મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ધારાસભ્ય, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને શહેર ભાજપ પ્રમુખે કરી કંટ્રોલ રૂમની કામગીરીની કરી સમિક્ષા: 1379 લોકોનું સ્થળાંતર
રાજકોટમાં આજ રાત્રિથી બિપરજોય વાવાઝોડાની અસર વર્તાવા માંડશે. મહાપાલિકાનું તંત્ર સજ્જ થઇ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાંથી 1379 સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જે તમામના મેડિકલ રિપોર્ટ આજે કરવામાં આવ્યા હતા. દરમિયાન મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ અને પક્ષના હોદ્ેદારોએ આજે ફાયર કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી. કંટ્રોલરૂમમાં નોંધાતી ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવામાં આવે તેવી તાકીદ કરી હતી.
બિપરજોય વાવાઝોડાના સંકટ સામે લડવા 122 ટીમો બનાવવામાં આવી છે. શહેરના નીચાણવાળા વિસ્તારમાં સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. 1379 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. 60 મેડિકલ ટીમ દ્વારા તેઓના સ્વાસ્થ્યનું પણ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 21 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જેને દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે ભયગ્રસ્ત 74 વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવ્યું હતું. 5373 બોર્ડ-બેનરો દૂર કરવામાં આવ્યા છે. જ્યારે 400થી વધુ હોર્ડિંગ્સ બોર્ડ ઉતારી લેવામાં આવ્યા છે. અલગ-અલગ વિસ્તારોમાંથી સ્થળાંતરિત કરાયેલા લોકોને ફૂડ પેકેટોનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ ટીમો દ્વારા શહેરની જુદી જુદી શાળાઓ સહીત આશરે કુલ 40 સ્થળોએ નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવેલ છે. જ્યાં તેઓ માટે લાઈટ, પાણી, ફૂડ પેકેટ્સ સહીતની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા 60થી વધુ મેડીકલ ટીમો તૈયાર કરવામાં આવેલ છે. આ ટીમો દ્વારા ઉપરોક્ત તમામ આશ્રયસ્થાનોએ સ્થળાંતરિત લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી હતી. આરોગ્ય શાખા દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓ માટે આવશ્યક દવાઓની પણ વ્યવસ્થા કરાયેલ છે.
વાવાઝોડાના પગલે નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું જ્યાં સ્થળાંતર કરવામાં આવેલું છે. તે પૈકી પુનીતનગરમાં આવેલી પ્રાથમિક શાળાની આજે કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાએ મુલાકાત લીધી હતી. સ્થળાંતરિત લોકોને અપાતા ભોજન અને આરોગ્યલક્ષી કામગીરીની પણ ચકાસણી કરવામાં આવી હતી.