મવડી ચોકડી પાસે રાત્રે ૮:૩૦ કલાકે આયોજન સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકર સાથે કલાકારો ‘અબતક’ની મુલાકાતે
રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ‘મા નર્મદા મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૧૮ દિવસ સુધી ઉજવણી કરવામાં આવશે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રાત્રે ૮:૩૦ કલાકે મવડી ચોકડી ખાતે યુવા હૈયાના હૃદય સમ્રાટ અમે ગુજરાતનું ગૌરવ એવા ખ્યાતનામ કલાકારો ઓસમાણ મીર અને ગુણવંત ચુડાસમા પ્રસ્તુત લોક ડાયરાનું આયોજન છે.આ અંગે સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠાકરે આ કલાકારો સાથે ‘અબતક’ની મુલાકાત લઈ માહિતી આપી હતી.આગામી દિવસોમાં પોતાના ‘રમઝટ’ આલબમ વિશે ઓસમાણ મીરે જણાવ્યું હતું કે યુવાનોને આકર્ષવા માટે સમય અનુસાર અર્વાચીન દાંડીયામાં થોડા ફેરફાર સાથે પ્રાચીન ગરબા પીરસવામાં આવ્યા છે. જેમાં તમામ માતાજીના જ ગરબા ગાયા છે. અને પોતાની આગવી લઢણથી જ પીરસ્યા છે. આ ઉપરાંત તેઓએ તથા ગુણવંતભાઈએ બોલીવુડમાં પણ ગુજરાતી કલાકારોનો દબદબો છે તેની યાદ તાજી કરી હતી.આજે નર્મદા મહોત્સવમાં તેઓ લોકડાયરામાં સંતવાણી સહિત ‘મન મોર બની…’, ‘લીલી લીમડી’ તથા ‘કૈલાશ કે નિવાસી નમુ બાર બાર હું’ સહિત શિવભજનો રજૂ કરશે અને લોકડાયરાના માધ્યમ દ્વારા બાળકો અને પરિવાર માટે સારી બાબતો પિરસશે જેથી બાળકોને વિચારની દિશા મળે. આવા કાર્યક્રમોમાં માતા-પિતાને બાળકોને જોડવા સલાહ આપી હતી કે જેથી બાળકો સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે. ગુણવંતભાઈ દ્વારા ડાયરામાં લોકોને તનાવમુકત કરવા હાસ્યની છોળો પીરસવામાં આવશે.આ લોકડાયરાનું દીપ પ્રાગટય ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે થશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.જૈમન ઉપાધ્યાય ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યો, કોર્પોરેટરો,પાર્ટીના હોદ્દેદારો વિગેરે ઉપસ્થિત રહેશે. આ લોકડાયરામાં ખ્યાતનામ કલાકારો ઓસમાણ મીર, ગુણવંત ચુડાસમા પોતાની કલાથી શહેરીજનોને ડોલાવશે. સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલ તેમજ સમાજ-કલ્યાણ સમિતિ ચેરમેન જયમીન ઠાકરે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે શહેરીજનોને બહોળી સંખ્યામાં લોકડાયરામાં ઉમટી પડવા આમંત્રણ પાઠવ્યું હતું.