કોરોના વાયરસનું વિલંબ વિના ઝેર ઉતારી આપે એવા અર્થશાસ્ત્રી અને ઔષધશાસ્ત્રીની રાષ્ટ્રને તાતી જરૂર: પથારીએ પડેલી લોકશાહીને નવી ચેતના અને જોમ બક્ષી દે એવી ડિગ્રીઓ ધરાવતા પ્રમાણિક તથા પવિત્ર સજજનો-સન્નારીઓ તત્કાળ આગળ આવે: રાષ્ટ્રનું ઈજન !
કોરોના-વાયરસે સર્જેલા વિવિધ પડકારો અત્યારે આપણા રાષ્ટ્રને ઘેરી વળ્યા છે. આ પડકારો બેશક ગંભીર છે, તો પણ વડાપ્રધાનશ્રી મોદીએ લગીરે સુસ્તી વિના અને થાકને વશ થયા વગર આજના સ્થિતિ સંજોગોને બરાબર ધ્યાનમાં લઈને રચેલા કોઠા યુધ્ધના ઉદ્યોગ વડે જે પ્રહારો શરૂ કરી દીધા છે તે આ તમામ પડકારોને ‘ન્યુટ્રલાઈઝ’ કરી રહ્યા હોવાનો ખ્યાલ ઉપસે છે !
આખી માનવજાત ભારતની સ્થિતિગતિને અને ભારતની વ્યૂહરચનાને અનુસરે છે તે શુભચિહન છે.
આ બધુ છતાં, કોઈ માને કે ન માને કોઈ સ્વીકારે કે ન સ્વીકારે અને એકરાર કરે ન કરે, તો પણ એમ કહ્યા વિના છૂટકો નથી કે, અત્યારે આપણા પ્રાણ પ્યારા દેશની અને સમગ્ર વિશ્વની હાલત સારી નથી, ને લગીરે સંતોષજનક નથી…
કોરોના વાયરસે આપણા દેશની અને આખા વિશ્વની હાલત દયાજનક કરી નાખી છે. હજુ ઘણે ભાગે કોઈ છાતી ઠોકીને કહી શકતા નથી કે આ વાયરસ કોરોના એના હાહાકાર તથા કહેરમાં કયાં જઈને અટકશે !
કોરોનાના કહેરે માઝા મૂકી છે તો પણ આપણા દેશના વડાપ્રધાને એક પછી એક સલાહસૂચનાઓ અને વિકલ્પો દર્શાવ્યા કરીને આપણા દેશની પ્રજાને તો ઠીક, આખી માનવજાતને બધું જ સારૂ થઈ જવાનો અને સઘળું સારીરીતે થાળે પડી જવાનો સધિયારોઆપ્યા કર્યો છે. અને આ કુદરતી આફતની સામે બાથ ભીડીને એને મ્હાત કરવાની શ્રધ્ધાને પ્રબળતાને લેખમાત્ર ખોયા નથી.
હવે તો એ વાત આવીને ઉભી રહી ગઈ છેકે, ‘નિર્બળ સે લડાઈ બલવાન કી, યે કહાની હૈ દિયે કી ઔર તુફાન કી..’
આપણા દેશની વર્તમાન હાલત લગભગ આવી જ હોવાનો ખ્યાલ ઉપસે છે. લડાઈ ચાલે છે. કળિયુગ અને સતયુગ વચ્ચેની આ લડાઈ હોઈ શકે. કળિયુગની વિદાય પૂર્વેનું ઝનૂન કોરોના વાયરસની ગતિવિધિઓમાં હોઈ શકે ! સહુ એમ કહેતા થઈ ગયા છે.
‘હે જાનકી નાથ, સવારે શું થવાનું છે એ કોઈ જાણતું નથી !’
આપણા રાજકીય પ્રવાહો કેવા હશે ! આપણા નાણાકીય અને અર્થતંત્રીય પ્રવાહો કેવા હશે એ વિષે કશું જ નિશ્ર્ચિત કહી શકાતું નથી.
આપણા સામાજિક રંગઢંગ કેવા હશે તે કહી શકાતું નથી.
