વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની પંચસ્તરીય પંચાયતી રાજ ચૂંટણી વ્યવસ્થાને દુનિયાભરમાં “આદર્શ” માનવામાં આવે છે, લોકશાહીના કેન્દ્રમાં મતદારોના મનની લાગણી સજીવન રહે તે માટે લોકશાહીના રાજાને મતદારનો પવિત્ર અને પ્રચંડ શક્તિશાળી અધિકાર આપ્યો છે, પાંચ વર્ષે એક વખત આવતી પંચાયતી લઈ લોકસભા સુધીના પંચાયતી વ્યવસ્થા તંત્રમાં કોને સત્તા આપવી? તેનો છેવટ નો દોર અને અધિકાર મતદારને આપવામાં આવ્યો છે .. ચૂંટણી અને મતદાનને લોકતંત્રની પવિત્ર ફરજ માનવામાં આવે છે, લોકતંત્રમાં લોકોની રુચિ રહે અને સમય મુજબ વધે તે જરૂરી છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી અને વિધાનસભા લોકસભાની ચૂંટણીઓમાં મતદારોની નીરસ્તા પ્રબુધો માટે ચિંતનનો વિષય બની છે, દેશમાં આઝાદીના 75 માં વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય રહ્યો છે,
ચૂંટણી પંચે આ વર્ષે અનેક વિશેષ આયોજનમાં મતદારો મતદાન પ્રત્યે વધુ ઉત્સાહિત થાય તેવા પ્રયાસો કર્યા છે, મહિલા સંચાલિત બુથો, ઇકો ફ્રેન્ડલી બુથો, દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુઓ અને બુજૂર્ગો સરળતાથી મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા વચ્ચે મતદાન વધે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે મતદાનની ટકાવારી માં ઓટ આવતી દેખાય છે, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર જાણે કે ચૂંટણીની ગંભીરતા સમજવામાં અલગ અલગ થઈ ગયા હોય તેમ મતદાનની ટકાવારીની વધઘટ એ ચિંતા જગાવી છે, લોકશાહીને જીવંત રાખવા માટે શાસક પક્ષ ની જેમ વિપક્ષ મજબૂત હોવાની આવશ્યકતા છે તેવી જ રીતે મતદારોની સજાગતા અને ઉત્સાહ પણ અનિવાર્ય છે, મતદારો ચૂંટણી પ્રક્રિયાથી વિમુક્ત થતા રહેશે કે અણગમો રાખશે તો દેશ માટે તે ઘાતક પુરવાર થશે, મતદાન દરેકે કરવું જોઈએ મતદાન થી વિમુખ રહેવાથી તક સાધુ તત્વોને ધાર્યું કરવા મોકલું મેદાન મળી જશે, જેવી રીતે “સાક્ષરતા” સાથે વિકાસનો સીધો સંબંધ છે તેવી જ રીતે લોકશાહીમાં મતદાનની ટકાવારી સાથે “સુશાસન”નો સંબંધ છે મતદાન કરવા લોકો કેમ ઉત્સુક નથી તે માત્ર રાજકીય પક્ષ અને ઉમેદવારો જ નહીં પરંતુ દેશ ના હિતમાં ચિંતન કરતાં તમામ માટે ચિંતનનો વિષય છે