- સ્વચ્છ ભારત મિશન-2024 અંતર્ગત પ્રતિષ્ઠિત નાગરિકોની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તી કરતું કોર્પોરેશન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ-2024 માટે શહેરના પ્રતિષ્ઠિત નાગરિકોની સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તી કરવામાં આવી છે. જેમાં પ્રખ્યાત લોકગાયક ઓસમાણ મીર, મોટિવેશન સ્પીકર જય છનિયારા, પુરૂષાર્થ યુવક મંડળના કિશોરભાઇ રાઠોડ, સદ્ભાવના વૃદ્વાશ્રમના પ્રમુખ વિજયભાઇ ડોબરીયા અને ટ્રાન્સજેન્ડર પાયલ રાઠવાને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર નીમવામાં આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ આવે તે અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણ-2024માં શહેરનું અગ્રીમ સ્થાન આવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવે છે. જે સબબ આ વર્ષે પણ સર્વેક્ષણ-2024 રાજકોટ શહેરમાં સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રતિભાશાળી વ્યક્તિઓની નિમણુંક કરવામાં આવી છે. આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનીસીપલ કમિશ્નર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા, સેનિટેશન ચેરમેન નીલેશભાઈ જલુ દ્વારા નિમણુંક પત્ર એનાયત કરાયા હતા.
બ્રાન્ડ એમ્બેસેડર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ-2024 અંતર્ગત શહેરીજનોમાં સ્વચ્છતા પ્રત્યે જન-જાગૃતિ કેળવાય તે હેતુથી યોજવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી લોકોને સ્વચ્છતા કેળવવા માટે પ્રરિત કરવા અંગેની કામગીરી આગામી વર્ષ દરમ્યાન કરવામાં આવશે.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત પ્રવચન સેનિટેશન ચેરમેન નિલેશભાઈ જલુ દ્વારા કરવામાં આવ્યું હતું. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનીસીપલ કમિશનરએ રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે શહેરીજનોનો પણ સાથ સહકાર જરૂરી છે, નાગરિકો સુકો-ભીનો કચરો અલગ-અલગ રાખે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરીમાં સહયોગ આપે તેવો અનુરોધ કર્યો હતો.
આ અવસરે આજ સુધીમાં રાજકોટ મહાનગરપાલિકાને સ્વચ્છતા અંગે મળેલા એવોર્ડ અને સર્ટીફિકેટનું પ્રેઝેન્ટેશન દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.