ભેસાણનાં ચણાકા ગામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સહપરીવાર કુળદેવી અને સુરાપુરા દાદાનાં દર્શન કર્યા
ભેસાણ તાલુકાના ચણાકા ગામે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન પરીવાર સાથે પોતાના કુળદેવી અને સુરાપુરાદાદાના દર્શન અને હોમ હવન, પુજન-અર્ચન અર્થે પધારેલા હતા તે વેળાએ ચણાકા ગામે ચ્યવણ આશ્રમે ચ્યવનેશ્વર મહાદેવ અને અંબાજી માતાજીના આશીર્વાદ લેવા પધારેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવારે માતાજીના દર્શન પુજન-અર્ચન કર્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મંદિરના મહંત રામાનંદ બ્રહ્મચારી બાપુ સાથે ગીરનાર પર્વત પરના અંબાજી માતાજીના મહંત મોટાપીરબાવા પૂ.તવલુખગીરીબાપુએ પણ તાજેતરમાં પૂર્ણ થયેલા માતાજીના મહોત્સવની પ્રસાદી અને માતાજીની ચુંદડી ઓઢાડી મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું સાથે ગીરનાર રોપ-વે પ્રોજેકટ ઝડપથી પૂર્ણ થાય તે માટે ચર્ચા પણ કરી હતી.રોપ-વે શરૂ થાય તે પહેલા ગીરનાર પર્વત પરના મંદિર પરીસરમાં વિકાસની પણ ચર્ચાઓ થઈ હતી અને બાકી રહેતા તમામ કામો વહેલી તકે પૂર્ણ કરાવવા સરકાર કટીબઘ્ધ છે જેની ખાતરી મુખ્યમંત્રીએ આપી હતી.આગામી શિવરાત્રીના મેળા કે જેને મીની કુંભનો દરજજો અપાયો છે ત્યારે આ વખતનો મેળો રંગેચંગે ઉજવવામાં આવે તેવા સરકારો પ્રયાસ કરશે.