રૂ ૨૦ લાખ કરોડનું પેકેજ આંખ મિંચામણા કરે છે, ચોથું લોકડાઉન ડોળા ફાડીને ઉભું છે: નવી પેઢીનું ભાવિ અધ્ધર શ્ર્વાસે છે, ગામડાઓમાં ગાયો, વરસાદ, ઘાસચારો અને પાણીનાં સંકટ સંબંધી અનિશ્ર્ચિતતા તથા વાણીનો સંયમ પૂર્વક ઉપયોગ કરવાની સંત-મહંતોની સલાહનું સરિયામ ઉલ્લંઘન અને રાષ્ટ્રીય એકતા વધુ ને વધુ છિન્નભિન્ન થવાની હાલતને અમંગળ એંધાણ નહિં તો બીજું શું કહેશું?
કોરોના સંબંધી લોકઆઉટ પરનાં પ્રતિબંધો હટાવવામાં પારાવાર જોખમ હોવાની વિશ્ર્વ આરોગ્ય સંસ્થાની ચેતવણીને ઓછી ગંભીર નહિ લેખવાનું ડહાપણ ભયુર્ંં !
આ લખાય છે ત્યારે આપણા દેશની મુશિબતો તથા અવનવી કટોકટીઓનાં નાના મોટા પહાડોને આપણે પૂરેપૂરા ઓળંગી લીધા હોવાની કશીજ પ્રતીતિ આપણા સ્થિતિ -સંજોગો કે ગતિ-વિધિઓ આપણને કરાવતા નથી. આ વાતને કોઈ ખોટી કહે કે અર્ધ ખોટી કહે કે સ્વીકારી લે, એનો માપદંડ તો આપણા દેશની કરોડો ગરીબ પ્રજા જ આપી શકે, અને આપણા દેશ માટે એ પણ એક હકિકત છે કે, આપણા દેશની જે મુખ્ય સમસ્યાઓ છે તેમાંની એક વિકરાળ ગરીબી જ છે.
કોઈપણ દેશ જયાં સુધી પોતાની ધરતી ઉપરથી, છેક આઝાદી પ્રાપ્ત થયા પછીથી હમણા સુધીમાં દારૂ ણ ગરીબી અને કાળઝાળ કંગાલિયતને દૂર કરી શકયો ન હોય તે એવો દાવો કરી શકે જ નહિ કે તે દેશ સાચા અર્થમાં સ્વરાજ પ્રાપ્ત કરી ચૂકયો છે, અને સુરાજય અર્થાત રામરાજય હાંસલ કરવાની અધકચરી સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકયો નથી.
અહીં આપણો દેશ સાચું કહીશ દેવાની સ્થિતિમાં નથી.
અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરનાં નિર્માણની જાહેરાતો આપણા શાસકો વર્ષોથી કરી ચૂકયા છે. પરંતુ એ પણ જોજનો દૂર રહી છે. એ જોતાં ‘રામરાજય’ આવવાની કલ્પના પણ કેવી રીતે કરી શકાય?
ઓછામાં પૂરૂ , હવે તો કોરોના-વાયરસ કોઈ મોટા દૈત્યનું સ્વરૂ પ લઈને આપણા આખા દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે. આ બધું જોતા એવો સ્પષ્ટ ખ્યાલ ઉપસે છે કે, વડાપ્રધાન કાંઈક અસાધારણ કરી બતાવવાની અને ભારતને વિશ્ર્વના કોઈ પણ મોટા અને મહાન ગણાતા રાષ્ટ્રોની હરોળમાં મૂકવાની ખ્વાહિશ ધરાવે છે.
વડાપ્રધાને ‘કોરોના-વાયરસ’ના હાહાકાર દરમ્યાન લીધેલા પગલા અને દાખવેલી આવડત વિશ્ર્વને દિગ્મૂડ કરી દે તેવા નીવડયાં છે. વિશ્ર્વના રાષ્ટ્રોએ તેમના અભિગમની પ્રશંસા કરી છે. તથા દેશની સવા અબજ જેટલી પ્રજાના સુખ-દુ:ખની તથા સલામતીની સબળ અને સફળ રીતે ચિંતા કરી છે. તેની નોંધ લીધી છે. અને ‘જાન હૈ તો જહાન હૈ’ સૂત્રને આખા વિશ્ર્વની પ્રજાના સૂત્ર તરીકે અપનાવી લીધું છે.
