આપણી મંદિર સંસ્કૃતિનું પોત પાતળું પડતું જાય છે, આપણી કેળવણી એની ભારતીયતાની અસલિયતથી વંચિત થતી રહી છે, આપણા રાજકર્તાઓ મતિભ્રષ્ટતા સામેના યુધ્ધમાં હારી બેઠા છે અને રાષ્ટ્રધર્મના વિશુધ્ધ પાલનને બદલે વંઠુ વંઠુ થતા હોવાની હલકી છાપ ઉપસાવે છે…
ફરી આપણા સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે આપણા દેશને ‘સારે જહાંસે અચ્છા’ બનાવવાનું સુવર્ણયુગીય હવામાન સર્જયા વગર નહિ ચાલે: ચાણકય અને ચંદ્રગુપ્ત જેવા માઈનાપૂતોની અને નાલંદા-તક્ષશિલાની રાષ્ટ્રને તાતી જરૂર !
આપણા દેશને રામરાજય જેવો બનાવવાની હોંશ આપણા રાષ્ટ્રપિતાને હતી. ‘જો મને કોઈ મારી નહિ નાખે તો હું સવા સો વર્ષ સુધી જીવીશ અને આ દેશને ‘રામરાજય’ બનાવવા મથીશ’ એવી એમની મહત્વાકાંક્ષા હતી…
એક દેશકાળ એવો હતો કે, પાટલીપુત્રમાં પગથી માથા સુધી તાનાશાહ એવા ‘ધનરાજ’નું રાજ હતુ અને તેની સત્તા હેઠળના શાસનમાં પ્રજા ત્રાહિમામ હતી. એની સામે અવાજ ઉઠાવવા ઈતિહાસ પ્રસિધ્ધ ચાણકય એમની પાસે ગયા રાજાએ એનું ઘોર અપમાન કરીને કાઢી મૂકયા.
વિષ્ણુગુપ્ત અને જબરા રાજનીતિજ્ઞ તેમજ અર્થશાસ્ત્રી ચાણકયે ધમંડી રાજા ધનાનંદને પોતાના અપમાનન બદલામાં એવો પડકાર કર્યો હતો કે હું તને સત્તાભષ્ટ કરીને તારી રાજગાદી ઉપરથી ફગાવી ન ઘઉં ત્યાં સુધી હું મારા શિર ઉપરના વાળને છૂટ્ટા જ રાખીશ.. તમને હટાવ્યા પછી જ હું મારા કેશને અનુબંધિત કરીશ…
આ પ્રતિજ્ઞાને અનુલક્ષીને તેમણે ચિત્રગુપ્તને લડાઈમાં અને મુત્સદીગીરીમાં નીપુણ બનાવો અને અત્યંત લાંબુ તથા જબરૂ અભિયાન ચલાવ્યું.. તેણે પાટલીપુત્રની પ્રજાને પણ બેઠી કરી. ધનાનંદ પાટલીપુત્રની રાજગાદી ઉપરથી પરાજિત કરીને ફગાવ્યો. આ ઈતિહાસ પ્રધ્ધિ વાત આપણાદેશની વર્તમાન હાલતનું હુબહુ પ્રતિબિંબ પાડે છે.
હમણા હમણા આપણો દેશ દિશા શૂન્ય બનતો જતો હોવાનો ખ્યાલ ઉપસે છે. આપણી તિર્થભૂમિઓ અને પર્યટન સ્થળો સંસ્કૃતિ શૂન્ય બનતા રહ્યા છે. આપણી મંદિર સંસ્કૃતિનું પોત પાતળું પડતું જાય છે, આપણી કેળવણી અને શિક્ષણ પધ્ધતિ ભારતીયતાની અસલિયતથી વંચિત થતી રહી છે. આપણા રાજકર્તાઓ મતિભ્રષ્ટતા સામેના યુધ્ધમાં હારી બેઠા છે અને રાષ્ટ્રધર્મના વિશુધ્ધ પાલનને બદલે વંઠુ વંઠુ થતા હોવાની હલકી છાપ ઉપસાવે છે.
આપણા દેશની કમનશીબી તેમજ બહુ મોટી ઉણપ એ રહી છે કે, આપણી હમણા સુધીની નીતિ રીતિઓ અને વિદેશ નીતિ રીતિઓમાં સ્થિરતા રહ્યા નથી. એમાં બદલાવ ચાલુ રહ્યા છે. એમાં એકવાકયતા તેમજ પરિપકવતાનો અભાવ રહ્યા કર્યો છે. પાકિસ્તાન અને ચીન સાથેની વિદેશનીતિતો ઘણે ભાગે નિષ્ફળ જ રહી હોવાની ચિતાર આપે છે.
જમ્મુ-કાશ્મીર અંગેની નીતિની ઉણપો તો છેક હમણાની લડાખ અંગેની તકરારો અને શાંતિ વાર્તાઓઉપરથી ખૂલ્લી પડી ચૂકી છે.
પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરના પ્રદેશનો કબ્જો ભારત હસ્તક લઈ લેવાની મુદતો પણ અમલીકરણ વગર જાહેર થતી રહી છે.
ભારતના સર્વપ્રથમ ગૃહપ્રધાન શ્રી વલ્લભભાઈ પટેલ તો ‘તૂર્કી ટોપી’ અને પીળી ચામડીનો (એટલે કે પાકિસ્તાન અને ચીનનો) કદાપિ ભરોસો નહિ કરવાની સલાહ આપી ચૂકયા જ છે, અને તે આ બંને દેશોની બાબતમાં સાચી ઠરી ચૂકી છે. પાકિસ્તાન અને ચીનની બાબતમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પની જાહેરાતોમાં પણ સાતત્યનો અભાવ રહ્યો જ છે.
‘કોરોના’ વાયરસના મુદ્દે પણ આખા વિશ્ર્વની જેમ ભારતના સત્તાધીશો પણ અવનવી જાહેરાતો કરતા રહ્યા છે.
રાજકીય લેખાં જોખાંની અને મોટી મોટી યોજનાઓની વાતો છોડીને અર્થતંત્રીય તેમજ નાણાંકીય સમસ્યાઓને થાળે પાડવાની સલાહને અગ્રતા આપવાને બદલે આખી-અર્ધી નકલખોરી કરવાની લાલચ આપણી સરકાર છોડી શકી નથી.
છેલ્લા એક અહેવાલમાં તો એવો નિર્દેશ હતો કે, આપણા વડાપ્રધાને ઓસ્ટ્રેલિયાનો સંપર્ક સાધીને એવા સલાહ-સૂચનો અને સહાય માગ્યા છે. આ ચક્રાવો અને દિશા શૂન્યતા જો ચાલુ રહેશે અને તિર્થભૂમિ, પર્યટનો, મંદિર-સંસ્કૃતિ, કેળવણી-શિક્ષણ પધ્ધતિ તેમજ જીવન પ્રણાલિકાની અસલિયતને, ધાર્મિકતાને, સંસ્કૃતિને, સંસ્કારને અને સભ્યતાને લગીરે ઠોકરે માર્યા વિના અને એનું પૂરેપૂરૂ જતન કરીને આપણા દેશને પૂન: ‘સારે જહાંસે અચ્છા’ બનાવવાનું સુવર્ણયુગીય હવામાન સર્જયા વિના નહિ ચાલે : ચાણકય અને ચંદ્રગુપ્ત જેવા સંપૂર્ણો તેમજ નાલંદા-તક્ષશીલાની આપણા દેશને આ અગાઉ કયારેય નહોતી એટલી તાતી જરૂર છે.
આ બધું મેળવી લેવું, એ બેશક આસાન નથી,. કમજોર બનતા રહેલા રાષ્ટ્રનાં કલેવર બદલવાં આસાન નથી. સવા અબજ આબાલવૃધ્ધોની જરૂરતો પૂરી કરવી એ પણ આસાન નથી.
ભારતના સર્વપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રને સંબોધન કરેલું ત્યારે સ્પષ્ટ પણે કહ્યું હતુ કે આપણા આ દેશમાં જેટલી પ્રજા છે એટલી જ સમસ્યાઓ છે. એને લગતી જવાબદારીઓ પણ સાથે આવે છે.
ઘર બદલવા સહેલા નથી. ઓફીસ બદલી નાખવી સહેલી નથી. વહાલાદવલા અનુસાર નિર્ણયો લઈને ઝડપભેર અદલાબદલીઓ કરી નાખવાનું પણ સહેલું, એને માટે શુકન-અપશુકન પણ જોવા પડે છે. સ્વમાન-અપમાન પણ જોવા મળે છે.
કોણ પ્રધાનો બને, કોને કયાં બેસાડવા, કોને કેવી સૂચનાઓ આપવી, એ બધુ પણ આસાન નથી. આ બધામાં કયાંય દિશાશૂન્યતા ન ચાલે, મનમાન્યું કરી લેવાનું પણ ન ચાલે… એમાં અણઆવડત ન પણ ન ચાલે આમાં કયાંય મતિભ્રષ્ટતા ન ચાલે. રાષ્ટ્રધર્મને ઉવેખવો ન પાલવે.
‘નિશાન ચૂક માફ, ન માફ નીચું નિશાન’ ના મંત્ર સાથે નવાં નવાં પ્રયાણ માટે સજજ થઈએ તો માનવીના અને રાષ્ટ્રના વિકાસના પ્રત્યેક પગલે સફળતાના સાથિયા પૂરાતા જ રહે, એ નિર્વિવાદ છે. છતાં, આંધળુકિયાં કરવા એ પતનની જ નિશાની છે, એમ કહ્યા વિના છૂટકો નહિ !