કેસની વિગત મુજબ તુલસીદાસ કેશવદાસ ગોંડલીયા, સુરજ મેટલ ઈન્ડસ્ટ્રીઝ, વેરાવળ (શાપર) રાજકોટમાં તા.૨/૨/૧૯૯૭થી ડાઈમેકર તરીકે નોકરી કરતા હતા અને તા.૧/૪/૨૦૧૭નાં રોજ રાજીનામું આપી છુટ્ટા થયેલ હતા. કામદારે ૨૦ વર્ષની નોકરી કરેલ હોય, ગ્રેચ્યુટીની રકમ ચુકવી આપવા લેખિત નોટીસ આપવા છતાં ન ચુકવતા ક્ધટ્રોલીંગ ઓથોરીટી અને મદદનીશ મજુર કમિશનર રાજકોટ સમક્ષ ગ્રેચ્યુટીની રકમ ચુકવી આવા અને રાજીનામું આપ્યા તારીખથી ૧૦ ટકા વ્યાજ અપાવવા અરજી કરેલ હતી.
આ કામમાં સૂરજ મેટલ ઈન્ડસ્ટ્રીઝના માલીકે વાંધો લીધેલ હતો કે અરજદાર અમારી સંસ્થામાં તા.૧/૪/૨૦૧૦થી જોડાયા હતા અને એપ્રિલ-૨૦૧૬થી આવતા બંધ થયેલ છે. ખરેખર અરજદારની નોકરી સંસ્થામાં એટલા સમયની હતી જ નહીં. આમ સંસ્થામાં પાંચ વર્ષની સળંગ નોકરી કરેલ ન હોય કામદારને ગ્રેચ્યુટી મળવાપાત્ર નથી. આ કામમાં મદદનીશ મજુર કમિશનર અને ક્ધટ્રોલીંગ ઓથોરીટી અન્ડર પેમેન્ટ ઓફ ગ્રેચ્યુટી એકટ-૧૯૭૨ જે. એ. મકવાણાએ સંસ્થાની દલીલ-વાંધાઓ માન્ય ન રાખતા જણાવેલ હતું કે, તારીખ ૨/૨/૧૯૯૭ થી ૧/૪/૨૦૧૭ સુધી ફરજ બજાવેલ છે. આ પ્રકારે આપવામાં આવેલ સર્વિસ સર્ટીફીકેટ ખોટું છે તેમ માની ન શકાય.
કોઈપણ સંસ્થા તેઓના કામદારને આ પ્રકારનું ખોટું સર્ટીફીકેટ કાઢી જ ન આપે જેનાથી તેઓના પર જવાબદારી આવી શકે. અરજદાર તુલસીદાસ ગોંડલીયાને ગ્રેચ્યુટીની રકમ રૂ.૮૬,૫૩૮/- તથા તેના પર તા.૧/૫/૨૦૧૭ થી જે તારીખે ગ્રેચ્યુટીની રકમ ચુકવવામાં આવે ત્યાં સુધીના સમયગાળા માટે ૧૦ ટકા લેખે સાદા વ્યાજની થતી રકમ ચુકવવાનો સામાવાળા કંપનીને હુકમ કરેલ છે. આ કામમાં અરજદારવતી ભારતીય મઝદુર સંઘના મહેન્દ્રભાઈ ત્રિવેદી તથા હરિભાઈ પરમારે રજુઆત કરેલ હતી.