ઓર્ગન ડોનેશન સંસ્થાનું અમદાવાદમાં મુખ્યમંત્રીના હસ્તે સન્માન
અમદાવાદ ખાતે સીમ્સ હોસ્પિટલ દ્વારા ઓર્ગન ડોનર પરિવારો અને હદયદાન મેળવનાર તેમજ ગુજરાતમાં અંગદાન જાગૃતિ માટે કાર્ય કરનાર વિવિધ સામાજીક સંગઠનોના સન્માનનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. ઓર્ગન ડોનેશન અંગેના જનજાગૃતિના કાર્ય અંગે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં આહલેક જગાડનાર ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના મિતલ ખેતાણી, ડેનીસ આડેસરા, ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણઝારાનું અંગદાનના ક્ષેત્રમાં યોગદાન બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુકે ઓર્ગન ડોનેશન કાર્ય એક ઈશ્ર્વરીય કાર્ય છે. સમાજમાં ઓર્ગન ડોનેશન અંગે જન જાગૃતિ ઉભી થાય અને તેના દ્વારા બ્રેનડેડ વ્યકિતના અંગો કિડની,લીવર અને હૃદય નિષ્ફળતાના દર્દીઓને મળે તો આવા ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળી શકે એટલા માટે અંગદાન જરૂરી છે. ઓર્ગન નિષ્ફળતાના દર્દીઆને નવજીવન આપવા માટે અંગદાન અંગેની ઝુંબેશ રાજય સરકાર એનજીઓ, ડોકટરો, હોસ્પિટલો, વિગેરે ચલાવે એ સમયની આવશ્યકતા છે.
હદયના ટ્રાન્સપ્લાન્ટ માટે સમય ખૂબજ અગત્યનો હોવાથી હદયને સમયસર એરપોર્ટ પહોચાડવા માટે સરકારે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા ઉભી કરી છે.
એક શહેરમાંથી બીજા શહરેમાં હૃદયને ટ્રાન્સફર કરવા માટે એર એમ્બ્યુલન્સની જરૂર પડતી હોય છે.
આ એર એમ્બ્યુલન્સનો પચાસ ટકા ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે. તેઓએ ઓર્ગન ડોનેશન કરનાર પરિવારો અને ઓર્ગન ડોનેશનના ક્ષેત્રમાં કાર્ય કરતી સંસ્થાઓની પ્રવૃત્તિને બિરદાવી હતી. અને ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં ચાર હૃદયના ટ્રાન્સપ્લાન્ટ કરનાર સીમ્સ હોસ્પિટલના ડોકટરોની ટીમને પણ અભિનંદન આપ્યા હતા.