- 14 સરકારી યુનિવર્સીટીઓમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ થાય તે પહેલા હેલ્પલાઇન સહિતની વ્યવસ્થા કરવામાં આવશે
રાજયની 14 યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એડમીશન સેલ અને ગ્રીવન્સ રીડ્રેસલ સેલની રચના કરવાની સૂચના આપવામાં આવી છે. પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની ફરિયાદ યોગ્ય રીતે સાંભળી શકાય તે માટે તમામ યુનિવર્સિટીઓએ કેવી રીતે આ સેલની રચના કરવી તેની વિગતો પણ જાહેર કરી દેવામા આવી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમીશનની વારંવારની સૂચના પછી પણ ગુજરાત સહિત દેશની અનેક યુનિવર્સિટીઓમાં ગ્રીવન્સ સેલની રચના સુધ્ધા કરવામાં આવતી નથી. આ સ્થિતિમાં રાજયમાં આગામી દિવસોમાં 14 યુનિવર્સિટીઓમાં એકસાથે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ રહી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા દરેક યુનિવર્સિટીઓને આ પ્રકારના સેલની રચના કરવા આદેશ કરવામાં આવ્યો છે.
જેમાં ગ્રીવન્સ રીડ્રેસલ સેલમાં એક ગ્રીવન્સ રીડ્રેસલ નોડલ ઓફીસર અને દરેક વિદ્યાશાખા માટે ગ્રીવન્સ રીડ્રેસલ નોડલ ઓફીસરની નિયુક્તિ કરવાની રહેશે. આ ઉપરાંત કોમન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા યોગ્ય રીતે થઇ શકે તે માટે દરેક સરકારી અને ગ્રાન્ટેડ કોલેજમાં હેલ્પ સેન્ટરની રચના કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. આ હેલ્પ સેન્ટરમાં નોડલ ઓફીસર, કોલેજ કો-ઓર્ડીનેટર અને કો-ઓર્ડીનેટર એકાઉન્ટ અને એડમીનના રાખવા પણ તાકીદ કરવામાં આવી છે. આ સિવાય ભારત બહારના વિદ્યાર્થીઓના પ્રવેશ જે તે યુનિવર્સિટીઓએ જાતે કરવાની રહેશે.
આ વિદ્યાર્થીઓના પ્રવેશ કર્યા પછી રજિસ્ટ્રેશ ફી સાથેની વિગતો પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. વિદ્યાર્થીઓએ પોર્ટલ પર બેઝીક જાણકારી, શૈક્ષણિક માહિતી, શાળા છોડયાનું પ્રમાણપત્ર, ફોટોગ્રાફ સહિતની વિગતો રજૂ કરવાની રહેશે. મહત્વની વાત એ કે, દરેક વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન માટે રૂ.300 ફી ભરવી પડશે. રાજયની 14 યુનિવર્સિટીઓ માટે પહેલી વખત ઓનલાઇન રજિસ્ટ્રેશન હોવાથી એડમીશન સેલની સાથે સાથે ગ્રીવન્સ સેલની રચના પણ કરી દેવાની રહેશે.
આ તમામ કાર્યવાહી કર્યા પછી પ્રવેશ ફાળવણીની કાર્યવાહી જે તે યુનિવર્સિટીઓએ જ કરવાની રહેશે. એટલે કે દરેક યુનિવર્સિટીઓેએ પોતાની રીતે અલગથી પ્રવેશ સમિતિની રચના કરવાની રહેશે. અગાઉ જે પ્રકારે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવતો હતો તેજ રીતે પ્રવેશ આપવાનો રહેશે. માત્ર વિદ્યાર્થીઓના મેરિટલીસ્ટ સહિતની તૈયાર યાદી શિક્ષણ વિભાગ દ્વારા જે તે યુનિરવર્સિટીઓને સુપ્રત કરવામાં આવશે. આમ, કોમન એડમીશન પોર્ટલ પછી પણ યુનિવર્સિટીઓની કામગીરીમાં કોઇ મહત્વનો ફેરફાર થશે નહી.