જુના યાર્ડ પાસે ગાંઠિયાના પૈસા બાબતે બોલાચાલીમાં સમજાવવા ગયેલા નિર્દોષ યુવકનું ઢીમ ઢાળી દીધુ ’તુ

આરોપીના પિતાએ પુત્ર સગીર હોવાના બોગસ દસ્તાવેજના આધારે આગોતરા જામીન માંગ્યા’તા

શહેરના માર્કેટીંગ યાર્ડ પાસે ત્રણ માસ પૂર્વે થયેલી નિર્દોષ યુવાનની હત્યામાં પોલીસ ધરપકડની દહેશતે આરોપી સગીર હોવાનો બોગસ દસ્તાવેજો રજુ કરી કોર્ટને ગુમરાહ કરનાર આરોપી અને તેના માતા-પિતા વિરુઘ્ધ પોલીસ ફરિયાદ નોંધવા અને આગોતરા જામીન અરજી પરત ખેંચવા કરેલી અરજી રદ કરતો અદાલતે હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ ત્રણ માસ પૂર્વે શહેરના જુના માર્કેટીંગ યાર્ડ પાસે ગાંઠીયાના પૈસા બાબતે ઝઘડો કરી રહેલા રવિ કાઠી સહિતના શખ્સોને યુવાન દિનેશભાઈ હિરાભાઈ ફાંગલીયા સમજાવવા જતા ભરવાડ યુવાન પર રવિ કાઠી સહિતના શખ્સોએ હથિયારોથી હુમલો કરી હત્યા કરી હતી. જે અંગે મૃતકના ભાઈ રામદેવભાઈ હીરાભાઈ ફાંગલીયાએ રવિ કાઠી સહિતના શખ્સો વિરુઘ્ધ બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ગુન્હામાં રવિભાઈ ખાચર, રાહુલભાઈ હુંબલ, અજયભાઈ માનસુરીયા અને સંજયભાઈ ગોહિલની પોલીસે ધરપકડ કરી હતી.

જયારે અન્ય આરોપી રાજદિપ ધાંધલ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં વાલી દરજજે આગોતરા જામીન અરજી કરી હતી. કોર્ટમાં આગોતરા જામીન અરજીમાં આરોપીના પિતા રવુભાઈ ધાંધલે પોતાનો પુત્ર રાજદીપ ધાંધલ બનાવ સમયે સગીર હોય અને સગીરના વાલી દરજજે આગોતરા જામીન અરજી કરેલી જેના આધાર પુરાવા તરીકે તેના પુત્રનું સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ રજુ કર્યું હતું અને આગોતરા જામીન આપવાની રજુઆત કરી હતી. સરકાર પક્ષે સરકારી વકીલ અને મુળ ફરિયાદી વતી જાણીતા એડવોકેટ કલ્પેશ એલ.સાકરીયાએ મુળ ફરિયાદી વતી જવાબ વાંધાઓ અને આગોતરા જામીન આપવા સામે સખત વિરોધ કર્યો હતો.

આરોપીના પિતા રવુભાઈ ધાંધલે પોતાનો પુત્ર બનાવ સમયે પુખ્ત હોવાનું પોતે જાણવા છતાં સાચી માહિતી આપવાને બદલે ખોટી માહિતી આપીને કોર્ટને ગુમરાહ કરી આગોતરા જામીન કરીને કોર્ટનો દુરુપયોગ કર્યો છે તેવું સાબિત માનીને આરોપી રાજદીપ ધાંધલ તેના પિતા રવુભાઈ ધાંધલ અને તેના માતા સનરાબેન ધાંધલ તેમજ તેની સાથે મદદગારીમાં તપાસમાં ખુલે તે વ્યકિત વિરુઘ્ધ ફોજદારી ફરિયાદ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવા અને આગતોરા જામીન અરજી પરત ખેંચવા કરેલી અરજી નામંજુર કરતો આદેશ કર્યો છે.  આ કેસમાં મુળ ફરિયાદી તરફે રાજકોટના યુવા એડવોકેટ કલ્પેશ એલ.સાકરીયા, રાહુલ મકવાણા અને સરકાર પક્ષે સરકારી વકીલ તરૂણભાઈ માથુર રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.