માનવ-માનવ વચ્ચે કેવી સંવાદિતા હશે અને વિશ્વ બંધુત્વ હશે એ કહી શકાતું નથી…
કોરોના વાયરસનાં ‘ભીતિયા ફટાકડા’ ફોડવાના પાપાચાર ચીને જ પ્રારંભ્યો હોવાની અમેરિકાની આશંકા સંબંધમાં હજુ કોઈ સશસ્ત્ર ભડકો દ્રષ્ટિગોચર થતો નથી, પણ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના દેશની અતિ વિનાશક અને કાળમૂખી હાલતને સતત નિહાળ્યા કરીને ‘ક્રેઝી’ બન્યા હોવાની અને વિશ્ર્વનો સૌથી સંપત્તિવાન તથા સાધન સંપન્ન દેશમાં દરરોજ સેંકડો અમેરિકનો કોરોનાના ખપ્પરમાં બેમત હોમાતા હોવાની ભીંસની વચ્ચે ચીન પ્રત્યેની નફરતને વકરાવી રહ્યા છે એ ભયાવહ છે તથા લટકતી તલવાર જેવું પણ છે !
એક બાજુ આખું જગત દુ:ખી દુ:ખી છે. આખી માનવજાત અને મનુષ્યતા દુ:ખી દુ:ખી છે. આપણો પ્રાણપ્યારો દેશ અને તેની કરોડોની પ્રજા પણ ઓછી કે ઝાઝી દુ:ખી છે અને જોતજોતામાં સુખ પ્રતિ છલાંક મારવાના આરે છે.
કોઈ જબરા પરિવર્તન અને જબરી નવાજૂનીઓને આરે આપણો દેશ ઉભો હોવાની આડી ખાય છે.
કોરોના વાયરસનું વિલંબ વિના ઝેર ઉતારી આપે એના ઔષધશાસ્ત્રીની, અર્થશાસ્ત્રીની અને સમાજશાસ્ત્રીની આપણા દેશને જરૂર છે.
પથારીએ પડેલી લોકશાહી પણ નવી ચેતના સાંપડે એવા ચ્યવનપ્રાશ-વિટામીનની રાહમાં છે.
ડિગ્રીધારીઓ છે જ, અને તેઓ આગળ આવે એટલી જ વાર છે ! આપણા રાષ્ટ્રનું અને એના સબળ સુકાની વડાપ્રધાનનું આ ઈજન છે.
આજે ભારતમાં કયાંય ભારત વર્ષ અને ભારત ખંડની સુવર્ણયુગી ઝાંખી થતી નથી. તેનું કારણ આપણા હાથે જ આપણે કરેલી ભૂલો છે. આપણી નપાવટતા જ એમાં ડોકિયું કરે છે.
આ અધ: પતન પણ કેવું વિચિત્ર પ્રકરનું છે ! એક બાજુ દેશ ઉડીને આંખે વળગે એવો વિકાસ સાધી રહ્યો છે. અને એશિયામાં આર્થિક મહાસત્તાઓ પૈકીના એકનું જબરૂ સામર્થ્ય પ્રાપ્ત કરી રહ્યો છે.બીજી બાજુ, તે રાજકીય પડકારોનો સામનો કરી રહ્યો છે. આ દેશમાં માણસનું ચારિત્ર્ય માણસની બુધ્ધિ, માણસની નૈતિકતા અને મારસનું દેશભિમાન અતિ નિમ્સ્તરે પહોચ્યા છે. તે તેના અધ: પતનનાં મૂળમા છે.
ભ્રષ્ટાચાર માણસનાં રૂવે રૂંવે સ્પર્શ્યો અને તે દેશને મનફાવે તેમ છૂટે છે.
સદીઓ પહેલાનો આ દેશનો માણસ આજના માનવમાં શોધ્યો જડતો નથી. જોજનવા ઉંડો એ અલોપ થયો હોય એવું લાગે છે. આ અલોપ થયેલા મનુષ્યને બહાર કાઢવાનું પુરાવિદિત કામ કોઈ માઈના પૂતે કરવું પડે તેમ છે.
કવિ ચંદ્રકરાંત દત્તાણીએ કંઈક આવું જ લખ્યું છે.
માણસને પાછો એનો આખો ઈતિહાસ એના ધસમસતા હાસ, એના લીલાછમ શ્ર્વાસ, એના ખોયા વિશ્ર્વાસ, એના આદિમ આવાસ, એનાં આંસુ ચોધાર, એનાં હંસોની હાર એના ચોખટ વિસ્તાર, માણસમા જોજનવા ઉડે અલોપ એવા માણસને કાઢવાને બહાર હોય કોઈ માઈના પૂત પૂરાવિદ થાય તત્પર તૈયાર…
હા, આ માઈનાપૂત પૂરાતત્વધારી આપાણે ત્યાં હોવાના જ…
‘અબતક’ આપણા દેશને અને વડાપ્રધાનને જે જોઈએ છે તે વિલંબ વિના મળી રહે તેવી પ્રાર્થના કરે છે!