કોટડા, ભાડવા અને રાજગઢમાં 10 થી 12 હેક્ટરમાં મીઠી પાણીદાર શેરડીનું ધૂમ ઉત્પાદન પાંચથી વધુ જગ્યાએ કરાતું ગોળનું ઉત્પાદન
છેલ્લા કેટલાક સમયથી લોકો ખાનપાનની વસ્તુઓ, શાકભાજી, ફળ-ફળાદીસહીત ઓર્ગેનિક વસ્તુઓ પ્રત્યે સજાગ થયા છે. જેના કારણે ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. જેમાં દેશી ઓર્ગેનિક ગોળ પણ હવે લોકોના ભોજનનો ભાગ બન્યો છે.
રાજકોટના કોટડા સાંગાણી નગરની આસપાસ ભાડવા અને રાજગઢ ગામે શેરડીનું બહોળા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેને કારણે અહીં જ દેશી ગોળની બનાવટનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે.
ગોળનું ઉત્પાદન હજુ પણ પરંપગત રીતે કરવામાં આવે છે. જેમાં ખેતરમાં જ ભઠ્ઠી બનાવી રાબડામાં રસને પકવવામાં આવે છે અને તેમાંથી ગોળનું ઉત્પાદન કરવામાં આવે છે. ભઠ્ઠી ઉપર ત્રણ મોટા તાવડા તૈયાર કરવામાં આવે છે. જેમાં પ્રથમ તાવડામા શેરડીના રસમાંથી કચરો દૂર કરી સફાઈ કરવામાં આવે છે. ત્યારબાદ આ રસને ઘન સ્વરૂપ આપવા બીજા તાવડામાં નાખી ઉકાળવામાં આવે છે. ઘટ્ટ બનેલા આ રસને ત્રીજા તાવડામાં ઠાલવવામાં આવેછે. રસ એકદમ ઘાટો કણીદાર બની જાય એટલે તેને ખાસ ચોકડીમાં કાઢવામાં આવે છે. અને તેને પાવડીથી સતત વલોવવામાં આવે છે. રસ ઠંડો પડતા તે એકદમ ઘટ્ટ બની જાય છે. જેને ડબામાં અથવા ભીલા બનાવવા માટે ખાસ બીબામાં ઢાળવામાં આવે છે.
ગોળના ઉત્પાદન માટે ખાસ ઉત્તર પ્રદેશથી કારીગરોને બોલાવવામાં આવે છે. જેઓ ગોળ બનાવવામાં નિષ્ણાત હોય છે. ગોળ કરતાં વધેલા શેરડીનાછોતરાને સુકવીને બળતણ તરીકે પણ વાપરવામાં આવે છે. કોટડા સાંગાણીના એવા જ એક ગોળ ઉત્પાદક સાગરભાઈ વઘાસીયા જણાવે છે કે, અમારે 40 વીઘામાં શેરડી થાય છે. અહીં પાણી પુષ્ક્ળ પ્રમાણમાં મળી રહે છે તેથી શેરડી મીઠી અને રસદાર હોય છે. જેમાંથી સારા પ્રમાણમાં ગોળનું ઉત્પાદન કરી શકાય છે. વીઘે 100 મણ જેટલુ ગોળનું ઉત્પાદન થાય છે.રોજ મોટાભાગનો તાજેતાજો ગોળ અહીં વાડીએથી જ લોકો લઈ જાય છે.
રાજકોટ સહીત સમગ્ર રાજકોટ જિલ્લામાં આ મીઠા ગોળની ખાસ ડીમાન્ડ છે તેમ સાગર ભાઈ જણાવે છે. ખેડૂતો શેરડીની ખેતી અને ગોળના ઉત્પાદન થકી વીઘે દોઢ લાખ જેવી આવક મેળવી લે છે. ત્યારે ખેડૂતો માટે ગોળ મીઠી આમદની પેદા કરવાનું સશક્તમાધ્યમ બન્યુ છે.