પાટણવાવ પર્વત તળેટીમાં પરંપરાગત લોકમેળો ખુલ્લો મૂકતાં રાજ્યમંત્રી
રાજકોટ જિલ્લાના પાટણવાવ ગામે ઓસમ ડુંગરની તળેટીમાં માત્રીમાતાના સાનિધ્યે વર્ષોથી યોજાતા ભાદરવી અમાસના ત્રીદિવસીય પરંપરાગત લોકમેળાને પ્રવાસન રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય લલિતભાઈ વસોયા તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો વલ્લભભાઈ કથીરિયાની વિશેષ ઉપસ્થિતિમાં લોકમેળાને ખુલ્લો મુક્યો હતો.
આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે પાટણવાવનો આ ડુંગરએ એક ઐતિહાસિક પવિત્ર ભૂમિ છે જ્યાં માત્રિ માતાજી, ટપકેશ્ર્વર મહાદેવ બિરાજમાન છે. ત્યાં વર્ષોથી પરંપરાગત લોક મેળો ભરાય છે, રાજ્ય સરકાર દ્વારા પણ આ ઓસમ પર્વતને પર્યટન સ્થળ તરીકે વિકસાવવા માટે પ્રયાસ થઇ રહ્યા છે અને લોકો માટે સુવિધા ઉભી થઈ રહી છે
આ લોકમેળો ગોંડલ રાજ્યના સર ભગવતસિંહજીના સમયથી યોજાતો આવે છે. પહેલાના સમયમાં લોકમેળો ડુંગરની ઉપરના ભાગમાં માત્રિ માતાજીના મંદિર પટાંગણમાં બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિના રીત રિવાજો અને સામાજિક પ્રસંગો સાથે યોજાતો હતો. સમયાંતરે આ લોકમેળો ડુંગર તળેટીમાં યોજાવવા લાગ્યો. પાટણવાવ ગામમાં આવેલ માતાના મઢથી ધજા યાત્રા વાજતે-ગાજતે ડુંગર ઉપર બિરાજમાન માતાજીના મંદિરે લઈ જવામાં આવે છે અને ધ્વજારોહણ થી વિધિવત આ ભાદરવી અમાસના લોકમેળાનો પ્રારંભ થાય છે. આ લોકમેળામાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ વગેરે જિલ્લાના લોકો ઓસમ ડુંગરના કુદરતી વાતાવરણમાં માત્રિ માતાજીના સાનિધ્યમાં યોજાતા લોકમેળાને ઉત્સાહપૂર્વક માણે છે. ભાદરવી અમાસ એકમ અને બીજના દિવસે બ્રહ્મ ક્ષત્રિય જ્ઞાતિ દ્વારા માત્રિ માતાજીના હવન પૂજન બાદ આ મેળો સમાપ્ત થાય છે.
પાટણવાવ લોકમેળાનું આયોજન પાટણવાવ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ જેમાં 236 જેટલા પોલીસ જવાન અને ગ્રામરક્ષક જવાનો દ્વારા લોક મેળા માટે બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે તેમ પોલીસ અધિકારી વિપુલ કોઠીયાએ જણાવ્યું હતું.
પાટણવાવ ગ્રામ પંચાયત સરપંચ પ્રવીણ ભાઈ પેથાણીએ લોકમેળા શુભારંભે પધારેલ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ડો. વલ્લભભાઈ કથીરિયા, મનીષભાઈ ચાંગેલા, કિશોરભાઈ રાઠોડ, વિરલભાઈ પનારા સહિત આગેવાનોને સત્કાર્યા હતા અને માત્રિમાતાના મંદિરના મહંત જયવંતપુરી બાપુએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં માતાના મઢ થી ડુંગર ઉપર બિરાજમાન માત્રિમાતાના મંદિરે ધ્વજારોહણ કરાવ્યું હતું.
વધુ એક વખત લલીત વસોયાની સાસદ અને મંત્રી સાથે સુચક હાજરી
વિધાનસભાની ચુંટણીને ગણતરીના મહીના બાકી છે. ત્યારે કોંગ્રેસ માટે એક સાંધેને તેર તૂટે તેઓ ઘાટ ઘડાય રહ્યો છે. લાંબા સમયથી ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલીત વસોયા કોંગ્રેસ છોડી રહ્યાની અવાર નવાર મિડીયામાં ચર્ચાય રહ્યું છે.
તાજેતરમાં ધોરાજી મત વિસ્તારના એક કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ સાથે મંચ પર દેખાય બાદ પાટણવાવ ઓસમ ડુંગર ખાતે આજે અમાવસ્યના મેળામાં પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક, વાહન વ્યવહાર મંત્રીી અરવિંદભાઇ રૈયાણી સાથે ધારાસભ્ય લલીત વસોયાની હાજરીથી વધુ એક વખત ધારાસભ્ય લલીત વસોયા આ હાજરીથી પાર્ટી છોડી રહ્યાની ચર્ચાએ જોર પકડયું છે.પરંતુ એક સપ્તાહ પૂર્વ સૌરાષ્ટ્ર કક્ષાના કોગી અગ્રણીઓની રાજકોટ ખાતેની બેઠકમાં લલીત વસોયાએ પત્રકારોને જણાવ્યું હતું કે, હું પાર્ટી છોડવાનો નથી અને કોંગ્રેસમા છું તેમ જ બે દિવસ પૂર્વે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની હાજરીમાં અમદાવાદ ખાતે મળેલી બેઠકમાં લલીત વસોયાએ ધારાસભાની ચુંટણી લડવાનો ઇન્કાર કરતા અને આજે ભાજપ અગ્રણીઓની સાથે સુચક હાજરીથી તરહે તરેહની ચર્ચાઓ જગાવી છે.