ઓરીસ્સા સરકાર રૂ.૧૦,૦૦૦ કરોડ અને ઝારખંડ સરકાર રૂ.૨,૨૫૦ કરોડ ખેડૂતોના વિકાસ માટે ફાળવશે

ખેડૂતોના દેવા માફી કરીને ચૂંટણીલક્ષી રણનીતિ બનાવવા પક્ષો મથામણ કરી રહ્યાં છે ત્યારે આ હરોળમાં ઓરિસ્સા અને ઝારખંડ સરકારે પણ જોડાવાનો નિર્ણય લીધો છે. ત્રણ રાજયોમાં કોંગ્રેસની સ્પષ્ટ જીત બાદ તેમણે ખેડૂતોના દેવા માફીના વચનો આપ્યા હતા. ત્યારે હવે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે રાજયભરના ખેડૂતોના વિકાસ માટે એક યોજના અંતર્ગત રૂ.૧૦,૦૦૦ કરોડ ઠલવવાનો નિર્ણય લીધો છે.

ઝારખંડના મુખ્યમંત્રી રઘુબરદાસે પણ ૨૨.૭૦ લાખ મધ્યમ અને માર્જીનલ ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાની યોજના બનાવવાની સાથે રૂ .૨૨૫૦ કરોડનું ભંડોળ આપવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી પટનાયકે જણાવ્યું હતું કે, ઓરિસ્સા કેબીનેટે કૃષક અસીસ્ટન્ટ ફોર લીવલી હુડ એન્ડ ઈન્કમ ઓગમેન્ટેશન યોજનાને ખેડૂતોના વિકાસ માટે મંજૂરી આપી છે. કૃષક યોજના ખેડૂતોના વિકાસ અને દેવા માફી માટે ઐતિહાસિક રહેશે. કેબીનેટની હાઈ લેવલની મીટીંગમાં આ નિર્ણય લેવાયો હતો. આશરે ઓરિસ્સાના ૩૦ લાખ ખેડૂતોને મહત્વકાંક્ષી યોજના હેઠળ આવરી લેવાનો ઓરિસ્સા સરકારનો લક્ષ્ય છે. વધુમાં પટનાયકે કહ્યું હતું કે, સરકાર ખેતી માટે ખરીફ અને રવી પાક માટે પરિવાર દીઠ ૧૦,૦૦૦ની કિંમતની સેવા ૫,૦૦૦માં આપશે.

ઝારખંડ સરકારે જાહેર કર્યું હતું કે, તેઓ ૨૨.૮૦ લાખ મધ્યમ અને માર્ઝીનલ ખેડૂતો માટે આગામી નાણાકીય વર્ષ માટે પ્રતિ એકર દીઠ રૂ.૫,૦૦૦ની ફાળવણી કરશે. નવી મુખ્યમંત્રી કૃષિ યોજના અંતર્ગત રૂ.૨૨૫૦ કરોડ વાપરવામાં આવશે. જે ખેડૂતોને એક એકરથી પણ ઓછી જમીન છે તેમને પણ રૂ. ૫,૦૦૦ની સહાય અપાશે. લાભાર્થીઓને ચેક અથવા ડાયરેકટ ટ્રાન્સફર દ્વારા સહાય આપવાની સરકારની યોજના છે. જેથી ખેડૂતોની વાવણી, કૃષિના સાધનો, સિંચાઈ જેવી પ્રક્રિયા માટે તેમણે કોઈ ઉપર નિર્ભર રહેવું પડશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.