શાહમૃગની જોડી બે સપ્તાહ બાદ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરાશે: ઝૂમાં પ્રાણી, પક્ષીઓની સંખ્યા ૩૭૭ આંબી
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત પ્રદ્યુમન પાર્ક ઝૂમાં તામિલનાડુ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સ યુનિવર્સિટી કટુપકકમ ચેન્નઈ પાસેથી ૧૬ થી ૧૮ માસની ઉંમરના શાહમૃગની જોડી લાવવામાં આવી છે. આગામી બે સપ્તાહ બાદ આ શાહમૃગની જોડીને સહેલાણીઓ માટે પ્રદર્શિત કરવામાં આવશે.આ અંગે વધુ માહિતી આપતા ઝૂ સુપ્રીન્ટેન્ડેન્ટ ડો.રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે, રાજકોટના પ્રદ્યુમનપાર્ક ઝૂમાં ગઈકાલે શાહમૃગની જોડી લાવવામાં આવી છે. જેમાં એક નર અને એક માદા છે. આ પક્ષી આફ્રિકાનું મૂળ નિવાસી છે. આફ્રિકાના ઘાસના મેદાનો, રણપ્રદેશ, સુકા અને રેતાળ પ્રદેશના જોવા મળે છે. દુનિયાનું સૌથી ઉંચુ અને ઉડી ન શકતું આ પક્ષી પ્રતિકલાક ૭૦ કિલોમીટરની ઝડપે દોડી શકે છે. માદા શાહમૃગની ઉંચાઈ ૭ ફુટ અને વજન આશરે ૧૦૦ કિલો જેટલો અને નર શાહમૃગની ઉંચાઈ ૯ ફૂટ અને વજન ૧૨૦ કિલો ગ્રામ જેટલો હોય છે. પુખ્ત નરના પીંછા મોટાભાગે કાળારંગ સાથે સફેદ પુંછડી સાથેના હોય છે. પુખ્ત માદાના પીંછા મોટાભાગે ભુખરા અને સફેદ કલરના હોય છે. બંનેની ડોક પર પીછા હોતા નથી. દુનિયામાં તમામ પ્રકારના પક્ષીઓમાં સૌથી મોટા કદનું ઈંડુ શાહમૃગનું હોય છે. જેની લંબાઈ ૧૫ સે.મી અને પહોળાઈ ૧૩ સે.મી. જયારે વજન ૧.૪ કિલો ગ્રામ જેટલો હોય છે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રદ્યુમનપાર્કમાં આગામી દિવસોમાં મૈસુર ઝૂ ખાતેથી એલેકસઝાન્ડર, પેરાકીટ-૨, રોઝરીંગ પેરાકીટ-૧, રેડ જંગલ ફાઉલ-૪, વાઈટ આઈબીસ-૨, લેડી ફ્રીઝન્ટ-૨ બજરી ગર-૨૦ લાવવામાં આવશે. શાહમૃગનું આગમન થતા હાલ પ્રદ્યુમનપાર્ક ઝૂમાં ૪૯ પ્રજાતીના ૩૭૭ છે.