ્ર્વરને પ્રાર્થના, મેઘરાજાને આજીજી અને કુળદેવી, શૂરાપૂરાઓ તેમજ ધરતી-ગૌમાતામાં શ્રધ્ધા આસ્થાને કસોટીએ ચઢાવ્યા વિના રહેતા નથી.
રાજયોધ્ધારક યોગેશ્ર્વર શ્રી કૃષ્ણ, ધર્મોધ્ધારક દયાનંદ સરસ્વતી, સમાજોધ્ધારક સહજાનંદજી, આત્મોધ્ધારક મહાવીર સ્વામિ, અને રાષ્ટ્રોધ્ધારક મહાત્મ ગાંધીજી અને સંતો-મહંતો તેમજ સાધુ સન્યાસીઓ વગેરે જેવા જયોતિર્ધરોની ઝાંયરૂપે આપણા ઘરદીવડાઓ ટમટમે એને શુભશુકન લેખીને જ આપણી પ્રજા ચોમાસાની પહેલી વર્ષાના અને મેઘરાજાની મહેરના માંગલ્યભીના વધામણા કરે છે.
ખેતી અને ગામડુ પરસ્પર આધારીત છે. ખેતી અને ગ્રામવિકાસ માટે અનેક નીતિગત નિર્ણય લેવાયા પરંતુ આ હજુ ઠેરના ઠેર છે. સ્વતંત્ર ભારતનું પાયાનું એકમ ગામડું છે. ભારતની મોટાભાગની વસ્તી ગામડા અને ખેતી પર નભે છે. અનેક સરકારો આવી ને ગઈ પણ ગ્રામ વિકાસ અને ખેતીક્ષેત્રે જે સફળ પ્રયત્ન જોયએ તે થયા નથી. પરિણામે આજ ગામડા અને ખેતી પર તેની વિપરીત અસર જોવા મળે છે.
આપણા દેશની વર્તમાન હાલત સંતોષના ઓડકાર આવે તેવી નથી જ. આપણા દેશના સવા અબજ લોકો એક બાજુ કાળમુખા કોરોના વાયરસનો કહેર વેઠી રહ્યા છે. અને એણે જ કરેલા અમાપ આર્થિક, સામાજિક તેમજ ધંધારોજગાર અને મજૂરીને સાંકળતા કલ્પનાતીત નુકશાનનો ભોગ બની ચૂકયા છે. તેવા સમયે પ્રજાની તેમજ રાષ્ટ્રની દયાજનક મુસિબતોમાં સહાયરૂપ બનવાને બદલે આપણા રાજકીય લાભાલાભની છીછરી ખેંચતાણમાં આપણા રાજકીય નેતાઓ ગળાડૂબ રહ્યા છે.
આપણી રીઝર્વ બેંકના પૂર્વ ગવર્નર શ્રી રઘુરામ રાજને થોડા દિવસો પહેલા જ એવી લાલબત્તી ધરી હતી કે, આપણા દેશના સુકાનીઓ કોરોના વાયરસના નુકશાનને જ ધ્યાનમાં લેવાને બદલે દેશની અત્યંત બગડતી રહેલી રાજકીય હાલતને વિલંબ વિના ધ્યાનમાં લેવી પડે. તેમ છે અને તેને થાળે પાડવાનાં તમામ ઘટતાં પગલાં લેવા પડે તેમ છે. રાજકીય લેખાજોખાંને બાજુએ મૂકીને અર્થતંત્રની બુરી હાલતને સુધારવા મથવું પડે છે.
આપણા રાજનેતાઓએ રઘુરામ રાજને આપેલી ચેતવણીને અનુરૂપ પગલાં લેવાના છે, તે જ વખતે રાજકીય લાભલાભની છીછરી ખેંચતાણ છોડીને દેશની બગડતી રહેલી હાલતને પ્રથમ અગ્રતા આપવી પડશે.
અહીં એવી ટીકા કરવી પડે છે કે, આપણા નેતાઓએ દેશભકિત તથા દેશદાઝને નેવે મૂકયા છે. ચોમાસામાંય દેશાભિમાનનો કારમો દુકાળ પડયો છે. આપણી રાજસત્તા અને ધર્મસત્તાએ આ અંગે તેમની ખામોશી ખંખેર્યા વિના બેશક નહિ ચાલે !
આખરે તો ભારત દેશ અને આપણી માતૃભમિ એમનો પણ એક ભાગ છે અને એને લગતી ચિંતામાંથી તેઓ છટકી જઈ શકે નહિ.
અત્રે વિશેષ નોંધપાત્ર બાબત તો એ છે કે, આપણા ગામડાઓને ખાલી ખેતીના ખોટના વેપલાની બહાર કાઢ્યા વિના આપણા દેશનું અર્થ મજબૂત નહિ બની શકે !..
એવું મનાય છે કે, કૃષિ ઉત્પાદકતામાં વૃધ્ધિ માટે દેશના ચુનંદા અર્થશાસ્ત્રીઓની તાકિદની બેઠક યોજવાની સલાહ અપાય તો નવાઈ નહિ !
જોકે આ દેશ કારમી કટોકટીઓનાં ત્રિભેટે ઉભો છે તે ટાંકણે જ તે જુદા જુદા ક્ષેત્રે સારી પેઠે ગોટે ચડયો હોવાનું ચિત્ર પણ ઉપસે છે !