રાજ્યભરમાં ગેરકાયદે માંસ વહેંચારી 344 દુકાનો તાત્કાલિક બંધ કરી દેવા નોટિસ ફટકારાઈ
ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને એક મહત્વનો સવાલ પૂછ્યો છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું છે કે, લાઇસન્સ વિના પશુઓની કતલ કરી માંસ વેંચાનારાઓ સામે શા માટે કાર્યવાહી નથી કરાતી ? જેના પગલે રાજ્ય સરકારે રાજ્યભરમાં આ પ્રકારે માંસ વેચનાર 344 માંસની દુકાનો બંધ કરવા નોટીસ ફટકારી છે. ઉપરાંત હવે આ પ્રકારે માંસ મનું વેચાણ કરનારા સામે ફોજદારી અથવા સિવિલ કાર્યવાહી કરવા પણ આદેશો આપવામાં આવ્યા છે.
જે રીતે રાજ્યમાં ગેરકાયદે માંસ મનું વેચાણ સતત વધી રહ્યું છે તેના લીધે હાઇકોર્ટ પણ ચિંતિત છે કારણ કે, લાયસન્સ લીધા વિના જ ગેરકાયદે પશુઓની કતલ કરવામાં આવે છે અને ત્યારબાદ આ માંસનું વેંચાણ કરવામાં આવે છે ત્યારે સંબંધિત અધિકારીઓને કાયદાનું પાલન ન કરતી તમામ માંસની દુકાનો સામે ફોજદારી અથવા સિવિલ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ઓથોરિટીના સંયુક્ત કમિશનર દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટમાં શુક્રવારે હાઇકોર્ટને જાણ કરવામાં આવી હતી કે, સંબંધિત અધિકારીઓએ માંસની દુકાનો અને નાના કતલખાનાઓની વ્યાપક તપાસ હાથ ધરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ચાલતા કથિત ગેરકાયદે કતલખાનાઓ વિશે ધર્મેન્દ્ર ફોફાની દ્વારા દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં આપવામાં આવેલી માહિતીના આધારે આ કાર્યવાહી કરાઈ હતી.
અધિકારીએ સમજાવ્યું કે, ખાદ્ય સુરક્ષા અને ધોરણો અધિનિયમ, 2006 અને 2011 ના નિયમોની વિવિધ જોગવાઈઓ હેઠળ નાના ખાદ્ય વ્યવસાયોને માંસ વેચવા અને દરરોજ 10 થી ઓછા પ્રાણીઓની કતલ કરવા માટે લાઇસન્સ કેવી રીતે આપવામાં આવે છે.
જો કે, માંસ વેચવા માટે પરવાનગી આપવામાં આવેલ અંદાજે 344 ’નાના ખાદ્ય વ્યવસાયો’ 2011ના નિયમોનું ઉલ્લંઘન કરીને પ્રાણીઓની કતલમાં સંડોવાયેલા જોવા મળ્યા છે અને તેમને આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવાની નોટિસ આપવામાં આવી છે.
બુધવારે ખાદ્ય અને દવાઓના કમિશનરેટે તમામ ખાદ્ય નિરીક્ષકો અને અન્ય સંબંધિત અધિકારીઓને સૂચનો જારી કર્યા કે, માંસની દુકાનો અને ખાદ્યપદાર્થોના તમામ ગેરરીતિ કરનારા માલિકો સામે કાયદાની કલમ 42 હેઠળ ફોજદારી અથવા સિવિલ કાર્યવાહી શરૂ કરવા આદેશો આપવામાં આવ્યા છે.
અરજદારે દાવો કર્યો હતો કે પ્રાણીઓની કતલ કરવા માટે માત્ર આઠ કતલખાનાઓ પાસે લાયસન્સ છે, પરંતુ હકીકતમાં રાજ્યમાં આવા 300 જેટલા કતલખાનાઓ ચાલે છે અને તેમની પાસે લાઇસન્સ છે. આ અંગે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં આઠ મોટા કતલખાના છે. તેમાંથી એક બંધ અવસ્થામાં છે, ચાર પાસે લાઇસન્સ છે અને ત્રણ તેમના લાયસન્સની રાહ જોઈ રહ્યા છે. જેથી સ્પષ્ટ થાય છે કે ફક્ત 8 કતલખાના કાયદેસર છે તે સિવાય ધમધમતા તમામ કતલખાના ગેરકાયદેસર હોવાનું ફલિત થઈ રહ્યું છે ત્યારે હવે ગેરકાયદે ધમધમતા કતલખાના પર આગામી દિવસોમાં તવાઈ બોલાવવામાં આવે તેવી પ્રબળ શકયતા છે. હાઈકોર્ટે આ મુદ્દે 29 સપ્ટેમ્બરે સુનાવણી કરનારી છે.