- જમીનને પ્રાકૃતિક ખેતી થકી ઉપજાઉ કરવા રાજ્યપાલનું ખેડૂતબંધુઓને આહ્વાન
- રાજકોટ જિલ્લાના 75 ખેડૂત મિત્રોની “પ્રાકૃતિક કૃષિ સાફલ્ય ગાથા પુસ્તકનું રાજ્યપાલના હસ્તે વિમોચન
“આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજકોટ ખાતે પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના આયોજન માટે અભિનંદન પાઠવીને રાજ્યપાલ એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. જ્યાં સુધી ખેડૂત આત્મનિર્ભર નથી ત્યાં સુધી ભારત સંપૂર્ણ રીતે આત્મનિર્ભર બની શકશે નહીં. ત્યારે ખેડૂત પ્રાકૃતિક ખેતી થકી વધુ ગુણવત્તાયુક્ત કૃષિપેદાશોનું ઉત્પાદન કરે અને આત્મનિર્ભર બને તે માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પુરી રીતે સહયોગ આપી રહી છે.
રાસાયણિક ખેતીને કારણે બિન ઉપજાઉ થયેલી જમીનને પ્રાકૃતિક ખેતી થકી ઉપજાઉ બનાવવા માટે ખેડૂતોને આહવાન કરતા રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, યુરિયા, ડી.એન.એ અને પોટેશિયમ જેવા રાસાયણિક ખાતરોના વધુ પડતાં ઉપયોગને કારણે જમીને પોતાની ફળદ્રુપતા ગુમાવી દીધી છે.
ત્યારે જમીનને ફરી જીવંત કરવા માટેનો એકમાત્ર ઉપાય છે પ્રાકૃતિક ખેતી. શરૂઆતમાં ઉત્પાદનનું પ્રમાણ ઘટશે પરંતુ આગળ જતા પેદાશોની ગુણવત્તા અને ઉત્પાદનનું પ્રમાણમાં ખાસ્સો વધારો થશે. રાસાયણિક ખાતરોને કારણે જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઝીરો થઈ ગયું છે. પરંતુ માત્ર એક વર્ષ પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધેલું જણાશે.
ભવિષ્યની પેઢીને ફળદ્રુપ જમીન, સ્વચ્છ પાણી અને તંદુરસ્ત હવા આપવાની જવાબદારી આપણા સૌની છે. જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત અને વાફસા થકી જમીનને ફરી જીવંત કરી શકીએ છીએ. ગુજરાત રાજ્યને પ્રાકૃતિક ખેતી માટે દેશમાં અગ્રેસર બનવા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ કહ્યું હતું.
આ અવસરે મંચ પર બિરાજમાન મહાનુભવો દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત દ્વારા રાજકોટ જિલ્લા 75 ખેડૂતોની પ્રાકૃતિક સાફલ્ય ગાથા પુસ્તકનું વિમોચન કર્યું હતું.
અંતમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી દ્વારા આભાર વિધિ કરતા જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર દ્વારા દર રવિવારે ખેડૂતોને પોતાના દ્વારા ઉત્પાદિત કરેલી ચીજ વસ્તુઓ વેચવા માટેનું આમંત્રણ આપી વ્યવસ્થા પૂરી પાડવા અંગેની અનુમતિ આપી હતી. અને કાર્યક્રમના અંતે આચાર્ય દેવવરત દ્વારા લખાયેલા પુસ્તકનું કુલ 25 ખેડૂતોને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, અગ્રણી વલ્લભભાઈ કથીરીયા, સંયુક્ત ખેતી નિયામક એસ.કે.જોશી સહિતનાં અઘિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યાં સુધી ખેડૂત આત્મનિર્ભર નહિ બને ત્યાં સુધી ભારત આત્મનિર્ભર બનશે નહિ: આચાર્ય દેવવ્રતજી
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિ ખેતી શિબિરમાં સંબોધન કર્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમજ વધુમાં વધુમાં જણાવતાં કહ્યું હતું કે જ્યાં સુધી દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે નહીં ત્યાં સુધી દેશ આત્મનિર્ભર બનશે નહીં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા આગામી દિવસોમાં વિવિધ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે રાસાયણિક ખેતી જમીન ને બરબાદ કરી નુકસાન પહોંચાડી રહી છે. ત્યારે પ્રાકૃતિક ખેતી થી જમીનને ફળદ્રુપ બનાવે છે.તેમજ પ્રાકૃતિ ખેતી દ્વારા ખેતીલાયક જમીનમાં ઓર્ગેનિક વસ્તુઓનું ઉત્પાદન થાય છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ક્રાંતિ તરફ લઈ જવા આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
બહોળી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી શિબિરમાં જોડાયા: એચ. ડી. વાદી
પ્રોજેક્ટ આત્માના ડાયરેક્ટર એચ ડી વાદીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે,75માં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ગામદીઠ 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા હેતુ માટે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં પ્રાકૃતિ ખેતી વિશેના તાલીમ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતોએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાના ખેતીના અનાજ,કઠોળ,ફળ ફળાદી જેવી વસ્તુઓ સાથે પ્રોગ્રામ ખાતે સ્ટોલ ગોઠવી પ્રોગ્રામ માં આવેલા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે જાગૃત કર્યા હતા.
સ્વાસ્થ્ય અને જમીન માટે પ્રાકૃતિક ખેતી ઉત્તમ: ખેડૂત
પ્રાકૃતિક ખેતી શિબિરમાં સ્ટોલ ધારક ખેડૂતે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કેબસરકાર દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે.જેમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવી રહ્યા છે પ્રાકૃતિક ખેતી કરી ખેડૂતો ખૂબ સારા પ્રમાણમાં પોતાનું વળતર મેળવે સુખી-સંપન્ન બને તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પ્રાકૃતિક ખેતી કરી સ્વાસ્થ્ય અને જમીનને ખૂબ મોટા ફાયદો થઇ રહ્યો છે. પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને પણ રક્ષણ આપે છે.