Abtak Media Google News
  • બિનખેતી થયેલા તમામ જુના પ્રકરણોમાં થશે તપાસ
  • ગેમઝોન અગ્નિકાંડમાં રહેણાંક હેતુના પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ ખડકી દેવાનું ખુલતા ત્રણ માલિકોને ફટકારાય નોટિસ : 2016માં રિવાઇઝ વેળાએ શરતભંગનો કેસ ચાલી ગયો હોવાનું પણ ખુલ્યું

રાજકોટમાં સર્જાયેલા ગેમઝોન અગ્નિકાંડમાં શરતભંગ થતો હોય, તેના ત્રણ માલિકને ક્લેકટર તંત્ર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. ઉપરાંત હવે જિલ્લાભરમાં શરતભંગના કેસો શોધી કાર્યવાહી કરવાના જિલ્લા કલેક્ટરે આદેશો  છોડ્યા છે.રાજકોટના નાનામવા વિસ્તારમાં ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડે 27 નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લીધા બાદ સફાળી જાગેલી રાજ્ય સરકારે દરેક જિલ્લા કલેક્ટરને તેમના વિસ્તારમાં બિનખેતી થયેલી જમીનોનો ઉપયોગ ક્યાં હેતુ માટે થાય છે તેની સ્થિતિ ચકાસવા આદેશ કર્યો હતો. જેના પગલે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ મામલતદારો, સર્કલ ઓફિસરોને તેમના વિસ્તારની બિનખેતી થયેલા પ્લોટનો સરવે કરી તેનો ક્યાં હેતુ માટે ઉપયોગ થાય છે તેનો રિપોર્ટ આપવા આદેશ કરતા આજથી મહેસૂલી તલાટીઓ દ્વારા રહેણાક હેતુ માટે બિનખેતી થયેલા પ્લોટનો ઉપયોગ ક્યા હેતુ માટે થઇ રહ્યો છે તેનો સરવે હાથ ધરાશે અને કેટલી જમીનમાં શરતભંગ કરાયો છે તેનો રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સુપરત કરાશે.

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનકાંડ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તલાટીઓને તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ પ્લોટનો સરવે કરવા આદેશ કર્યો છે. જેમાં ખેતીની જમીન ક્યાં હેતુ માટે બિનખેતી કરવામાં આવી હતી? જે હેતુ માટે બિનખેતી કરવામાં આવી હતી તે હેતુનું પાલન થયું છે કે કેમ? હાલમાં આ પ્લોટ રહેણાક હેતુનો હોય તો રહેણાક બનાવવામાં આવ્યું છે કે નહીં ? કેટલી જમીન બિનખેતી થયા બાદ હેતુ ફેર કરાયો છે? કેટલા પ્લોટમાં શરતભંગ કરવામાં આવ્યો છે? સહિતની તપાસ કરવા આદેશ કરાયો છે. રાજકોટ શહેર ઉપરાંત ભાગોળેના અનેક વિસ્તારોમાં રહેણાક હેતુના પ્લોટોમાં કોમર્સિયલ બાંધકામો ખડકાઇ ગયાની ચર્ચા છે ત્યારે આ તપાસમાં કેટલાય મોટામાથાઓ ઝપટે ચડે તેવી પૂરતી શકયતા વ્યક્ત થઇ રહી છે.

અગ્નિકાંડમાં તપાસ હાથ ધરાતા આ જગ્યા રહેણાક હેતુ માટે બિનખેતી કરાયાનું અને તેનો કોમર્સિયલ ઉપયોગ કરાતો હોવાનું બહાર આવતા તેના માલિકોને જિલ્લા કલેક્ટર દ્વારા શરતભંગની નોટિસ ફટકારવામાં આવી છે અને આ અંગે કેસ ચલાવી આકરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે.નાનામવા સરવે નંબરમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં દુર્ઘટના બાદ હાથ ધરાયેલી તપાસમાં 5 એકર જગ્યા રહેણાક હેતુ માટે બિનખેતી કરાયાનું પશ્ચિમ મામલતદારની તપાસમાં બહાર આવ્યું હતું. પશ્ચિમ મામલતદાર દ્વારા ટીઆરપી ગેમ ઝોનવાળી જગ્યાનો સંપૂર્ણ સરવે હાથ ધરાયા બાદ કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા અને રઘુરાજસિંહ જાડેજા આ ત્રણેય માલિકો દ્વારા આ જગ્યાનો હેતુફેર કરાવ્યા વગર કોમર્સિયલ ઉપયોગ કરાતો હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટના આધારે જિલ્લા કલેક્ટર દ્વારા ટીઆરપી ગેમ ઝોનવાળી જગ્યાના માલિકોને શરતભંગની નોટિસ ફટકારવામાં આવી છે અને તેની સામે શરતભંગનો કેસ ચલાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મહેસૂલના કાયદાની જોગવાઇ અનુસાર આ 15 હજાર ચો.મી જગ્યા છે. જેમાં વધુમાં વધુ 40 પટ્ટ દંડ કરી શકાય છે. 1 પટ્ટ એટલે 65 પૈસા થાય છે.  આ કેસમાં રૂ.3.5 લાખથી 4 લાખનો દંડની શકયતા સેવાઈ રહી છે. વધુમાં મળતી માહિતી અનુસાર આ જમીન 2016માં રિવાઇઝ કરી ત્યારે શરતભંગનો કેસ ચાલી ગયો હતો. ત્યારે પણ દંડ ફટકારવામાં આવ્યો હતો.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.