વાગુદળ ખાતે આવેલ ઓશોવાટીકામાં જય વસાવડાના હસ્તે જીવન કી ખોજ અને કીઝ ટુ અ ન્યુ લાઈફ પુસ્તકોનું વિમોચન.
પ્રકૃતિની ગોદમાં પ્રભુતાનું ઐશ્ર્વર્ય પાથરતા ઓશોવાટિકા-વાગુદળની સ્પંદિત ભૂમિ ઉપર ઓશો ગ્લીમ્સ મેડીટેશન એન્ડ સેલીબ્રેશન અંતર્ગત ઓશો ઈન્ટરનેશનલ મેડીટેશન રીસોર્ટ, પુનાથી પધારેલા માં અમૃત સાધનાના સાંનિઘ્યમાં વસંત પંચમીની પૂર્વ સંઘ્યાએ ઓશો ગ્લીમ્સ-મુંબઈ દ્વારા જીવન કી ખોજ અને કીઝ ટુ અ ન્યુ લાઈફ પુસ્તકોનું લોકાર્પણ કરતા જય વસાવડાએ કહ્યું હતું કે જીવન નૃત્ય છે અને સુગંધનું વર્ણન શકય નથી પરંતુ ઓશોએ પ્રસન્નતા-પ્રેમ અને આનંદના નૂતન પથના નિર્માણ સાથે ચેતનાસભર જીવનનો માર્ગ પ્રશસ્ત કરી વિશાળ માનવ સમુદાયને રૂપાંતરણની પ્રક્રિયામાં સામેલ થવા માટેનું ઈંજન આપી જબરજસ્ત ક્રાંતિ સર્જી છે. હજારો વર્ષોથી સ્થિર થયેલી ચિત વૃતિઓને શુઘ્ધતા પ્રદાન કરતી આંતર ખોજની ચાવીઓ લઈને આવેલું પુસ્તક કીઝ ટુ અ ન્યુ લાઈફ ખરાઅર્થમાં જીવનનો પથ નિર્દિષ્ટ કરે છે.
ઓશો ગ્લીમ્સ મેડીટેશન એન્ડ સેલીબ્રેશનના શિબિરાર્થીઓને સંબોધતા મુખ્ય અતિથિ પ્રોફે.કલાધર આર્યએ જણાવ્યું હતું કે, જીવનની વાસ્તવિકતાઓની સમજ સાથે ચિતવૃતિના નિરોધનો માર્ગ પ્રશસ્ત કરવાનો અવસર આપતો ગ્રંથ જીવન કી ખોજ નિર્વિચાર અવસ્થા સાથે અનુબંધિત થવાનો દિશાનિર્દેશ કરે છે. જ્ઞાનથી ઉદભવતા અહંકારથી મુકત થઈ અજ્ઞાનના સૌંદર્યને માણવાની અદભુત શૈલી ઓશોએ આપી છે જે માનવીય મુલ્યોના જતન સાથે સરળ-સહજ અને સ્પંદિત થવાનો અવસર પુરો પાડે છે. ઓશો વિચારોને પ્રસરાવવા પ્રવૃત સંસ્થા ઓશોગ્લીમ્સના ઉપક્રમે ઓશોવાટિકા-વાગુદડની સ્પંદિત ભૂમિ ઉપર સંજય સ્વામીના નેતૃત્વ હેઠળ યોજાયેલી ઘ્યાન શિબિરને સફળતા પ્રદાન કરવા માટે ડો.સુજાતા ઉદેશી, સ્વામી રાધેશ્યામ સરસ્વતી, માં અંતરકિરણ, માં ડીમ્પલ તથા માં ધ્યાન રસિલી જહેમત ઉઠાવી રહ્યા છે.