ધાણા અને જીરૂના ભાવમાં પણ વધારો, હળદરમાં પડ્યા ભાવ: મોરબીમાં મસાલા માર્કેટનો પ્રારંભ
ફાગણ માસમાં હોળીનો તહેવાર પૂરો થતાં જ ગૃહિણીઓ માટે મસાલાની મોસમ શરૂ થઈ જતી હોય છે, ત્યારે મોરબીમાં પણ મસાલા માર્કેટનો પ્રારંભ થઇ ગયો છે, જો કે ઓણ સાલ મરચા ના ભાવમાં ૩૦ ટકાનો વધારો થતાં મરચું ગૃહિણીઓને સિસકારા નંખાવી દે તેવું તીખું લાગશે.
ફાગણ માસમાં ગૃહિણીઓ બારે માસ ભરવાના મસાલા તૈયાર કરતી હોય મોરબીમાં મસાલા માર્કેટ નો પ્રારંભ થઇ ગયો છે, મસાલા માર્કેટમાં હળદર, રાય, ધાણા – જીરું અને મરચા સહિતનો ઢગલા બંધ માલ આવી ગયો છે પરંતુ અન્ય મસાલાની તુલનાએ મરચાના ભાવમાં ખાસ્સો એવા વધારો સાથે રૂપિયા ૧૯૦ સુધીના ભાવો બોલાઈ રહ્યા છે, ગત વર્ષે આ જ મરચા રૂપિયા ૧૪૦ થી ૧૫૦ ના ભાવે વેંચાતા હતા.
મરચા ઉપરાંત ધાણા અને જીરુંના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ચાલુ વર્ષે ધાણા રૂપિયા ૧૬૦ થી ૧૭૦ ના કિલો મળી રહ્યા છે જે ગત વર્ષે ૧૪૦ થી ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેંચતા હતા, ઉપરાંત જીરુંના ભાવમાં પણ ગત વર્ષની સાપેક્ષ રૂપિયા ૨૦ ના વધારા સાથે રૂ.૧૮૦ ના ભાવે વેચાઈ રહ્યું છે.
જો કે હળદર અને રાયના ભાવમાં કોઈ ખાસ ફેરફાર થયા નથી, બીજી તરફ મરચાના ભાવમાં વધારા પાછળ ઉત્પાદન ઘટ્યું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.