વોર્ડ નં.14માં પારડી રોડ સ્થિત પુ.રણછોડદાસજી કોમ્યુનિટી હોલમાં અનસોલ્ડ દુકાનોની હરાજી કરવા મ્યુની.કમિશનરની સુચના
અબતક, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરને સુવિધા સજ્જ બનાવવા અને શહેરીજનોને ગુણવત્તા સેવાઓ આપી શકાય તે માટે રોજબરોજ કરવામાં આવતી કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દરરોજ એક એક વોર્ડમાં જઈને વિવિધ કામગીરીની ઓવરઓલ માહિતી મેળવે છે. આજે વોર્ડ નં.14માં વોર્ડ ઓફિસે રૂબરૂ જઈ સંબંધિત તમામ અધિકારીઓ પાસેથી સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. વધુમાં મ્યુનિ. કમિશનરએ પારડી રોડ પર આવેલ પુ. રણછોડદાસજી કોમ્યુનિટી હોલમાં અનસોલ્ડ રહેલ દુકાનોની હરાજી કરવા તેમજ જીઓ ટેગીંગ કરવાની કામગીરી કરતી એમનેક્સ કંપનીને ઢીલી કામગીરી બદલ નોટીસ આપવા સંબંધિત અધિકારીને સુચના આપી હતી. તેમજ આ જ વોર્ડમાં ચાલુ પ્રોજેક્ટની કામગીરીની માહિતી મેળવી ઉપરાંત ઓનલાઈન આવતી ફરિયાદોનો સ્થાનિક કક્ષાએ રીવ્યુ કર્યો હતો.
મ્યુનિ. કમિશનરે આ વોર્ડમાં કુલ વિસ્તાર, વસતિ, વિવિધ રહેણાંક, ઔદ્યોગિક અને વાણિજ્યિક એરિયા, ટેક્સ વસુલાતની કામગીરી, વોર્ડના તમામ વિસ્તારોની નળ જોડાણો અંગેની સ્થિતિ, જાહેર સ્વચ્છતા, વોંકળા સફાઈ, ડ્રેનેજ, કોવીડ વેક્સીનેશન, ટાઉન પ્લાનિંગ વિભાગ લગત કામગીરી વગેરે મુદ્દાઓ વિશે અધિકારી પાસેથી માહિતી મેળવી હતી.
વોર્ડ નં. 14માં પારડી રોડ પર આવેલ પુ. રણછોડદાસજી કોમ્યુનિટી હોલમાં અમુક દુકાનો અનસોલ્ડ છે તેની ફરી હરાજીની પ્રોસેસ કરી સોલ્ડ કરવા સુચના આપી હતી તેમજ શહેરમાં જીઓ ટેગીંગની કામગીરી કરતી એમનેક્સ કંપનીની વોર્ડ નં.14માં અસંતોષકારક કામગીરી બદલ સંસ્થાને નોટીસ આપવા પણ સુચના આપી હતી.
આજની મુલાકાત દરમ્યાન મ્યુનિ. કમિશનર અમિત અરોરા સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. એચ.એમ.કોટક, આસી. કમિશનર એચ. કે. કગથરા, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, પી.એ. (ટેક.) ટુ કમિશનર રસિક રૈયાણી, એ.ટી.પી. અંબેશ દવે, વોર્ડ નં. 14ના વોર્ડ ઓફિસર મૌલિક ગોંધીયા વિગેરે હાજર રહ્યા હતા.