એડમિશન કમિટીની કાર્યવાહીના ભાગરૂપે ૩૬૩૦ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો
રાજ્યની સરકારી અને ખાનગી મેડિકલ તથા ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટે એડમિશન કમિટી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીના ભાગરૂપે પ્રથમ રાઉન્ડમાં મેડિકલના ૩૬૩૦ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓ પૈકી જે વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેસ મળ્યો હોય તેમણે કોલેજમાં સત્ર શરૂ થયાના એક માસની અંદર રૂ. ૫ લાખના બોન્ડ જમા કરાવવા આદેશ કરાયો છે. સરકારી કોલેજમાં પ્રવેસ મેળવનારા વિદ્યાર્થીઓ માટે અગાઉ રૂ. ૧.૫ લાખના બોન્ડ આપવાના હતા પરંતુ સરકારે તેમાં વધારો કરી રૂ. ૫ લાખ કરતા વિદ્યાર્થીઓએ રૂ. ૫ લાખના બોન્ડ જમા કરાવવાના રહેશે. જ્યારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS)ની કોલેજમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ રૂ. ૨ લાખના બોન્ડ આપવાના રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર મેડિકલ કોલેજમાં હાલમાં પ્રવેશની મોસમ ચાલી રહી છે. એડમિશન કમિટી દ્વારા પ્રથમ રાઉન્ડમાં મેડિકલની ૩૬૩૦ બેઠકો પર પ્રવેશ ફાળવ્યા છે. જેમાં સરકારી મેડિકલ કોલેજમાં પણ અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો છે. હવે, સરકારી મેડિકલ કોલેજમાં ઓછી ફીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી સરકાર દ્વારા અગાઉ રૂ. ૧.૫ લાખના બોન્ડ લેવામાં આવતા હતા. જેમાં તેઓ ડોક્ટર બન્યા બાદ ત્રણ વર્ષ સુધી ગામડામાં ફરજ બજાવશે તેવા બોન્ડ લેવાતા હતા. પરંતુ તે વખતે દોઢ લાખની રકમ નાની હોઈ ડોક્ટર બન્યા બાદ સરકારમાં દોઢ લાખ ભરી તેઓ ગામડામાં ફરજ બજાવતા ન હતા. જેના પગલે સરકારે બોન્ડની રકમ વધારી રૂ. ૫ લાખ કરી દીધી હતી. દરમિયાન ચાલુ વર્ષે જે વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો છે તેમના માટે પણ બોન્ડને લઈને એડમિશન કમિટી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જે મુજબ સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીએ કોલેજમાં સત્ર શરૂ થયાના એક માસની અંદર રૂ. ૫ લાખના બોન્ડ જમા કરાવવાના રહેશે. આમ, કોલેજ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ તાત્કાલીક બોન્ડ જમા કરાવે તે માટેની સુચના અપાઈ છે. જ્યારે GMERSમેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ પણ રૂ. ૨ લાખના બોન્ડ જમા કરાવવાના રહેશે.
એડમિશન કમિટી દ્વારા મેડિકલ અને ડેન્ટલમાં ૪૭૮૫ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ફાળવ્યો છે. જેમાં મેડિકલના ૩૬૩૦ વિદ્યાર્થીઓ અને ડેન્ટલના ૧૧૫૫ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. પ્રવેશ ફાળવ્યો છે તે વિદ્યાર્થીઓએ હવે ૮ ઓગસ્ટથી ૧૧ ઓગસ્ટ દરમિયાન હેલ્પ સેન્ટર પર જઈને રિપોર્ટીંગ કરવાનું રહેશે અને પ્રમાણપત્રો જમા કરાવવાના રહેશે. આ માટે ૮ ઓગસ્ટના રોજ સવારે ૧૦ વાગ્યાથી ૧૧ ઓગસ્ટના સાંજે ૪ વાગ્યા સુધી કાર્યવાહી કરી શકાશે. વિદ્યાર્થીઓએ ફી ચુકવણી બાદ હેલ્પ સેન્ટરો પર જઈને રિપોર્ટીંગ કરાવવાનું રહેશે. ત્યાર બાદ આ જ સમયગાળા દરમિયાન સંસ્થા ખાતે જઈને પણ રિપોર્ટીંગ કરવાનું રહેશે તેમ એડમિશન કમિટી દ્વારા વિદ્યાર્થીઓને જણાવાયું છે.
NRI ઉમેદવારોએ મેડિકલમાં પ્રવેશ મેળવ્યા બાદ ડિપોઝીટ પેટે રૂ. ૫ લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા તો રોકડમાં કમિટી દ્વારા નક્કી કરેલી બેંકની બ્રાંચમાં ભરવાની રહેશે. NRIક્વોટામાં વિદ્યાર્થીને પ્રવેશ મળ્યા બાદ જે તે કોલેજમાં પ્રવેશ ક્ધફર્મ કરાવવાનો રહેશે. પ્રવેશ ક્ધફર્મ કરાવ્યા બાદ ૨૨ ઓગસ્ટ પહેલા NRIવિદ્યાર્થીએ પ્રવેસ મેળવ્યો હોય તે કોલેજમાં અમેરિકન ડોલર અથવા સમકક્ષ ચલણમાં ફી ભરવાની રહેશે. ત્યાર બાદ કમિટી સમક્ષ વિદ્યાર્થીએ ભરેલી રૂ. ૫ લાખની ડિપોઝીટ પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થયા બાદ રીફંડ આપવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ભુતકાળમાં ઘણા વિદ્યાર્થીઓના NRIઉમેદવારોના નામે પ્રવેશ મળી ચૂક્યા હતાં તેથી આ વખતે સાવચેતીના પગલે પ્રવેશ સમિતી દ્વારા નિર્ણય કરાયો હતો.