આમ છતાં તેમણે વિનમ્રપણે એમ જ કહ્યા કર્યું છે. કે, મારે જે કાંઈ કરી બતાવવું છે તે પૂરેપૂરૂ કરી બતાવ્યાનો મને સંતોષ નથી કે કશું જ નહિ કરી બતાવી શકયાનો અસંતોષ પણ નથી.
આમ કહેવું એમાં જ એમની સફળતા છે… તો પણ રૂ ા.૨૦ લાખ કરોડના આર્થિક પેકેજ દ્વારા ભારતીય અર્થતંત્રનાં પાંચ સ્તંભોને મજબૂત બનાવવા, એટલે કે ઈકો-ઈન્ફ્રા-ટેક-ડિમાન્ડ અને ડેમોગ્રાફ ઉપર ધ્યાન કેન્દ્રીત કરીને દેશને સર્વાંશે આત્મનિર્ભર બનાવવા તેઓ કટિબધ્ધ થયા છે. એને મંગળ એંધાણ કે શુભશુકન કહીને આખો દેશ એમને વધાવશે એ નિર્વિવાદ છે…
અહીં એ નોંધપાત્ર બને છે કે, વિશ્ર્વમાં સૌથી મોટું આર્થિક પેકેજ જાહેર કરનાર ત્રીજા સૌથી મોટા દેશ તરીકે ભારત ઉભરશે…
આપણા દેશનું ભવિષ્ય સારી પેઠે ઉજજવળ હોવાની શ્રધ્ધા છતાં આપણો દેશ મુશિબતોનાં તમામ નાના મોટા પહાડો ઓળંગી ચૂકયો છે. અને ‘કોરોના’ના હાહાકાર મજ અતિ વરવા કહેર પછીની અસંખ્ય ગૂંચવણોમાંથી તે પૂરેપૂરો પાર ઉતરી ગયો છે, એવું માની લેવાની ઉતાવળ પણ કરવા જેવી નથી. જે સ્થિતિએ પહોચવા માટે ઓછામાં ઓછા પાંચ વર્ષ વિતે જ, એ હકિકત આપણા દેશના તમામ સ્તરનાં નિષ્ણાંતોએ ભૂલવા જેવી નહિ; માત્ર વાતોનાં વડાંથી કોઈપણ દેશની ઈમારતનાં કે ઘરનાં મકાનનાં નળિયા સોનાના થઈ જઈ શકે નહિ…
યુધ્ધ ખેલો, યુધ્ધ ખેલો, યુધ્ધ ખેલો.. આજ યુધ્ધ એજ ધર્મ, આજ યુધ્ધ એજ કર્મ, આજ યુધ્ધ એજ મર્મ… કર્મચારી, કામદાર કે કિસાન કોણ પહેલો… અય જવાનો યુધ્ધ ખેલો..
આપણા વડાપ્રધાન અને તેમના નેજા નીચે આખો દેશ કર્મયુધ્ધ અને ધર્મયુધ્ધના માટે મેદાને પડે એ આજનો આ દેશનો તકાજો છે. કોઈ પક્ષાપક્ષી નહિ. કોઈ વિપક્ષો નહિ, સુવર્ણયુગની આ પહેલીશરત લેખાશે… શ્રી કૃષ્ણ અને ચાણકયનો આ ઉપદેશ લેખાશે ?
કોઈ એક દેશનો વડાપ્રધાન ‘કોરોના’ અને તેનાં કરતાંય વધુ મોટો તવારિખી જંગ જીતી આપી શકે, એવા સોનેરી અવસરને નોતરવાના ‘અબતક’ના ઈજનને કોણ નહિ વધાવે ?