- ગુજરાતના નવ લાખ ખેડૂતો પ્રાકૃત્તિક ખેતી સાથે જોડાયા છે
- લીંબડી ખાતે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા આચાર્ય દેવવ્રતજી
- ખેડૂતો સાથે પ્રાકૃત્તિક કૃષિ અંગે દેવવ્રતજીનો સંવાદ
Surendranagar News
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લીંબડી ખાતે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બની ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત આદિકાળથી વેદોની સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરાઓનો દેશ છે. આપણા વેદોમાં ધરતીને “મા” કહેવામાં આવી છે. આજે ઉત્પાદન વધારે લેવાની લાલચમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગે ધરતી માતાને અનેક સમસ્યાઓથી ગ્રસ્ત કરી દીધી છે. રાસાયણિક ખાતરો તથા જંતુનાશક દવાઓના સતત ઉપયોગ કરવાથી આજે ધરતીની ઉત્પાદન ક્ષમતા ઘટી રહી છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, એક ખેડૂત તરીકે મેં ઝેરમુક્ત ખેતી તરફ આગળ વધવા જૈવિક કૃષિ – ઓર્ગેનિક ખેતી કરવાની શરૂઆત કરી. પરંતુ તેમાં પણ મને પહેલા વર્ષે કંઇ પણ ઉત્પાદન મળ્યું નહીં અને પાકમાં એટલા બધા રોગ, જીવાત આવી ગયા કે, તેનો કોઈ ઉકેલ મળ્યો નહીં. આ સિવાય ખેતરમાં વર્મી કમ્પોસ્ટ, છાણીયું ખાતર નાખવાથી નિંદામણ અને મજૂરી પણ વધી ગઈ. આ બધી જ સમસ્યામાંથી મુક્તિ મેળવવા મેં પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી.
પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી આપતાં વધુમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જંગલના વૃક્ષોને યુરિયા અને ડી.એ.પી.ની જરૂરિયાત રહેતી નથી. છતાં પણ સમય થતાં જંગલના વૃક્ષો પર ફળો આવે છે. જંગલના કોઈ પણ વૃક્ષના પાનને લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવે તો તેમાં એકપણ તત્વની ખામી જોવા મળતી નથી. જંગલમાં જે નિયમ કામ કરે છે તે જ નિયમ આપણા ખેતરમાં પણ કામ કરવો જોઈએ. જો આવું થાય તો તેને પ્રાકૃતિક કૃષિ કહેવાય.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં લાંબા ગાળે કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી આ એક વિશુદ્ધ વૈજ્ઞાનિક ભારતીય પદ્ધતિ છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધારે જોવા મળે છે. રાસાયણિક ખેતી ગ્લોબલ વોર્મિંગ પેદા કરે છે અને પ્રાકૃતિક ખેતી ગ્લોબલ વોર્મિંગની સમાપ્તિ કરે છે. પ્રાકૃતિક ખેતીમાં પાણીની જરૂરિયાત 50 ટકા જેટલી ઓછી હોય છે. તેનાથી ભૂગર્ભજળનું સ્તર પણ ઉપર આવે છે. પ્રાકૃતિક ખેતીમાં યુરિયા, ડી.એ.પી. અને કોઈ પણ પ્રકારના જંતુનાશકોની જરૂરિયાત રહેતી નથી. જેથી અળસીયા અને મિત્ર કીટકો પણ પોતાનો પરિવાર વધારી શકે છે.
પાણીનો મહિમા સમજાવતાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે, જળ એ જીવન છે. પરંતુ આજે પીવાલાયક પાણી રહ્યું નથી. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઝેર જશે નહીં, તેથી આવનારી પેઢીઓને શુદ્ધ પાણી મળશે. પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા વધે છે અને આવનારી પેઢીઓને વારસામાં ફળદ્રુપ જમીન મળશે. આજે ભારત સરકાર 2.50 લાખ કરોડ કરતાં વધારે રૂપિયા પ્રતિ વર્ષ યુરિયા, ડી.એ.પી.ની સબસીડી પાછળ ખર્ચે છે. જો યુરિયા ડી.એ.પી.ના ઉપયોગને અટકાવીશું તો આ બચત દેશના અન્ય વિકાસના કામોમાં ઉપયોગમાં આવી શકશે.
આજે ઝેરી ખોરાકના કારણે હોસ્પિટલો દર્દીઓથી ભરાયેલી છે. પ્રાકૃતિક ખોરાક ખાવાથી આપણે સ્વસ્થ અને શારીરિક રીતે મજબૂત બની શકીશું.
રાસાયણિક ખેતીના દુષ્પરિણામોથી મુક્તિ મેળવવાનો મજબૂત વિકલ્પ એટલે પ્રાકૃતિક કૃષિ એમ જણાવતાં રાજયાાલએ ઉમેર્યું હતું કે, આજથી 50 વર્ષ પહેલાં રાસાયણિક ખેતી નહોતી, ત્યારે કેન્સર, ડાયાબિટીસ, હ્રદયરોગ, હાઇપરટેન્શન જેવા અસાધ્ય રોગો વિશે આપણે જાણતા પણ ન હતા.
આજે ફેમિલી ડોક્ટરની જેમ પરિવારોને પ્રાકૃતિક ખેતી કરતા ફેમિલી ફાર્મર રાખવા અનિવાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોની ચિંતા કરીને ખેડૂતોની આવક વધારવાની દિશામાં કામ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે, પ્રાકૃતિક કૃષિ થકી લોકો સ્વસ્થ બને અને ખેડૂતો સમૃદ્ધ બને તેમ જણાવતાં રાજયપાલશ્રીએ ગુજરાતમાં 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા હોવાનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો. દેશના ખેડૂતો, ભારતીય દેશી ગાયો, વાતાવરણ, પાણી અને જમીનની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠના મહંત લલિતકિશોરશરણજીએ રાજયપાલ આચાર્ય દેવવ્રતજીને શાલ ઓઢાડી આવકાર્યા હતા અને સ્વાગત પ્રવચન કર્યું હતું. કથાકાર પૂજ્ય મોરારી બાપુ, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ટ્રસ્ટી ચંદ્રેશભાઇ ઝવેરી, બીપીનચંદ્ર ખાંદલા સહિત મોટી સંખ્યામાં ભક્તજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા