બાળકોની ક્રિએટીવીટી અને એક્ટિવીટીને પ્રોત્સાહિત કરવાના હેતુસર
રાજકોટમાં આગામી 21, 22 અને 23 એપ્રિલના રોજ પહેલીવાર માત્ર વિદ્યાર્થીઓ માટે એક સાહિત્ય મેળો યોજાવા જઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ ફેસબુક કરતા બુકને ફેસ કરે તેવા શુભ આશય સાથે સાંઇરામ દવેની સ્કૂલ નચિકેતામાં 3 થી 15 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે એક લીટરચેર ફેસ્ટિવલ કમ લાઈફ સ્કીલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં બાળકોને મજા પડે તેવા પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ હશે. સાહિત્યમેળાની સાથે વિદ્યાર્થીઓ માટે વિડિયો ફિલ્મના શો, લાઈવ બાળવાર્તા, મેજીક શો, માટીકામ, ડ્રોઇંગ એક્ટીવીટી, તર્ક આધારીત રમતો, જીવન જરૂરી લાઈફ સ્કીલ્સ, કરાઓકે પરફોર્મન્સ, પેરેન્ટ્સ સાથે રમતો તેમજ ફ્રી જમ્પીંગ સહિતની અનેક આઉટડોર રાઇડ્સનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બાળ સાહિત્ય મેળો તદ્દન નિ:શુલ્ક અને ઓપન ફોર ઓલ છે. દરેક સેશન ટાઇમીંગ મુજબ હોવાથી રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં આપેલ ક્યુઆર કોડ સ્કેન કરી કોઈપણ વ્યક્તિ રજીસ્ટ્રેશન કરી શકે છે. મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ વાંચન તરફ વળે તે માટે સ્વ.પ્રતાપભાઈ પંડ્યા પ્રેરીત પુસ્તક પરબ, શ્રી સાંઈલક્ષ્મી ફાઉન્ડેશન અને આર.આર.શેઠ પ્રકાશન દ્વારા પુસ્તકો પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે.