વરસાદી પાણી ભરાતું હોય તેવા વિસ્તારો શોધી પાણી નજીકના બોરમાં હાર્વેસ્ટીંગ થાય તેવી વ્યવસ્થા કરવા પણ તાકીદ: મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધિકારીઓ સાથે પ્રિ-મોનસૂન બેઠક

ચોમાસાની સિઝન પૂર્વે શહેરમાં ડામર એક્શન પ્લાનના કામો અને પેચવર્ક પૂરા કરવા માટે તમામ સિટી એન્જીનીંયર અને વોર્ડ એન્જીનીંયરોને આદેશ આપી દેવામાં આવ્યો છે. ઉનાળાની સીઝનમાં જ્યાં પાઇપલાઇનનું નેટવર્ક નથી ત્યાં લોકોને પાણી પુરૂં પાડવા માટે ટેન્કર ફાળવવા પણ તાકીદ કરવામાં આવી છે. વરસાદી પાણી ભરાતા હોય તેવા વિસ્તારોને શોધી આ પાણી નજીકના બોરમાં હાર્વેસ્ટીંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ સૂચના આપી દેવામાં આવી છે. ગઇકાલે મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે પ્રિ-મોન્સૂન બેઠક બોલાવી હતી. જેમાં અલગ-અલગ મુદ્ાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

સામાન્ય રીતે પ્રિ-મોન્સૂન કામગીરી સંદર્ભે મે માસમાં બેઠક બોલાવવામાં આવતી હોય છે. પરંતુ આ એક મહિનો વહેલી બેઠક પદાધિકારીઓ દ્વારા બોલાવવામાં આવી હતી. જેમાં વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરાઇ હતી.

મુખ્ય માર્ગોના ડામર પેચ વરસાદ પૂર્વે પુરા કરવા, સ્ટોર્મ વોટર ડ્રેનેજ મેઈન હોલ સાફ કરવા, ડ્રેનેજ મેઈન હોલ સાફ કરવા, પીવાના પાણીની વાલ્વ ચેમ્બરો સાફ કરાવવા, જૂની ગટરના મેઈન હોલનું પ્લાસ્ટર નીકળી ગયેલ હોય તો તાત્કાલિક રીપેર કરવા, રેન વોટર હાર્વેસ્ટીંગ કરાવવા સ્ટેન્ડિંગ ચેરમેનએ તથા મેયરે ભાર મૂક્યો હતો.

આ ઉપરાંત વોર્ડ વાઈઝ સ્ટોર્મ વોટરમાં કરાવના થતા કામો તથા કરવામાં આવેલ કામોનો અહેવાલ લેવામાં આવ્યો હતો. વોર્ડ ઓફિસરોને ખાસ કરીને વરસાદી પાણી ભરાતા હોય તેનો અહેવાલ તૈયાર કરવા જણાવેલ તથા પાણીની ફરિયાદ બાબતે વોર્ડ વાઈઝ રસ લઇ અને ફરિયાદ નિકાલ થાય તે અંગે તાકીદ કરાય હતી. મેઈન હોલની સફાય થાય તેમાં ખાસ કરીને 24 કલાકની અંદર નીકળેલ ગાળ ઉપડી જાય તે સુનિશ્ચિત કરવા વોર્ડ એન્જીનીયરોએ તકેદારી રાખવી. એક્સન પ્લાનના કામો તથા ડામર પેચના કામો સત્વરે પૂર્ણ કરવા આદેશ અપાયા હતા.

પાઈપ લાઈનોના કામ ચાલી રહ્યા હોય તેમાં સત્વરે નાખવામાં આવેલ પાઈપથી કામે થયેલ ચરેડામાં મેટલીંગ કામ સત્વરે પૂર્ણ કરવું. જ્યાં પાણીનું નેટવર્ક ન હોઈ ત્યાં લોકોની જરૂરિયાત મુજબ ટેન્કર ફાળવવા નિર્ણય કરવા જણાવવામાં આવ્યું હતું. વરસાદી પાણી ભરાતા હોઈ તેવા સ્પોટ તાત્કાલિક અસરથી વોર્ડ એન્જીનીયરોને તથા વોર્ડ ઓફિસરોને આઇડેન્ટિફાઈ કરવા અને તે પાણીનું નજીકના બોરમાં વોટર હાર્વેસ્ટીંગ થાય તેવી વ્યવસ્થા કરવા તાકીદ કરાય હતી.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને હાલ ચાલતા કામો ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ પગલા લેવા, જે માટે થઇને સંલગ્ન તમામ એજન્સીઓ સાથે આગોતરું સંકલન કરી આયોજન કરી સત્વરે અમલવારી શરૂ કરાવી વરસાદી ઋતુ શરૂ થાય તે પહેલા જ જરૂરી કામગીરી પૂર્ણ કરાવવી જેથી કરીને બિનજરૂરી ફરિયાદો ઉપસ્થિત ન થાય તે જોવા લગત તમામ અધિકારીઓને તાકીદ કરાય હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.