રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા રાજકોટ જયુબેલીના અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે એક લોકતંત્રની પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો હેતુ આવનાર મ્યુનિ.કોર્પોરેશનની ચુંટણીમાં લોકોને ‘પક્ષશાહી એ લોકશાહી નથી’ તેના પર ધ્યાન દોરવાનો હતો.
આવનાર મ્યુનિ.કોર્પોરેશન ચુંટણીમાં કોઈપણ રાજકિય પક્ષોને મત ન આપી અપક્ષને ચુંટાવાની એક નેમ ઉભી કરી છે જેનું નામ ‘ઓકયુપાય આર.એમ.સી’ છે અને આ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ સાત સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર એક સત્રમાં અલગ-અલગ વિષયો પર વકતાઓ પોતાના વકતવ્યો આપ્યા હતા.
અબતક સાથેની વાતચીતમાં મહેશભાઈ મહિપત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ૧લી જુલાઈ ૨૦૧૮ના રોજ અરવિંદ મણીયાર હોલ ખાતે ‘લોકતંત્રની પાઠશાળા’નું રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ૬ અલગ-અલગ વકતાઓ દ્વારા ૬ અલગ-અલગ વિષયો પર રજુઆત કરવામાં આવશે.
સાથો સાથ ધર્મેશભાઈ લાખાણી દ્વારા જાણવા મળ્યા મુજબ રાજકોટ શહેરમાં અમો લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરવુ અને રાજકીય પક્ષોને કોર્પોરેશનથી મુકત કરવાનું અમારી નેમ છે જેનું નામ છે ઓકયુપાય આરએમસી અને આ ચળવળમાં ૧૦૦ જેટલા લોકો બિનસ્વાર્થ ભાવે જોડાયેલા છે. ઘરે ઘરે જઈ લોકોને સમજાવવામાં આવશે. પ્રશિક્ષણ પણ આપવામાં આવશે અને પદયાત્રા પણ કરવામાં આવશે અને આવનાર કોર્પોરેશનની ચુંટણીમાં મતદાન દ્વારા લોકો પાસે જે તાળાની ચાવી છે તે ચાવી દ્વારા અમે રાષ્ટ્રીય પક્ષોને ચુંટણીના જંગમાં હરાવીશું. આ રીતે અમે લોકો રાજકોટ કોર્પોરેશન અપક્ષના કબજામાં લેશું.
રાજકોટ મતદાર એકતા મંચના સંયોજક અશોક પટેલએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ લોકતંત્રની પાઠશાળા નામના કાર્યક્રમમાં અલગ-અલગ સત્રનું આયોજન તેમજ છેલ્લા સત્ર દરમિયાન પ્રેક્ષકો પણ પોતાનો વિચાર રજુ કરે તેની પણ સવલત રાખવામાં આવી છે. લોકતંત્રની પાઠશાળામાં મુખ્ય વિચાર એ છે કે આજે ભારતમાં છેલ્લા ૭૦ વર્ષથી જયારથી આપણે આઝાદ થયા છીએ ત્યારથી લોકશાહીના નામે પક્ષશાહી ચાલી રહી છે એટલે અહિંયા અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આજે દેશમાં ચાલતી પક્ષશાહી છે એ લોકશાહી નથી.
આજે જે પ્રતિનિધિઓ ચુંટાયને સભામાં જાય છે તે પક્ષોના પ્રતિનિધિ હોય છે. દિલ્હીની લોકસભા પણ પક્ષસભા હોય તેવું લાગી રહ્યું છે. જેનાથી અમુક લોકો દ્વારા જ દેશનું સંચાલન ચાલી રહ્યું હોય તેવું લાગે છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પ્રયોગ કરવા ઈચ્છીએ છીએ જેમાં કોર્પોરેશનને રાજકીય પક્ષોથી મુકત કરવા ઈચ્છીએ છીએ.