બજેટની સમીક્ષા બેઠક યોજતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ
મહાપાલિકાના વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના મંજુર થયેલા અંદાજપત્રમાં સમાવિષ્ટ વિવિધ પ્રોજેક્ટસ અને કાર્યોની સમીક્ષા કરવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે અધિકારીઓની એક ખાસ બેઠક યોજી હતી.
મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, છેલ્લા નવ નવ માસથી રાજકોટ મહાનગરપાલિકા કોરોના મહામારીનો મુકાબલો કરી રહી છે. આ સમયગાળા દરમ્યાન પણ આવશ્યક પ્રોજેક્ટ્સ આગળ ધપાવવામાં આવી જ રહયા છે. કોરોનાની સ્થિતિમાં જાહેર સ્વાસ્થ્ય સંબંધિત ખુબ જ મોટી અને વ્યાપક ક્ષેત્રને આવરી લેતી અત્યંત મહત્વપૂર્ણ કામગીરીની સાથોસાથ જ શહેરની વિકાસ પ્રક્રિયા પણ અવિરત જળવાઈ રહે તે પણ એટલું જ જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટસ નિર્ધારિત સમય મુજબ પૂર્ણ કરવા કટીબદ્ધ છે. વર્તમાન નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહયું છે ત્યારે આવાસ યોજના, વિવિધ બ્રિજ, કોમ્યુનિટી હોલ, પ્રાથમિક શાળા, ફાયર સ્ટેશન, વોર્ડ ઓફિસનું નવીનીકરણ વગેરે જેવા પ્રોજેક્ટ્સ લક્ષ્યાંક મુજબ નિર્ધારિત સમયમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
બજેટમાં જમીન વેંચાણ માટે જે લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો તે પૂર્ણ કરવા માટે સંબંધિત શાખાધિકારીને સૂચના અપાયેલ છે. સાથોસાથ અલગઅલગ આવાસ યોજનાઓમાં વેંચાણના હેતુ માટે બનાવવામાં આવેલી દુકાનોની વેંચાણની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે પણ સંબંધિત અધિકારીને સૂચના આપી છે.