મોરબી ઝુલતા પુલ ગત તા.30 ઓકટોમ્બર 2022ના રોજ તુટી પડવાથી એક સાથે 135 નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાની સર્જાયેલી દુર્ઘટના અંગે લાંબા સમયથી જેલમાં રહેલા ઓરેવા ગૃપના જયસુખ પટેલ દિવાળી પોતાના પરિવાર સાથે કરી શકે તે માટે અદાલતમાં પેરોલ મેળવવા વચગાળાની જામીન અરજી કરી છે. પેરોલ અરજીની સંભવત આજે જ સુનાવણી પુરી થાય તેમ હોવાથી જયસુખ પટેલ દિવાળી જેલમાં કે મહેલમાં કરશે તે અંગે અદાલતના ચુકાદા પર સૌની મીટ મંડાયેલી છે.
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં સુત્રધારે વચગાળાના જામીન માગ્યા
135 નિર્દોષે જીવ ગુમાવવાની દુર્ઘટના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા ઓરેવા ગૃપના જયસુખ પટેલે દિવાળી પરિવાર સાથે ઉજવવા કોર્ટમાં પેરોલ મેળવવા કરી અરજી
મોરબી રાજાશાહી સમયના ઝુલતા પુલનું નગરપાલિકાએ રિપેરીંગ અને સંચાલન ઓરેવા ગ્રુપને સોપવામાં આવ્યું હતું. ઝુલતા પુલનું મેન્ટેનશ થયા બાદ જાહેર જનતા માટે દિવાળીના તહેવારોમાં ખુલ્લો મુકાયાના પાંચ જ દિવસમાં તુટી પડવાના કારણે એક સાથે 135ના મોત નીપજતા સમગ્ર રાજયમાં શોક છવાયો હતો. આ અંગે ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવી હતી. તેમાં ઓરેવા ગ્રુપની ગુનાહીત બેદરકારી હોવાનું બહાર આવ્યું હતું.
ઝુલતો પુલ તુટવાની અને 135 નિર્દોષ જીવ ગુમાવવાની દુર્ઘટના કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના ડાયરેકટર જયસુખ પટેલ, મેનેજર દિપક દવે, દિપક પારેખ અને સિકયુરિટી સહિતના સ્ટાફની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં અદાલતે અત્યાર સુધીમાં છનો જામીન પર છુટકારો કરવામાં આવ્યો છે. બીજી તરફ મૃતકના પરિવારોને ઓરેવા ગ્રુપ દ્વારા સહાય પણ ચુકવવામાં અદાલત દ્વારા હુકમ થયો હતો.
લાંબા સમયથી જેલમાં રહેલા ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે દિવાળીના તહેવારો દરમિયાન પોતાના પરિવાર સાથે રહી શકે તે માટે હાઇકોર્ટમાં વચગાળાના જામીન મેળવવા અરજી કરી છે. જેની આજે સુનાવણી હાથ ધરવામાં આવશે જયસુખ પટેલ દિવાળી જેલમાં કે મહેલમાં કરશે તે અંગે અદાલતના હુકમ પર સૌની મીટ મંડાયેલી છે.