મ્યુનિસિપલ કમિશનર, ત્રણેય ડીએમસી, સિટી ઈજનેરો સાથે પદાધિકારીઓની મીટીંગ: એકશન પ્લાન સિવાયનાં ટીપી રોડ અને અન્ય રાજમાર્ગો ડામરથી મઢી દેવાશે
ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં પડેલા ૫૭ ઈંચથી વધુ વરસાદનાં કારણે રાજમાર્ગોને ૫૧ કરોડ રૂપિયાની નુકસાની થવા પામી છે. રાજય સરકાર દ્વારા રસ્તાનાં કામો માટે રૂા.૨૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. નવરાત્રીનાં તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે શોર્ટ ટર્મ નોટીસનું ૧૦ દિવસની મુદતનું ટેન્ડર પ્રસિઘ્ધ કરી તાત્કાલિક અસરથી રસ્તા કામ શરૂ કરી શકાય તે પ્રક્રિયા હાથ ધરવા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સહિતનાં અધિકારીઓને મેયર બીનાબેન આચાર્ય સહિતનાં પદાધિકારીઓએ સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં શનિવારે પડેલા વરસાદનાં કારણે રોડ પર હજી ભીનાસ હોવાનાં કારણે આજથી ગરબી ચોકમાં પેવર કે પેચવર્કનાં કામ શરૂ થઈ શકયા નથી.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજે સવારે મેયર બીનાબેન આચાર્યનાં અધ્યક્ષ સ્થાને બેઠક બોલાવવામાં આવી હતી જેમાં ડે.મેયર અશ્ર્વિન મોલીયા, શાસક પક્ષનાં નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ ત્રણેય ઝોનનાં ડીએમસી તથા સીટી ઈજનેરો સાથેની આ બેઠકમાં શહેરમાં ભારે વરસાદનાં કારણે જે રાજમાર્ગોને નુકસાન થયું છે તે નવરાત્રી કે દિવાળીનાં તહેવાર પહેલા ફરી રીપેર થઈ જાય તે માટે શોર્ટ ટર્મ નોટીસનું ૧૦ દિવસનું ટેન્ડર પ્રસિઘ્ધ કરવા સુચના આપી દેવામાં આવી છે. આગામી બે થી ત્રણ દિવસમાં આ ટેન્ડર પ્રસિઘ્ધ કરી દેવામાં આવશે અને શકય હશે તો દિવાળી પહેલા ફરી રાજમાર્ગો પર પેવરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. એકશન પ્લાનમાં જે રોડનો સમાવેશ કરવામાં આવયો નથી તે ટીપી રોડ કે અન્ય રોડ પર પેવર કરવાનું શરૂ કરવામાં આવશે. રોડ-રસ્તા રીપેરીંગ માટે રાજય સરકાર દ્વારા ૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. કુલ ૫૧ કરોડનું નુકસાન થયું છે. અન્ય ખર્ચ મહાપાલિકા પોતાની તિજોરી પર ઉઠાવી દિવાળી પહેલા રાજમાર્ગોને ફરી ડામરથી મઢી દેશે.
નવરાત્રી પહેલા તમામ ગરબી ચોક પર પેચવર્ક અને પેવરનું કામ પૂર્ણ થઈ જાય તે માટે આજથી યુદ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરવામાં આવનાર હતી પરંતુ શનિવારે પડેલા વરસાદનાં કારણે હજી રોડ પર ભીનાશ છે જેથી પેવર કે પેચવર્ક શકય નથી. સફાઈ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. આવતીકાલથી ગરબી ચોકમાં પેવર કે પેચવર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.