સુપ્રિમ કોર્ટના નિર્ણયને પગલે રપ વર્ષથી વધુના લગભગ ૨૦૦૦૦ ઉમેદવારો નીટની પરીક્ષામાં ભાગ લેશે
મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવામાં આવતી નીટની પરિક્ષા માટેની વયમર્યાદા દુર થતા મોટી ઉંમરના ઉમેદવારોએ પણ એમબીબીએસ અને બીડીએસ કોલેજોમાં એડમીશન માટે અરજીઓ કરી છે. નીટ માટે રહેલી વયમર્યાદા હટી જતા જાણે ઉમર માત્ર એક અંક બની ગઇ છે.
અગાઉ નીટની પરિક્ષાઆપવા રપ વર્ષ સુધીના ઉમેદવારો જ યોગ્ય ગણાતા હતા. આ રપ વર્ષ સુધીની મર્યાદા ૩૧ માર્ચ, ર૦૧૭ના રોજ સુપ્રિમ કોર્ટે દુર કરી ઉમેદવારોને રાહત આપી હતી. ગયા વર્ષે એમબીબીએસ અને બીડીએસ કોલેજોમાં પ્રવેશ માટે ૬૧-૭૦ વર્ષના બે વ્યક્તિઓએ નીટ પરિક્ષા માટે અરજી કરી હતી તેમજ ૪૧-૬૦ વર્ષની વચ્ચેની વય ધરાવતા લગભગ ૧૦૦ વ્યક્તિઓએ નીટ પરિક્ષા માટે અરજી નોંધાવી હતી. પરંતુ ૨૫ વર્ષની વયમર્યાદાને પગલે આ ઉમેદવારો નીટ પરીક્ષા માટે અયોગ્ય હતા.
સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ આ વખતે રપ વર્ષથી વધુના લગભગ ૨૦,૦૦૦ ઉમેદવારોએ નીટ માટે અરજી કરી છે. ૩૧ વર્ષના એક એનઆરઆઇ ઉમેદવારે જણાવ્યું કે, મારે ડોકટર બનવાની ઇચ્છા છે. હું પસંદગી પામીશ તો ચોક્કસ નથી પરંતુ ડોકટર બનવા માટે મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ. મહારાષ્ટ્ર યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ (એમયુએચએસ)ના રજીસ્ટ્રાર કે.ડી. ચાવને જણાવ્યું કે, ઘણાં ઉમેદવારો ૩૦ અને તેથી વધુની વયના છે. ઘણાખરા મોટી વયના ઉમેદવારોને તેમની ઉમરને લીધે પરીક્ષા માટેની તૈયારી કરવામાં તકલીફ પણ પડશે.