ગાંધીધામ : નવરાત્રિને અનુલક્ષી પૂર્વ કચ્છના વિવિધ ગરબી મંડળો સાથે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ગાંધીધામ ખાતે જિલ્લા કક્ષાની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસવડા દ્વારા વિવિધ નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા મહિલા સુરક્ષા ઉપર ભાર મૂકવા સહિતના સુરક્ષાના આયોજનો ઉપર પ્રકાશ પાડયો હતો. બેઠકમાં કાયદો વ્યવસ્થા અંગે જરૂરી પગલાં લેવા અંગે પણ સૂચનો કરાયાં હતાં. બેઠકના આરંભે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુજે બેઠકના આયોજન અંગેની માહિતી આપી હતી.
આ અંગે મળતી વિગતો અનુસાર આગામી તા. 3 ઓક્ટોબરથી નવરાત્રિ મહોત્સવનો આરંભ થશે, ત્યારે પૂર્વ કચ્છના વિવિધ ગરબી મંડળો સાથે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જિલ્લા કક્ષાની બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસવડા દ્વારા વિવિધ નિયમો અંગે જાણકારી આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા મહિલા સુરક્ષા ઉપર ભાર મૂકવા સહિતના સુરક્ષાના આયોજનો ઉપર પ્રકાશ પાડયો હતો. તેમજ બેઠકમાં કાયદો વ્યવસ્થા અંગે જરૂરી પગલાં લેવા અંગે પણ સૂચનો કરાયાં હતાં. ત્યારે બેઠકના આરંભે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુજે બેઠકના આયોજન અંગેની માહિતી આપી હતી.
આ સાથે આ અંગે માહિતી આપતા પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે એ જણાવ્યું હતું કે, શહેર હોય કે ગામડામાં નવરાત્રિના આયોજનના સ્થળે પોલીસની સતત હાજરી રહેશે. જિલ્લા કક્ષાની બેઠક બાદ પોલીસ સ્ટેશન કક્ષાએ પણ બેઠકો યોજવામાં આવશે, જેથી આયોજકો અને પોલીસ અધિકારીઓ એક બીજાના સંપર્કમાં રહે. નવરાત્રિ રાત્રિના 12 વાગ્યે જ પૂરી થઈ જાય, તેની તકેદારી રાખવાની રહેશે. તેમજ રાજકોટ TRP ગેમ ઝોનમાં આગના બનાવ જેવી ઘટના નવરાત્રિ દરમ્યાન ન બને તે માટે ડોમમાં કે બેનક્વેટ હોલમાં થતા આયોજકોએ ફાયરની NOC લેવાની ફરજિયાત રહેશે અને એ પૂર્વે ફાયર વિભાગના અધિકારીઓ પાસે સર્વે કરાવવા પણ તેમણે સૂચના આપી હતી.
આ સાથે મહિલા સુરક્ષા અંગે ખાસ તકેદારી રાખવા પોલીસનું ગત વર્ષની માફક આ વર્ષે પણ આયોજન હોવાનું કહ્યું હતું અને મોટા આયોજનના સ્થળે ખાનગી ડ્રેસમાં પણ મહિલા પોલીસની ટીમ તૈનાત રહેશે તેવું કહ્યું હતું. એન્ટ્રીમાં તેમજ ગરબાના સ્થળે ખાસ અલગ-અલગ એંગલના સીસી કેમેરા લગાડવા, પ્રશાસનને સહકાર આપવા અપીલ કરી હતી.પોલીસની સાથે ખાનગી સુરક્ષાકર્મીઓ રાખવા મોટા આયોજકોને સૂચના આપી હતી. આ ઉપરાંત આયોજકો માતાજીની આરાધના મુજબના ગરબા ગાય તેવી અપીલ કરી હતી. આ વર્ષે પણ નિયમોની અમલવારી કરનારા પાંચ શ્રેષ્ઠ ગરબી મંડળને પોલીસ દ્વારા પ્રોત્સાહિત કરવાની માહિતી પણ તેમણે આપી હતી.
ત્યારે અગ્રણી મોહન ધારશી ઠક્કરે નવરાત્રિ મહોત્સવ ઉજવણીમાં પવિત્ર પર્વમાં ગરિમા જળવાય તેવું જણાવ્યું હતું. નશાયુક્ત હાલતમાં તોફાન કરતા તત્ત્વો સામે પગલાં લેવા, હથિયારોની તપાસ કરવા અંગે રાજભા ગઢવીએ અનુરોધ કર્યો હતો. નીતેશ લાલને ગણેશ નગર સહિતના વિસ્તારોમાં નશાબંધીની કડક કામગીરી કરાવવા અનુરોધ કર્યો હતો. તેમજ નવરાત્રિ દરમ્યાન માંસ-મટનની રેંકડીઓ બંધ કરાવવા અપીલ કરાઈ હતી. આ સાથે બળવંત ઠક્કરે બબાલ કરતા તત્ત્વો સામે પગલાં લેવા અપીલ કરી હતી. ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડે તમામ આયોજકોને આગના બનાવ સામે તકેદારીના ભાગ રૂપે ટ્રેક્ટર કે ટેન્કરમાં પાણીની વ્યવસ્થા સ્થળ ઉપર રાખવા અનુરોધ કર્યો હતો. આ વેળાએ સુધરાઈ પ્રમુખ તેજસ શેઠ, અંજાર નાયબ પોલીસવડા મુકેશ ચૌધરી, ભચાઉ નાયબ પોલીસવડા સાગર સાંબડા તેમજ ભચાઉ,ગાંધીધામ એ ડિવિઝન, બી ડિવિઝન, આદિપુર,અંજાર,કંડલા મરીન સહિતના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતી માખીજાણી