જામનગર સમાચાર
જાન્યુઆરી-2024માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરુપે રાજયના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાના અઘ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ જામનગરનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ જામનગર કાર્યક્રમમાં વિવિધ કંપનીઓ વચ્ચે રૂ. 3236 કરોડના કુલ 49 એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટ બ્રાન્ડિગના 26 સ્ટોલના પ્રદર્શનને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ તમામ સ્ટોલની બહોળી સંખ્યામાં લોકોએ મુલાકાત લીધી હતી અને ખરીદી કરી હતી.
વાયબ્રન્ટ જામનગર થકી નાના ઉદ્યોગોને વેગ મળશે
તાજેતરમાં જ વાઇબ્રન્ટ જામનગર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગના સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. જામનગરની સ્ટર્લિંગ મેટલ કંપનીમાં માર્કેટિંગ રિટેલ તરીકે નોકરી કરતાં રવીભાઈ જણાવે છે કે, વાઇબ્રન્ટ જામનગર થકી અમારા સ્ટોલની ઘણા લોકોએ મુલાકાત લઈ પ્રોડક્ટ વિષે માહિતી મેળવી છે. અને ઓર્ડર મળતા તેઓને આર્થિક ફાયદો થયો છે. સ્ટર્લિંગ મેટલ કંપની દ્વારા ઓટો એસેસરીઝ અને બ્રાસના મોટાભાગના પાર્ટસ મળી 10,000થી વધુ પ્રોડ્કટસ બનાવવામાં આવે છે. પ્રથમ વખત વાઇબ્રન્ટ જામનગરનું આયોજન થયું છે જેના થકી નાના ઉદ્યોગો પણ આગળ વધી શકશે. આ આયોજન બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરું છું.
બાંધણીના કારીગરોને સરકારે નવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું
વાઇબ્રન્ટ જામનગર કાર્યક્રમ થકી નાના મોટા ઘણા ઉદ્યોગોને ફાયદો થયો છે. વાઇબ્રન્ટ સમિટના આયોજનમાં જિલ્લાની વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડકટસનું બ્રાનિ્ંડગ થાય તે મુખ્ય હેતુ છે. જામનગર જિલ્લો બાંધણી, બ્રાસપાટ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે. તાજેતરમાં જ જામનગરની બાંધણીને જીઆઇ ટેગ મળ્યો છે જે આપણા સૌ માટે ગર્વની વાત કહી શકાય. વાઇબ્રન્ટ સમિટમાં બાંધણીના સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.
જામનગરના બાંધણીના કારીગર અબ્દુલભાઈ અરોરા જણાવે છે કે જામનગરમાં પ્રથમ વખત વાઇબ્રન્ટ સમિટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની બાંધણી વિશ્વભરમાં પ્રખ્યાત છે.બાંધણીને વિશ્વ સ્તરે પહોંચાડવા માટે અને બાંધણીના કારીગરોને આવક પ્રાપ્ત થાય તે માટે વાઇબ્રન્ટ જામનગરમાં અમને સ્ટોલ ફાળવવામાં આવ્યો હતો. ત્યાં ઘણા બધા હોલસેલના વેપારીઓએ મુલાકાત લીધી અને સારો સહકાર મળ્યો છે. જામનગર જિલ્લાના હજારો કારીગરો બાંધણીના વ્યવસાય સાથે જોડાયેલા છે. સરકારે દરેક જિલ્લાઓમાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કર્યું તેના થકી અનેક નાના મોટા વેપારીઓને ફાયદો થશે અને આવકના નવા સ્ત્રોતનું સર્જન થશે તે બદલ હું સરકારનો આભારી છું.
સાગર સંઘાણી